ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રારંભ/સંપાદક-પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સંપાદક-પરિચય

મુખ્યત્વે કવિ તરીકે જાણીતા મણિલાલ હ. પટેલ (જ. 9, નવેમ્બર 1949) એ ઉપરાંત નિબંધકાર, વાર્તા-નવલકાર, ચરિત્રકાર, વિવેચક અને સંપાદક તરીકે પણ ખ્યાત થયા છે. પદ્મા વિનાના દેશમાં (1983) આદિ કાવ્યસંગ્રહો; વૃક્ષાલોક (1997) આદિ નિબંધસંગ્રહો; તરસઘર (1940) વગેરે નવલકથાઓ; બાપાનો છેલ્લો કાગળ (2001) વાર્તાસંગ્રહ; તરસ્યા મલકનો મેઘ(પન્નાલાલ પટેલ વિશે, 2007) એ ચરિત્ર તેમ જ સર્જક રાવજી પટેલ(2004) વગેરે વિવેચન-પુસ્તકો – એમ બહોળું લેખનકાર્ય એમણે કર્યું છે. સતત સર્જન-અધ્યયન દ્વારા એક ધ્યાનાર્હ નિત્યલેખક તરીકે એે પ્રતિષ્ઠિત છે. દસમો દાયકો અને પરસ્પર જેવાં સામયિકોનું સંપાદન પણ એમણે કરેલું છે.

ધનજી કાનજી સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણ ચંદ્રક, ગુજરાત સાહિત્ય ગૌરવ પુરસ્કાર, સુરેશ જોષી નિબન્ધ પુરસ્કાર વગેરે ઘણાં પારિતોષિકો મેળવનાર મણિલાલનાં કવિતા-નિબંધ-નવલકથા-વાર્તામાં તળ જીવનની સંવેદના આકર્ષક સર્જનરૂપ પામી છે; પ્રકૃતિસૌંદર્યનો એમનો અનુરાગ સર્જનાત્મક આલેખનોમાં મહોરી રહેલો છે તથા કવિતામાં બદ્ધ વૃત્તો અને માત્રામેળો એમણે વિશદ પ્રવાહિતાથી આલેખ્યા છે – મણિલાલની સર્જકમુદ્રા રચવામાં આ ત્રણે ઘટકોનો મોટો ફાળો છે.

એમની સમગ્ર કારકિર્દી અભ્યાસી અધ્યાપક-લેખકની રહી – સ. પ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા પછી પણ એ લેખન-સમર્પિત રહ્યા છે.

– રમણ સોની