ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મનોહર ત્રિવેદી/જલમટીપ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મનોહર ત્રિવેદી
Manohar Trivedi.png

જલમટીપ

મનોહર ત્રિવેદી

નટુ મેરાઈનું ધ્યાન આજે મશીન પર નોતું લાગતું. ગઢ ખોલીને લૂગડાંનાં ચીંથરાંથી સાફ કર્યો. તેલ ઊંજ્યું. ઘડી વાર કાતર લે ને ઘડી વાર મેજરટેપ. એમાં રોજના જેવો તરવરાટ નો’તો. એ મનોમન બબડ્યાઃ કફનીનું કલેતું થઈ જાત, જદ્દનું, હમણાંઃ બીડી જગવેલી, હોઠ વચ્ચે એમની એમ ઠઠી રહી, સટ લીધા વગરની. આંગળીથી અછડતી ઠપકારી, બીડીનું ઠૂલું ખેરવ્યું. ઉપરાઉપરી દમ લીધા, પણ ઓલવાઈ ગયેલી. દીવાસળીથી ફરી સળગાવી, એકાદ-બે ફૂંક લઈ આંગળીથી અંગૂઠાને હડસેલો આપી, બહાર ફેંકી દીધી.

શેરીને નાકે આવેલી દુકાનને બે બાજુ બારણાં હતાં. એક ઘરના આંગણામાં પડતું, બીજું બજારમાં. છોકરા મેઇન બજારની દુકાને બેસતા. નટુ મેરાઈની નામનાનો લાભ છોકરાઓને મળેલો. જૂના ઘરાક તો, વેતરવાનું નટુ અદા જ કરે, એવો આગ્રહ રાખતા. મેરાઈ પણ એ બાબતે પૂરી ચીવટ રાખતા; પરિણામે જૂના ઘરાક બીજે નો’તા વળ્યા ને એ જ કારણે છોકરાઓનેયે મોડે લગી બજારની દુકાને ખોટીપો થતો.

નિરવતિમાં નવરા બેઠા બેઠા ટૅમ નૉ જાય ને નાનુંમોટું, ખાસ તો આણાં-પરિયાણાંના, એમાંય બલાઉઝ-ચણિયાના પૅશલ આપણે, તે ઘરઘરાઉ કામ એન મળી રે’. વળી બાયુંને આપણો હાથ ફાવી ગ્યેલો તે…’

કાન્ત્યો મિસ્ત્રી બેઠકનો માણસ. કે’તો, ‘નટુ અદાના હાથમાં જ જાદુ, તે થાય જ ને રાજી, બાયું, અદો બલાઉઝની કટોરિયું એવી બનાવે કે દોરવાય ફેર નો પડે. ગામ અમથું થાનોલાના કારીગર કે’તું હશે?’

ઘેલસફ્ફીના, ઘર્યે વોવ આવી. હવે તો કાંક સુધર્ય, દીધ્યે જ જા છ તે, નાનડિયો!’ પ્રારંભે એમ, વાક્યને છેવાડે પણ ગાળનાં એક પછી એક ટીપાં ઝવે, હોઠથી. એમાંય શેત્રુંજીમાં ગાગડિયો ભળે એવો જિતુ માસ્તર હાજરાહજૂર હોય. બોલશે, મિસ્ત્રી, હાચી વાતું મેરાયથી નંઈ જિરવાય. બીજું સીવવામાં એને રસ જ ક્યાં છે? મેં ઝબ્ભા ને પૅન્ટ બે મઈનાથી આપ્યાં છે. રોજ આપણે એની સામે ખોડાયા હોંઈ ‘ખમી જાને, અમથૉ અથર્યો થા છ, અઘરણી આવવાની છે તારે?’ કાં તો કે’શેઃ ‘ક્યાં ઉઘાડો ફરછ તૅ નાડાં તોડાવ છ’ આમ દિ’ ઠેકાડી દ્યે. સીવ્યે રાખો તમતમારે…’

કબ્જાએ કબજો જમાવ્યો છને કાંય!ઃ કાંત્યો ઉમેરશે.

ઝાઝું નહીં તો છેલ્લે ‘નવરીના તિમાં…’ એટલું અચૂક બોલે, પછી પેલા બેઉને રોકટોક વગર ચલાવવા દે. પોતે મોઢામાં મગ ભરીને સંચે વળગેલા રહે, ધીમું-ધીમું મલકતા.

પણ આજની વાત જુદી હતી. કાન્ત્યા અને જિતવા માસ્તરની મજાક ભણી એનું ધ્યાન જ નો’તું. ત્રણ અડાળી નૅ ચાની નાનકડી કીટલી વહુ મૂકી ગઈ, એય થોડી વાર એમની એમ પડી રહી. મિસ્ત્રીએ જ અડાલીમાં ચા કાઢી, કહે ‘કેમ આજ કોનાં ઓસાણ નડ્યાં?’

માસ્તરે મરમથી મિસ્ત્રી તરફ આંખ માંડી.

‘માસ્તર, મસગરી મેક્ય. સાચું માનીશ, ચા પીવાનીય વ્રત્તિ નથી થાતી.’ મેરાઈના શરીરમાં એક લખલખું પસાર થઈ ગયું, તે આ બેઉએ નોંધ્યું. માસ્તરે કાંડું પકડી કહ્યું, ‘સુવાણ્ય તો છે ને? મૂકો હવે. ઓછી તોડામણ વેઠી છે? આમ તો કાંય કરાગ દેખાતો નથી! ઊલટાનું ટાઢું બોળ…’

‘નથી, એવી કોય વાત નથી. અટાણ પેલા સંચા ઉપર ક્યાં મોટરું હતી?’ ટાંટિયા તોડાવીને જ રોડવવું પડતું ને? આ સંધું તો હમણે આવ્યું. રાત-દિ’ મગસમારી કરી છ. ઓછી કરી છ? એવી કોય વાત નથી, મેં કીધું ને?’

આટલું બોલ્યા મેરાઈ. મિસ્ત્રી અને માસ્તરને એ ગમ્યું. વાતનો તાંતણો જડશે કદાચ, હવે.

‘તો? કો ન કો, કાંક ડખો છે.’ મિસ્ત્રી પાછળ માસ્તરે સૂર પુરાવ્યો, ‘ભાભી અમારાં વઢકણાં રે ઋષિરાયજી રે?’

કોઈ આડે દિવસે માસ્તરનાં વેણ કાને પડ્યાં ન પડ્યાં ને ફટકાર્યું હોત ‘ઋષિરાયના દીકરા, તમારી ડોસિયુંના ડખાથી બચવા, સોળને ભાવે તમારે આંયથી ન્યાં ટલ્લા દેવા પડે છ…’ પણ આજની વાત જ અલગ હતી. મેરાઈએ કોઈ જવાબ ન વાળ્યો આજે. ક્યાંય લગી ઝત સામે તાકી રહ્યા. કોઈ મજાક એમને ગુસ્સે ન કરી શકી.

અંધારાની પીંછી પોતાના હાથમાં ઝાલીને સાંજ, આછા અજવાસને ભૂખરા રંગે રંગવા લાગી. દુકાનમાં ત્રણે જણા ઓછાયાની જેમ સ્તબ્ધ બેસી રહ્યા. અડખે-પડખેનાં ઘરોની છત, ફળિયાં ને જાળિયાંમાંથી ચળાઈને આવતા ધીમા – મંદ અવાજ સિવાય આખ્ખું વાતાવરણ શાંત થઈ ગયેલું. ઓછામાં પૂરું વીજળીયે ગુલ થઈ ગયેલી.

મેરાઈને થયું, ગોમતી જ નંઈ, સાંજ સોતે હીંબકે ચડી છે ને ઈ હીંબકાએ એને પોતાનેય ઘેરી લીધો છે ને પોતે એમાંથી છૂટવા ઝાંવાં મારી રહ્યો છે. પેટવતી-ઓલવાતી બીડીએ પણ અત્યારે એના ઘૂમરીએ ચડેલા માંહ્યલાને કોઈ વાતે ધરપત ન બંધાવી. શેરીમાં પડતાં બારણાંની આડશમાંથી એક ખસુડિયા કૂતરાએ એકાએક — અણધાર્યો રુદનનો સ્વર વહેતો કર્યો. સાંભળીને નટુ મેરાઈ ઝબકીને ઉભડક થઈ ઊઢ્યા, પોતાની બેઠક પરથી.

‘કેમ મેરાય, આ જ… કૂતરું આમ પેલવારકું રોતું સાંભળ્યું, તે…’ કાન્તિએ ચુપકીદી તોડી.

‘વા વાયો ને નળિયું ખસ્યું, તે દેખીને…’ માસ્તરના કવિતા-શોખને કાન્ત્યા મિસ્ત્રીએ ખીલાની જેમ એના ગળામાં જ ધરબી દીધો, ‘જિતા, મેક્ય પૂળો તારી કવિતામાં. મસગરી મસગરીને ઠેકાણે સારી લાગે… શું છે નટુભાય?’ મિસ્ત્રીએ ગંભીરતા પારખી લીધી, એણે મેરાઈની આંખમાં આંખ પરોવી પૂછ્યું.

‘સામેવાળી ગોમતી… તે…’ મેરાઈએ નાકા ઉપર આવેલી ખડકી ભણી નજર માંડી. ગુલ થયેલી વીજળી હજી આવી નહોતી. આ બેઉની આંખો પણ ગોમતીની ખડકીએ જઈને ઊભી રહી. હમણાં બારણું ઊઘડશે ને ગોમતીનું અભરેભર્યું રૂપ શેરીને એના અજવાળે ઝળાંહળાં કરી મેલશે.

એવું કશું થયું નહીં. હતાશ આંખો પાછી ફરી, ‘એણે ધણીનો કાંઠલો ઝાલવાને બદલે તમારો ઝાલ્યો કે શું?’ જિતુ માસ્તર ગોમતીના સ્વભાવથી પૂરેપૂરા પરિચિત થઈ ચૂક્યા હતા. એના આસિસ્ટન્ટ ભોજરાજગિરિ શંભુગિરિએ પોતાનાં અપલખણ ઝળકાવેલાં, ગોમતી હાર્યે. દેવ-દેરાં મેલીને હનમાને હડીકાં લ્યે તો બીજું શું થાય? ભરબજારમાં ઢીબી નાખેલો ને ઉમેરણમાં ગામ આખ્ખું સાંભળે એમ ગાળોની ઝડી વરસાવેલી. બાવો એક હરફ ઉચ્ચાર્યા વિના ઘરભેગીનો થૈ ગ્યેલો. ઈ તો સારું હતું, ત્યારે રાત પડી ગયેલી ને રડ્યાખડ્યા છોકરાવ સિવાય ઝાઝી અવરજવર નો’તી. પણ બીજે દિ’ ટાબરિયાંવે નિશાળની ભીંતે ભીંતે માસ્તરના નામનું ચિતરામણ કરેલું ને આખરે ચૂનાનું ડબલું ને કૂચડો લઈને પોતે જ નીકળવું પડેલું… એક વાર નિશાળના કામે એને દાડીએ બોલાવેલી. રજા પડી ગયેલી. સ્ટાફ પણ નહોતો. પોતાને થયેલુંઃ મોકો મળ્યે છે ને કાંય? મેનતાણું ચૂકવવા ને પાવતી પર અંગૂઠો લેવા ગોમતીને એણે ઑફિસમાં બોલાવેલીઃ આંયા માર્ય અંગૂઠો…ઃ કહીને એનું કાંડું પકડેલું ને ઓલીએ વીંછીએ ડંખ દીધો હોય એમ હાથ વછોડાવી લીધેલોઃ મને હંધીય ખબર્ય પડે છ, સાબ્ય. લખણના પૂરા હોય એનું કાંડું આમળતાંય આવડે છે ને દસકત કરતાંયે. ધગારા મારતી એની આંખ્યું! એની ઝાળથી પોતે દાઝેલોય. એણે ટેબલ પર પડેલી બૉલપેન ઉઠાવી, ફાટફટ સહી કરેલી ને કશી લમણાઝીંક કર્યા વગર સામે મૂકેલા દાડીના પૈસા ગણ્યા વગર બ્લાઉઝમાં સેરવી દીધેલા ને વટથી, પોતાના ધરબાઈ ગયેલા મોઢા પર બૉલપેનનો ઘા કરી, ઑફિસનો દરવાજો ભટકાડી, ડમરીની જેમ નીકળી ગયેલી.

એનું આ દૃશ્ય જિતુ માસ્તરની આંખ સામે વારંવાર ભજવાતું રહેલું, રાતદિવસ. મેરાઈની દુકાને મનના આ લબાચાને ઠાલવ્યો ત્યારે જ હળવાશ અનુભવેલી: મારી મા ભવાની ભેરે નો ચડ્યાં હોત તો ભોજુ બાવાની જેમ આપણેય પોંખાત!

‘ઠેકડી ઉડાવવા નથી કે’તો મેરાય. ભોજુ માસ્તર જેવી વલે ઈ ગમે તેની કરી હકે એમ છે… એટલે તમારે તો નથી થૈને, કાંય માથાકૂટ?’ ગોમતી માટેનો ડર કંઈક અંશે હવે રોષમાં ફેરવાઈ રહ્યો’તો, જિતુ માસ્તરના સવાલમાં, ‘નકર ગામ આખ્ખું જાણે છ, ‘રુદ્રા કન્સ્ટ્રક્શન’ના કંટ્રાટી પાંકુ જોશી ને ગોમતીના લફરાને. રખાત, પાછી સતીનો વેશ કાઢીને નીકળે!’

માસ્તરનો આ અજંંપો મેરાઈ અને મિસ્ત્રી, બેમાંથી કોઈથી અજાણ નહોતો. મિસ્ત્રીએ નટુ મેરાઈ સામે આંખ ઝીણી કરી, મોં મલકાવી લીધું. માસ્તરે એની ધૂનમાં ચલાવ્યે રાખ્યું, ‘જોજ્યો, એની હડફેટે ચડવા જેવું નંઈ. એને ઘાઘરે ક્યાં તાળાં છે, જોતજોતામાં એવા પાયના કરી મેકે કે બજારમાં ઊભા રાખો તો તમારા દાળિયાય નો આવે…’ ઉમેર્યું, ‘પાછી, તમારે તો મેરાય, બારે ને ચારે આંખ્યું સામે જ… જોતાંવેંત મોળો જીવ થાય, તે…’

‘માસ્તર, જોયા કારવ્યા વિના શું હાંકેય રાખ છ?’ મેરાઈને વાત કરવાનો તાંતણો જડી ગયો, જાણે. સંચાની સોયમાં દોરો પરોવતા હોય તેટલી જ ત્વરાથી બોલી ગયા, ‘સાંભળી લે, તું ઈ હું નથી ને હું ઈ તું નથી, ભવાનીને ભેરે તો એણે તેડાવ્વાં પડે, જેનાં તનમનમાં નર્યો મેલ ભર્યો હોય. આટલાં વરહથી મારી સામે છે. કાને પડ્યું કાંય આડાઅવળું મારું કે મારા છોકરાવનું? તું માન્ય કે નો માન્ય, પણ ઈયે સાંભળી લે, મેં એના જેવું સત બીજે ક્યાંય જોયું નથી. તમારે કે ગામને જી કેવું હોય ઈ કો.’

‘સત?’ માસ્તર ઊકળ્યો, ‘શું સત? પાંકુ જોશી…’

‘પાંકુ જોશીની મા આણ્ય મા.’ મેરાઈના હોઠ હવે ઊઘડી ચૂક્યા હતા. એણે ધીરજ ગુમાવી. સંચાના પાટિયા પર જોરથી મુક્કી મારી, બરાડ્યા, ‘હું તને પૂછું, ઉપરવાળાની આપણી કટંબ પર મેર નો હોત તો? હું કે તું એક સળીના બે કટકાય નો કરતા હોત તો? શું કરત આપણી બાયું? પારકા ઉંબરે ઠેબાં ખાયખાયને વાસણકુસણ કરત કે નંઈ?’

‘ઈ તો ગામનું ધાવણું છોકરુંય જામે છ, મેરાય. એનો ધણી કમલો, મન પડે તો દાડીદપાડી કરે. મજૂરી જે કાંય સૂઝી હોય તે આ લીધી કોથળી, આ ગાળામાં ઠાલવી ને રાતભર લંબાવી દીધું રૅકડીમાં.’ મિસ્ત્રીએ જૂડીમાંથી બીડી ખેંચીને મેરાઈને અંબાવી. દીવાસળીથી બીડી સળગાવતાં કહે, ‘ને એમાંય ભાગ્ય જોગે કાંક બચ્યુંકૂચ્યું હોય તો તીન પત્તી કે આંકડામાં. પછી? પછી ધબોય નમાઃ ઘરે આવ્વાનો સોં તો યોં નો હોય…’

‘સોં-ની ક્યાં માંડ છ? ઓલી વાઘણ વછૂટે, ઘરે આવે તો. તમને એની માલીપા પડેલી તાગાતનું માપ નથી.’ મેરાઈ જાણે કશીક ધૂનમાં બોલતા હતા, ‘નશામાં પાછું એટલું ભાન તો બળ્યું હોય કે ખડકીમાં પગ મેલવામાં માલ નથી, કાળક્યા કાચેકાચો કોળિયો કરી જાહે…’

‘એમાં ના નંઈ. બાઈ રમરમાવીને એક ઘુંસ્તો મારે તો માથું પેટની બખોલમાં ગરી જાય, સંચોડું છે ભલેને એકવડા બાંધાની!’ આમ બોલતી વખતેય માસ્તરને નિશાળવાળું દૃશ્ય આંખ સામે તરવરી ગયું હશે.

‘માથું પેટની બખોલમાં ગરી જ જાત, માસ્તર. એટલું જ નંઈ, જીવ સોતે તાળવું તોડીને… મેં આંયથી દોટ નો મેકી હોત ને…! આજ રોંઢાની જ વાત. અટાણની ઘડીએય પંડ્યની થથરાટી મોળી નથી પડી.’ આટલું બોલતાંય મેરાઈને શેત્રુંજો ચડ્યાનો થાક વરતાતો’તો.

‘શું થ્યેલું પાછું? બેય વચાળ આવી તો હંદરોજ ઢુંહાની પરાણ્ય, એની ક્યાં નવાઈ છે હવે?’ મિસ્ત્રીએ વાતને ઝાઝું વજન ન આપ્યું, ‘આજ કાંતોકને કમલે છૂટો ઘા ઝીંક્યો હશે, કાં ગોમતીએ…’

‘…ઈ રામમાં ક્યાં એવાં રતન ઠઠ્યાં છે તે.’ માસ્તરને ખાતરીની જરૂર જ નહોતી, હતી જ. કહે, ‘ઈ રણચંડી એક ધુંબે જ એનાં સંધાં સ્પેરપાર્ટ વીંખી નાખે!’

‘એવું જ થાત.’ મેરાઈ કોઈ ઘેરામાંથી બહાર નીકળવા ફાંફાં મારતા હોય એમ બબડ્યા: ‘એમ જ થાત. હું એન ટાયમેં નો પોગ્યો હોત ને…’

બંને જણ કુતૂહલવશ ઝાંખા અજવાસમાં મેરાઈ સામે તાકી રહ્યા. મેરાઈને પણ જાણે એનો ખયાલ આવી ગયો.

વહુ સંચાના પાટિયા પર ગ્યાસતેલનું ટમટમિયું મૂકી ગઈ.

હમણાં, રોંઢા મોર્યની જ વાત. હું આંય — તું બેઠો છ ઈ ખાટલી પર — બપોરા કરીને આડે પડખે થ્યેલો. દીકરીનો સરતાનપરથી કાગળ આવ્યો’તો, તે વાંચતો’તો. બચારીએ એનાં ઘરનાંવથી છાનેછાને લખેલો. ઈ જ વાતું. સાસુ-નણંદનાં કાળાં કહાલાં. જમાય ઘર્યે જ પડ્યો-પાથર્યો રે’. જુવાનજોધ ને લોંઠકો આદમી, ભોંમાં પાટું મારીને પચ્ચી-પચ્ચાનું રોજ નો પાડી હકે? સૂઝકો જ નંઈ… એદી… મોત એમાં દીકરાનાં. પિ’ર ભણી પરિયાણ કરે તો બાપની આબરૂના ધજાગરા થાહે — એવી બીક, ને ન્યાં ઠરવાનાં ઠેકાણાં નંઈ. ઠરે તો આખરે મહાણની અગ્નિથી ઠરે… એમાં નીંદર તો ક્યાંથી આવે? કાગાનીંદરમાં હઈશ ને ત્યાં જ સામેના ઘરે, ખરે બપોરે રડારોળ ને બોકાહા. હું તો ઝબ્બશારાનો ખાટલીમાં બેઠો થૈ ગ્યો. સપેલપેલા તો એવું જ થ્યું કે દીકરીના કાગળને લીધે, ઊંઘમાં ને ઊંઘમાં મને સોણું આવી ગ્યું છ. પણ ના, દીકરીના નંઈ, આ રાડ્યું ને રોણાં તો ગોમતીનાં. મેં કાંય જોયા-કારવ્યા વિન્યા એની ઉઘાડી ખડકી દીમના દોટ મેકી… શેરીમાં રકાબી-પ્યાલા-બંગડી-બકલને તેલ-અંતર-પાઉડરના ડબા-સાંધાનો કડૂહલો. નવાંનક્કોર સાડી-ચણિયા-બૉડિસના લીરેલીરા. મેં છેટેથી જ ડારો કર્યો, ‘કમા, આ શું માંડ્યું છ ખરા તત્તડિયાનું? અડખેપડખે તમારી, ભૂંડડાં-કૂતર્યો રે’ છ? આડોશી-પાડોશીનો વિચાર જ નંઈ કરવાનો?’ ઓશરી ઓળંગીને ઓવડામાં ગ્યો તો હું તો હેબત જ ખાય ગ્યો. ઓલ્યા મા-સમાણી ગાળ્યુંની ત્રમઝીંક બોલાવતો’તો, રાંડ, બજારમાં… ભાંગીને ભુક્કો કર્યે જ આજ તો છૂટક્યો…ઃ બે દિ’ મોર્ય આણેલા ટી.વી.ને હાથમાં ઘાલીને કમલો ઊંચકાવવા મથતો’તો. ગોમતીએ એને મોઢે નખોરિયાં ભરાવીને ઉઝરડા કરી નાખેલા. ગળે ને નાકે લોઈના ટશિયા ફૂટેલા. એણે ઓલ્યાની છાતી ફરતો બૅય હાથે ભરડો લઈ લીધેલો. ‘ઉંબર તો વટાડી જો, ટી.વી. સૉતો! કાચેકાચો ખાય નો જાવ તો મારા બાપમાં ફેર પડ્યો’તો માનજ્યે… તું કમાવા ગ્યેલો કાં, તે ક્યારુનો મંડ્યો છ સંઘું ઘરબારું ફેંકવા?’

મેં કમલાને ઝંટિયે ઝાલ્યોઃ નથી હારાં લાગતાં. ભૂંડાં…ઃ બાય માણસને તો હડસેલો મરાતો નથી? ગોમીનેય કીધુંઃ હાવ જાત્ય પર જૈને ઊભાં’ર્યો મા. આવી ગાળ્યુંથી મોઢાં ગંધાય છે તમારાંઃ કલાનેય લીધોઃ તમારાં છોકરાં બિચારાં, કોકની બારીયુંના સળિયા ઝાલીને ટિંગાતાં, ને ટી.વી.ને ટગરટગર તાકતાં, આ ઘર્યે માંડમાંડ રાચ થ્યું છ તે એને ટાળવા બેઠો છે? શું લેવા નિહાકા લે છ આ ગરીબડાંવના?ઃ

કમલો ઊકળ્યોઃ રાચ કેમ ને ક્યાંથું આવ્યું છ, ઈ તો પૂછો આ રંભાને? તમે કે’શો નટુદા’, એનો ધણી કોણ છે? — હું કે મલકનો ઉતાર ઓલ્યો પાંકુડો જોશી? કોના પડખામાં ગરીને આ હંધું લૈ આવે છ?: એણે ટી.વી. છોડી દીધું ને હાંફતો હાંફતો હેઠો બેહી ગ્યો.

ગોમતી પાછી વીફરી, ‘તારી તે જાતના… નટુદા’, લાજશરમ નેવે મેલીને કૌં છૌં. તમે મારા બાપને ઠેકાણે છવો. આ નમાલીનાને એટલું તો પૂછો, કમાયને કે’દિ’, એણે બાયડી-છોકરાંવની આંતવડી ઠારી? મેં પરમ દિ’, વનાભાયની દુકાનેથી બાજરો લાવવા પચા’ની નૉટ આપેલી… ગ્યૉ ઈ ગ્યૉ. એની ઠાંઠડી નીકળે… ભૂખે ભઅડો લીધો તે અટાણે ઠેઠ આવ્યો એનું ઠોબરું લૈને… પરમ દિ’ રાત્ય, કાલ્યનો આખ્ખો દિ’, મેં પૂછ્યું, તું ગુડાણો’તો ક્યાં? બાજરો નો લાવ્યો તો લાવ્ય પચા’ની નૉટ પાછી… બસ, એનો દુખાવો ઊપડ્યો, મોટા જાટલીમેટને. જે બાપ એનાં છોકરાંનાં મોઢેથી કોળિયો આંચકીને, ગળામાં કોથળી ઉલેચવા નૉટ વાપરી નાખે. ઈ કપાતર મારો ધણી?… માવતરે હાથ ઝાલીને કૈ દીધું કે આ તારો ધણી, તે ધણી થૈ ગ્યો?’

કોને વારું? આપણું જોર કોની પાંહે હાલે? ઓલ્યાએ ઊભા થૈ ફરી પાછો આનો ચોટલો ખેંચ્યો ને ભૂંડાબોલી ગાળ્ય રમકાવી… ‘છોકરાં તારાં, મારાં કે’તી નંઈ. તારો ધણી તો ઓલ્યો…’

‘બોલ્ય તો ફરી દાણ…’ નાગણીએ ટચકાવવા જાણે દોટ દીધી. મને થ્યું, આજ નક્કી કાંક નવાજૂની થૈ રેહે. કમલા આડો હું વંડી થૈને ઊભો રૈ ગ્યો. કીધું મેં. ‘ગોમી, બેટા, શું ધારી છ તેં?’ એ એકાદ ઘડી ખંચકાયને ઊભી રૈ ગૈ. પણ ઓલ્યું ભંઠિયું મૂંગું મરે? બોલ્યું, ‘અદા, તમે આઘા ’ર્યો. આજ કાં તો ઈ નંઈ, કાં હું નૈં… ગુણક્યા પાછી, સતી સીતા થાવા નીકળી છે.’ દૂબળું ભૂત લથડિયાં ખાતું ઊઠ્યું, ‘તું શું કરી લેવાની મને, હેં?’ પાંડુકાના… એની સાઇટને છાપરે, મને કે’, રાંધણું કરવા બોલાવે છે. તડકો વેઠવો નૈં ને શીળે છાંયે દા’ડી કરતાંય વધૂકું હૂઝી રે’… હંઅ, હમજું છ બધું… શીળે છાંયે પાંકુડાના પડખામાં ઘલાયને તનકારા કરવાના…’ કમલો હજી પૂરું વેણ કરે નો કરે, ન્યાં નંદીમાં, ચોમાહે અણધાર્યો ઘળકો આવે એમ મને ઓવાળે હડસેલતીકને કમલા પર તૂટી પડી. ઝાલ્યાં એનાં ઝંટિયાં. બોલી, ‘કંઈ જગુનો અદાની વાંહે લપાઈને દીધ્યે રાખ છ, મન ફાવે તેમ, આજ તો પૂરો કરીને જ મેકીશ. આપદા જાય હંદરોજ્યની…’ કે’તાંકને વળગી સીધી ઓલ્યાની ગળચીએ, ને ઈયે ખિલખોડાની ઘોડ્યે તરફડે છૂટવા… આંખ્યુંમાં રાતા દોરા ફૂટ્યા, મોઢામાં ફોહા, મંડ્યાં નસકોરાં ફૂલવા… મારી માએ, રામ જાણે ક્યાંલી તાગાત મેલી મારામાં, ઊડીને એક જ ઠેકડે મેં એનું બાવડું ઝાલી લીધું, મરડ્યું ને વછોડાવ્યું… ફરી દાણ એનો ધક્કો લાગ્યો ને મોંભરિયા પછડાણો… પાછો ઊઠ્યો ને બેય જણાં વચાળ ખોડાયને ઊભો રૈ ગ્યો. મેં એને હાથ જોડ્યા. ‘ગોમી, મારી દીકરી, ખમૈયા કર્ય હવે. તું તારા આ અદાને બાપને ઠેકાણે ગણતી હો તો તારો આ બાપ, બે હાથ જોડીને ભીખ માગે છે…’ ખોટું નૈં કૌં. મારી બેય આંખ્યું છલકાય ગૈ’તી, તયેં.

મારાં આ વેણ એને વાગી ગ્યાં કે ગમે ઈ થ્યું. કમાડને વળગીને ઊભી રૈ ગૈ, ને ધ્રુસકે ચડી, ‘અદા, તમે બાપ થૈને આડા નો આવ્યા હોતને…’ ઈ કમલા ઉપર થૂંકી, ‘હેઠ, તાણી કાઢલ્યના! નીકળ્ય ઘર બારો, બતાવતો નંઈ તારું ઠોશર્યું…’ એણે પાટું ઉગામ્યું, પણ માર્યું નંઈઃ મરેલાને શું મારવો હવે! જા, ઢીંચ્યા કર્ય ને ભર્યે રાખ્ય આંકડા!: મેં કમલાને ઊભો કરી, ઇશારાથી ખડકી બતાડી.

મનેય ખબર્ય નથી, કેમ, ગામની હારોહાર ધાવસુર લેનારો હુંય… મને એણે ગામ આખ્ખાથી નોખો તારવી લીધો. ઈ હીબકાં ભરતી ઉંબરામાં જ બેહી ગ્યેલી. મેં એને માથે હેતથી હાથ ફેરવ્યો, ‘છાની રે’ દીકરા…’ મારું ગળુંય ભરાય ગ્યું’તું. ડળક ડળક ચૂવા થ્યા મારી આંખ્યુંમાંથી…

મિસ્ત્રી અને માસ્તરે જોયું, મેરાઈની આંખો અત્યારેય ચૂતી હતી. ગળામાં ભરાયેલા ડૂમાને ખોંખારી બહાર કાઢી બોલ્યાઃ મારા આવા બોલે તો એને વધુ હીબકે ચડાવી. મેં કીધુંઃ કમલો જ શું લેવા, મલકનેય જી કે’વું હોય ઈ મર કે’. પણ બટા, આટલી સેંથકની રીંહ? હમણાં, હું નો હોત તો, તારે હાથે કેવો અનરથ થૈ જાત, જાણે છ તું? આ પુંખડાંવનીયે દયા નો આવી તને? જલમટીપમાં પડવું’તું તારે? તારો બાપ જલમટીપમાં ગ્યો’તો તે શી વલે થૈ’તી તમારાં ભાંડરુની, નથી ખબર્ય તને?

‘જલમટીપ?’ મને બોલતો રોકીને બોલી, ‘જલમટીપને? અદા, આનાથી મોટી જલમટીપ તમે ક્યાં ભાળી છ બીજે, કો’ મને! મારાં પુંખડાંને મોઢે ટંકેટંકે બે કોળિયા મેક્યા હોત ને પછી મારું ચામડું ઉતવડી નાખ્યું હોત ને, તો હું એકે ગોબરું વેણ નો કાઢત. અરે, દવા દૈ દીધી હોત ઈયે ગટગટાવી, સોડ્ય તાણીને લાંબો મારગ પકડી લેત… તમે જ કો’, હું શું કરું?’

એનું રોણું અટકા’વાનું ને ભડભડ બળતા એના રુદિયાને ચંદણલેપથી ઠારવાનું મારામાં ક્યાં ગજું હતું? હું શું કઉં એને? એની ખડકીથી મારી દુકાનને ઓટલે પોગતાં મને થ્યું કે ગાઉ-ગાઉનો થાકોડો મારી પિંડિયુંમાં ઠાંસીને નો લાવ્યો હોઉં?… બસ, તયુંનું સાસરવાણી મારી દીકરીનું ઓશિયાળું મોઢું આંખ્યુંથી એક ઘડીયે આઘું નથી ખસતું, સાચું માનશો?’

કાન્તિ મિસ્ત્રી અને જિતુ માસ્તર કશું બોલ્યા વગર, મૂંગામૂંગા બેસી રહ્યા.

એક ઝબકારે ગુલ થયેલી વીજળીનો પ્રવાહ ફરી શરૂ થયો ને દુકાનમાં અજવાળું ફેલાઈ ગયું.