ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રભુદાસ પટેલ/હડફેટ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
હડફેટ

પ્રભુદાસ પટેલ

કાળિયાની ચિંતા ને લ્હાયમાં ગામ જાણે આવું ને આવું ઠેલાયે જતું લાગતું’તું. ને અડધો ડુંગરો વટાવતાં તો વાલજી હાંફળોફાંફળો થઈ ગયો હતો. બાકી, આ જ ડુંગરો જુવાનીમાં વાલજીને પોતે માત્ર આઠ-દસ ફલાંગમાં જ વટાવી દેતો હોય તેવું લાગતું! આ તો ઘણા સમય પછી, નાછૂટકે જ આવવું પડ્યું હતું. જો મોહને છાલ લાવી આપવાનો ઉમળકો દાખવ્યો હોત તો…? પણ એણે નન્નો ભણ્યો એટલે જ… ‘પાં.. ણ પોતે આજે જ ચ્યમ આટલો હાંફી પડ્યો?…’ એવા વિચારે વાલજીની છાતી ભરાઈ આવી. તેણે છાલનું પોટલું ખભે ટેકવતાં જ, જમણો હાથ તેની છાતીએ ભીંસી દીધો ને તેનાથી મનોમન જ બબડી જવાયુંઃ ‘ઈ ટેમે તો આઠ-દહ ફલાંગ જ લાગે ને?’

– પણ ભીતરમાંથી જાણે કોઈ બોલી પડ્યુંઃ ‘ચ્યમ વાલા એ…વું?’

– ને એ સાથે જ તેની નજરમાં નવનવેલી શાંતાડી રમી ઊઠી; હોઠમાં ઊગી નીકળેલો મરક મરક મલકાટ… ગાલમાં ફૂટી નીકળેલી આછી આછી શરમ કૂંપળો… પોતાને ચડી આવેલી તેના કૂણા કૂણા ગાલને ચૂંટલી ખણી લેવાની ચાનક… ને તેના જવાબરૂપે શાંતાડીમાં ઊભરી આવેલા અમથા અમથા છણકા ને છાસિયાં… અને તેની એ વણખૂટી વાતો? એકાદ ક્ષણ અટકી પડેલા વાલજીના મનમાં એવું કે થઈ આવ્યુંઃ

‘શ્ચમ એટલા વરહે આજે…જ ઈ બધું ઈયાદ…?’ ઘડીભર તો તેણે બધાય વિચારો ખંખેરી નાખીને ચાલવાનો પ્રયત્ન કર્યો પણ – ‘કાળિયો શાંતાડીને ય ઢેટલો વાલો હતો?’ – ના સવાલ ફણગાએ તેને મૂળ દુઃખમાં જ ઘેરી પાડ્યો.

તેની નજરમાં ટૂંટિયું વાળીને બેઠેલા અ… ને પોતાને દુખિયારી નજરે ટગરટગર તાકી રહેલા કાળિયાની ઝાંખી થઈ આવી.

કાળિયાની ચૂંતી આંખો અને નરમાશ ચહેરો જોતાં જ આકળવિકળ થઈ જતો વાલિયો ફેંટા વતી તેની આંખોને લૂક્યા કરતો, ને ક્યાંય સુધી શિંગ-ખાંધે ને પૂછે પંપાળ્યા કરતો ને એ જોઈને બે ફાડિયે વહેંચાયેલા ઘરના તોબરો ચડી જતા…! વાલિયાનાં કાળજાં કપાઈ જતાં… માથું ભમી જતું ને પગ ઢીલા પડી જતા.

– ને વાટના મોટા પથરાને કાળિયો હોય તેમ, ઝૂડ વાળીને બેસી પડેલો વાલિયો લવવા માંડેલોઃ

‘ભઈ કાળિયા, શાંતાડીને પણ તું ઓસો વા’લકો હતો?’

અ. ને ખાસ્સી વારે વાલિયો જ્યારે ભાનમાં આવ્યો ત્યારે કોઈ જાણે તેને સચેત કરી રહ્યું’તુંઃ ‘ઊઠ, વાલા ઊઠ, આ ડુંગરામાં જ દન કાઢીશ તો કાળિયાને…?’

ને ઓચિંતો જ જાણે શક્તિનો સંચાર થઈ આવ્યો હોય તેમ, તેણે ઝટપટ ચાલવા માંડેલું. પગ તો પગનું કામ કરી રહ્યા’તા… તો મન પણ ક્યાં ઝાલ્યું…?

કાળિયાની બીમારી માટે પોતે શું શું નહોતું કર્યું?! વાયરા ઝપટાવ્યા… ડાકલાં કૂટાવ્યાં… ને દાક્તરેય…

કોઈએ કહ્યુંઃ ‘વાલાભાઈ, ધરતીમાતાની બાધા… ફલાણીની.. ઢેકણાની…’ તો કોઈએ વળી કહ્યુંઃ ‘આવા દરદમાં તો સાદડની છાલને ગોળનો ઉકાળો.. પા…ણ એ વાતે મોહનનો ગુસ્સો ને છાસિયું…? … જૉણે વકરાઈએ ચડી ગ્યેલો આખલો ફેટમાં લેવા ન આવ્યો હોય!’

… ‘ભઈ, છાલ લાબ્બાનું કીધું ઈમાં યું મોટો ગનો ગુનો)…?’ કાળિયાએ તો વરહાં લગણ હોળ ને ગાડાં…

– ને વાલિયાને તાડૂકી પડવાનું મન થઈ આવેલુંઃ

‘હાળા રાંડવાઓ… ના, ના. બૈરીઓએ જણ્યા હોવ ઈમ કાતરિયાં લેતા ફરો સો? … જાવુ આજથી તમારા નૉમનું… ‘ધૂને આજથી હું મારા…!’

– પણ એ હોઠે ચડે તે પહેલાં તો દૂર દૂર આકાશમાં શાંતાડી – કરગરવા માંડેલીઃ ‘ના. બચુના બાપા, નઈ. આટલા આકરા નથ્થ થાઓ… ઑમ બૂધ માર્યા પૉણી કંઈ અળગાં થોડાં…?’

વાલિયાને બાખડી પડવાનું મન થઈ આવ્યુંઃ ‘તમે છૉનાં ર્યો બચુનાં આઈ. ઓમ આભલે ચડીને કે’વું સેલ વાત.. પાં. ણ ઑય આઈને દીકરા ને વૌવો (વહુઓ) નાં કરતૂત તો જુઓ.’

– ને નજર સામે વાટ ને ઝાઝાંખરાં જોતાં જ વાલિયો હસવું ન ખાળી શકેલો.

પણ જેવો ડુંગરાની ટોચે પહોંચ્યો, ને પેલું આંબળીનું ઝાડ જોયું કે તેનાથી પથરા પર બેસી પડાયું. એ પથરો આજેય અકબંધ હતો જ્યાં પોતે ને શાંતા ચારની મૂળી કે લાકડાનો ભારો આંબળીએ અઢેલીને બેસી પડતાં. શાંતાડી યે અડોઅડ જ બેસી પડી હોય… ને…!

– જ્યાં પહેલપહેલી જ શાંતાડીએ વધામણી આપેલી. પણ એ સમયની એની શરમ ને લજ્જા કઈ…!

ઊંડા પાણીમાં ડૂબકી મારીને આવી હોય તેમ, તેણે કહેલું: ‘હાંભળો સો?’ ‘ના, ના. તમે કૈક બોલો તો હાંભળું ને!’

– પાંપણો નમી ગયેલી. ગાલ ને નાકનું ટેરવું ગુલાબી ગુલાબી શરમ… ને… ‘ઉં એવી લાગું શું?’

તો પોતે હસી હસીને બેવડ વળી જતાં – ‘તું? ચ્યેવી એટલે?… તું તો હાવ ભોળકી મારી શાંતાડી.’

પણ.. ણ ત્યાં જ પોતાને રોકી પાડતાં – ‘એ યું બોલ્યા તમે? આદમીના હોઠે બૈરાનું નૉમ??”

‘તે ઈમાં યું? લે પાછું લઉં. શાંતા… શાંતાડી…’

– ને તેના મોઢાનો સિક્કો ઝાંખો મૉખો થઈ આવતાં – ‘તું નરાશ થઈ ગઈ?… પણ લાજનાં લાડી! ઈ તો કહો. અમારે તમને કયા નૉમે બોલાબ્બાં?’

‘ના, ના. અવે (હવે) કરી યે પાપમાં પડવાની જરૂર નથી. અવે… અવે તો નોમેય ના લેવું પડે એવું કોક… એવું કોક… પોતે ક્યાં સમજી શકેલો?’ ‘યું આ અવે.. અવે… ને ‘કોક. કોક..’ની લવરી કરવા બેઠી સો?’

શાંતાડીની સરત બહાર જ તેનો હાથ પેટ ઉપર ફરી વળેલો અને એ વધું કઈ ચોખવટ કરે એ પહેલ તો –

ઈમ વાત સે? બેટ્ટમ… અમારાથી છોનાં…’ કહેતાં શાંતાને કેવો વળગી પડેલો?

પછી તો સંસારનું ગાડું કેવું ગબડવા માંડેલું?

એ પહેલા ખોળાનો મોહન.. પછી ભીખલો ને એક કીકલીની આશા તો અધૂરી જ… એ બેય પરણાવ્યા… ને લીલી વાડી…

બધાંય એકીહંગાયે બેહીને ખાતાં. બેસતાં ને ગમ્મતને ઠઠારે માણતા કેવું હરગ… હરગ?.. પણ શાંતાડી રોતાં મેલીને ગઈ એના પૂંઠે…? કટમ્બનાં બે બે ફાડિયાં?… હાળાં ભૂંડલાં, કાળિયાની દશા જોઈને ઉં વરતી ગ્યો કે તમે મારીયે…! પાંણ મોટો તો શાંતા હતી ઈ ટેમે ય પીઠ વાંહે એવું ચ્યેવું…?

ના, ના. ભીખલો એક વા’લો… તે ભણાઈને શે’રમાં… અમે કાંય વેઠિયાં શીએ?

પણ શાંતાડીના દલાસા યે કેવું હાચવી લેતા?’

‘જો ભઈ, તું ભણ્યો નઈ ઈમાં માવતર ક્યું કરે? ને ભીખલો યે કાંય પારકો થોડો સે?… નકી એ તમારાં છોકરાંને શે’રમાં…’

– ને ઉભરા ટાઢાહેમ થઈ જાતા. પા…ણ શાંતાડીને… એક વરસે ના ધ્યું કે – બધું યે બે-બેના ભાગમાં! ને પોતે ને કાળિયો?

કાળિયાનું કૂણ? – પોતે. ને પોતાનું?

પોતે? – એક મઈનો (મહીનો) મોહનનો તો એક મઈનો ભીખલાનો વળી!

– તો પોતાના માટે બે મણનું ખેતર?

‘હાળા વેણ સંકરો… હું તો પૈડપણાનો ઓધાર માગું. ને ઈ તમારા કંપ (સંપ)માં… ને એ નઈ આલી શકો તો આજ કાળિયાનો ઓધારે છોડાવ્વા બેઠાં સો?… જાવું… જાવ… તમારી રગમાં માવતરની નઈ બૈરાંની મતિ દોડે સે…’

પણ ભીખલો તો કેકે સારો…’

‘યેનો સારો? ઈ યે હાવ પોમલો જ, ના, ના. બાપના વારા કાઢવાની ને કાળિયાને કટાઈખોને આલવાની મતિ ઈની બૈરીને જ સૂઝી’તી ને! એવા બૈરાની તો જીભ ના વાઢી લેવી જોવે?’

ફાડ્યા બેય દીકરા જોણે એક જ ચણાનાં બે ફાડિયાં જ… ઈમાં જ ફાડ પાડવાનું સૂઝે કે?

– ને અચાનક આવી ગયેલા વંટોળિયાએ વાલિયાના વિચારો વિખેરી નાખેલા. તે મન કાઠું કરીને ચાલવા માંડેલો. છેક ગામગોદર, વડ નીચે આવ્યો – ત્યારે તેને બીડી સાંભરી આવેલી!

ઉનાળાના દા’ડે ગામનાં ઢોરાં વડ છાંયે બેસીને વાગોળતાં હોય… તેમાં કાળિયોય… વાગોળતા કાળિયાને જોઈ રહેતાં.. બીડી ફૂંકતાં.. આખોય ઉનાળાનો બપોર ફૂદાની પેઠમ…

ને બીડીઓના કશ ઉપર કશ ખેંચતાં, જેવી તેની નજર ગોટો થઈને વેરાયેલી ધુમાડાસર પર પડી કે તેનું મન બોલી પડ્યુંઃ

‘ચ્યેવો સે આ ધુમાડો? અસ્સલ મનખા જેવો જ નઈ! હાળો, બંધાયો હોય ઈમ લાગે. ને નજર ઠરવા જેવું લાગે તૈસ તો વિખરાવા યે માંડે!’

અને વાલિયાને વિચારવાયુ વધી પડે, તે પહેલાં તો ગોવાળું કરીને આવતા ખીમલાના બોલે તે ઝંઝેડાઈ પડેલો –

‘વાલાભઈ, થ્રુ વચારમાં પડી ગ્યેલા સો?” ‘વચારમાં? કાંઈ નઈ ખીમાભાઈ… ઈ તો અમથો અમથો..’

પણ ખીમલો યે વાલિયાના અમથા અમથાથી ક્યાં અજાણ હતો? ત્રણ ત્રણ પિંડદાતાઓ વચ્ચે પોતેય ક્યાં…? ને ‘સાલ્લા ઘેર ઘેર માટીના ચૂલા સે’ – એમ બબડી પડેલો ખીમલો નવી પેઢી ઉપર વરસી પડેલોઃ

‘હાળી આ નવી પેઢીના છોકરાઓને મન ફાટેલાં લૂગડાં, જીવ જનાવર કે માવતરમાં કૉય ફરક જ નઈ? જોવો ઈ તો ઘડા થવાના જ નથૈ.’

પણ વાલિયાના – ‘ખીમાભાઈ માં તો સેલસેલું નયણું (તરણું) શોધી લીધું સે.’ બોલ સામે ખીમો ‘યું?… વાલા, યું?’ પૂછે તે પહેલાં તો ગામે આવી ગયેલું. ને વાલિયો ‘લ્યો ખીમા ભૈ, સાંજે બધાને મળું પછે વાત…’ કહેતાં પોતાના ફળિયા તરફ વળી ગયેલો.

વાલિયો છાલ કૂટીને ઉકાળો તૈયાર કરે, ને સાંજ પડે તે પહેલાં તો તેણે ઘણું ઘણું અનુભવી લીધું હતું. શે’રમાંથી આવતાં જ કાળિયાને જોઈ પોતાને શોધવા નીકળી પડેલા ભીખલાને કોણે રોક્યો-ટોક્યો હતો તેનાથી અજાયું નહોતું. તો પોતાને છાલ કૂટતો જોઈને ઘરમાં પાછો ધસી ગયેલો મોહન પણ

ક્યાં અજાણ્યો હતો! છતાંય તાલ જોવાના બહાને તેણે મનને કાઠું કરી રાખ્યું’તું. સાંજ પડી કે વાલિયો કાળિયાને દવા પીવડાવવાના બહાને માણસો બોલાવવા ગામમાં નીકળી પડ્યો. જ્યાં – જેવી – જેટલી જરૂર હતી તેટલી વાત ચર્ચા, તો કાળિયાને દવા પીવડાવવાની વાત કરીને જ્યારે પાછો ફર્યો ત્યારે વાલિયો હળવીફુલ થઈ ગયો હતો. સાંજ જામી કે વાલિયાના વાડામાં માણસો એકઠા થવા લાગ્યા. તેમાં સૌથી વધુ છોકરાંની પછી ઘરડાંની તો છેલ્લા ક્રમે આધેડ જુવાનિયાઓની હાજરી હતી! વાલિયાના ઘરમાંથી બે-ત્રણ નાનાં છોકરાં સિવાય કોઈ ફરક્યું નહોતું. ઘરમાં જાણે કોઈ રહેતું જ ના હોય તેવી નિરવ શાંતિ હતી. બળદને ઉકાળો પાયા પછી, બરાબરનો – લાગ પારખીને નાથા મુકીએ મમરો મૂક્યોઃ

‘વાલાભઈ, કાલે ગોમનો વૉણિયો તમને યાદ કરતો’તો તે ઈને કૉય ખૉનગી કૉમ સે?’

વાલિયાએ ઘર સાંભળે તેમ, જોરથી ગળું ખોખાર્યું ને કહ્યુંઃ ‘હા. ખૉનગી જેવું જ મુખી પાં.. પણ બધું પતે પછે વાત…’ ઘરમાં પહેલાં તો ફુસાફસ થઈ આવી. ને તે પછી તો ઉંદરોએ જાણે ધમાચકડી મચાવી દીધી! એક જોડું ઘરના બીજા જોડાને ખેંચી લાવ્યું. હવે આઠે આઠ કાન સરવા થઈ… લમણા તાકીને…

મુખીએ થોડો ક ફોડ પડે એ રીતે પૂછ્યુંઃ ‘વાલાભાઈ, વરસ પેલ્લાં તમે કે’તા તા. એ જ ટુકડાની વાત ને?’ ‘પણ દીકરાઓને પૂછ્યું તે ખરૂ?’ ને ટટ્ટાર થઈ ગયેલા વાલાએ ગરજતા સૂરે કહ્યુંઃ

‘મુખી, ઈમાં પૂશવાનું થું? એ મારા ધણી ઓસા સે?.. એ મારું સે.. ને ગમે તે કરું!’

– એ. ને જાણે ડેમમાંથી પાણી ધસી આવ્યાં હોય તેમ, આઠે કાન બહાર ધસી આવ્યા. આગળ પિંડદાડાઓ અને પાછળ તેમની…

વાલિયો જેને કૈક સારો સમજતો હતો તે શે’રવાળો જ પહેલાં તાડૂક્યોઃ ‘આ ડોહલાની તો હાવ જાવા બેઠી સે. ને મુખી તમે બધા કરવા બેઠા સો ઈની ખબર સે? ક્યાંક પોક મેલાવશો…!’

ડોસાભંડળીમાં સોપો પડી ગયો. આધેડ જુવાનિયા ધીમેધીમે ભીખલા ને મોહન તરફ સરકવા લાગ્યા. ને મોહનને ઝનૂન થઈ આવ્યુંઃ

ના, ના. બાપાની મિલકતમાં સોકરાવનોયે ભાગ ઓય કે નઈ? જોઈએ શીએ.. કૂણ લે સે ને કૂણ…?’

માથું હલાવીને સમર્થન આપતા જુવાનિયાઓની આંખોમાં લાલાશ ઉભરતી દેખાઈ. તાકતી નજરો ને ફણા ધ્રૂજતી..

ડોસામંડળીને જાણે કેટલાય આખલાઓ તેમને હડફેટે લેવા તૈયાર હોય તેવી દહેશત થઈ આવી. પણ વાલિયો તો ગભરાવાને બદલે ગર્જી ઊઠ્યોઃ ‘ઉં તો પુલીસ હંગાયે રાખીને… પછે તેની મજાલ સે કે મને…’

ને લોઢું બરાબર તપી ગયેલું ભાળતાં જ મુખીએ ખરો ઘાટ બેસાડી જાણ્યોઃ ‘ભઈ મોહન ને ભીખા, આટલા દા’ડાથી બળદ બીમાર સે તે તમે – કૉય કર્યું? વાલાનો એક જ સવાલ સેઃ ‘આજ તો કાળિયાની દશા.. પછે વાલિયાનું યે એવું ન થાય એનો ક્યું ભરૂસો?’

અ. ને મોહન ને ભીખો એકબીજાને તાકી રહ્યા. આંખો નમી ગઈ. જીભ ઠરી ગઈ ને નરમઘેસ મોઢાં…

ઘરડાઓના તગતગી ઊઠેલા ચહેરાઓ જોઈ જુવાનિયાઓનાં મોઢાં પડી ગયાં. તેઓ અનુભવી રહ્યાઃ ‘તેઓ જણે ઘયડા બળદિયાઓની હડફેટમાં આઈ ગ્યા ના હોય!’

જુવાનિયાઓમાં ગણગણાટી મચી ગઈ. ને બેય દીકરાઓ ડોસાઓ આગળ નમી પડ્યાઃ

‘અમારાથી મોટી ભૂલ… પાંણ અવેથી એવું ન થાય એ ઈસ્ટમ પર લખી આલીયે.’

પરિસ્થિતિ વરતી ગયેલા મુખીએ બંને વહુઓને કડક કડક ચા બનાવવાની સજા ફરમાવી દીધી ને વાતાવરણે જાણે અસર કરી હોય તેમ, એ જ સમયે કાળિયાએ કાન ફફડાવ્યા… શિંગડાં ડોલાવ્યાં ને ઘણા દહાડે પડખું ફેરવવાની કોશિશ કરી. ને હરખાઈ ગયેલો વાલિયો તેની ડોકે વળગી પડ્યો. (સુ.જો .સા.ફો.ના ૨૮મી વાર્તાશિબિર-સાયલામાં રજૂ થયેલી ટૂંકીવાર્તા) (વિ-વિદ્યાનગરઃ ડિસેમ્બર, ૨૦૧૧)