ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રામ મોરી/બળતરા
રામ મોરી
‘પછી તો બહેન મેય જશીની હાહુને કઈ દીધું કે બહેન મારી પો’રની વાત પોર પણ ઓણસાલ મોંઘવારી કેટલી વધી ગઈ છે એટલે હું તો સેવ પાડવાના એક ઓશીકા દીઠ પાંચ રૂપિયા વધુ લઈશ. તો મને ક્ય ના કાળીબહેન અમને તો પોહાણ નથી થાતું… તો મેં કીધું રામેરામ, બાકી, ગામ આખાને ખબર છે જ કે એ રબારણ કેટલી ટૂંકા જીવની છે, જશી તો શોખીન છે પેરવા ઓઢવામાં, પણ જે ઘરમાં ગૈ છે ન્યાંય કાંક હાહ તો હોવો જોવે ને..’ કાળીકાકી લોટના પિંડાને શેવ પાડવાના મશીનના ગોળ ખાનામાં મૂકી ઉપર હેન્ડલ ફેરવતાં અને આંટા ઊતરતા જાય ને લોટનો પિંડો દબાતો જાય ને મશીન નીચે ક્વર વન્યાના ઓશીકા પર સેવની પતલી ઘઉંના કલરની ભાત પડતી જાય, એકહારે બાર-બાર પતલી સેવનાં લૂમખાં ઓશીકા માથે, કાળીકાકી ઓશીકું આગળ-પાછળ હલાવતાં મસ્ત ભાત પાડી દે ને પછી ઓશીકું ભરાઈ જાય એટલે મને કે,
લાય સોડી બીજું ઓશીકું, ને લે આ ખાટલામાં સૂકવીયાય..’ આખા ફળિયામાં ત્રણ-ચાર ખાટલા ભરીને અમે વરસોવરસ સેવ કરતા.
‘હાચી વાત છે કાળીબહેન, પેટ કાંઈ આંખની શરમ થોડી ભરે? ઈને તો ટંકે ટંક રોટલો હાચો… આ કાળી મોંઘવારી કોઈને પોગવા દે એમ છે? તે સારું જ કર્યું ભાવ વધારી દીધો.’ બા લોટના પિંડાને કથરોટમાં મસળતી ખૂંદતી કાળીકાકીને જવાબ દેતી.
‘એય સોડી, આ આંગળીએ પાટો શેનો બાંધ્યો છે?’ કાળીકાકી મારા જમણા હાથની પેલ્લી બે આંગળીયું પર પાટો જોઈને બોલ્યાં.
રોટલા શીખવાડું સવ. મેં કીધું હવે નાની નથી રયું. આ ઓણસાલ ગામની નિહાળે તો ભણતર પૂરું થાહે. હાંઢિયાને ઊભા ગળે મીઠું દે એવડી થાવા માંડ્યું સવો તે રોટલા શીખો. તે રોટલો ઉથલાવવા ગઈ ને ઊનો ઊનો લોટ આંગળીએ ચોંટી ગ્યો તે દાઝી ગઈ જરાક. તે મલમ લગાડી પાટો બાંધી દીધો.’ બા માથું હલાવતી પરસેવો લૂછતી કાળીકાકીને જવાબ દેતી હતી.
અમારે ગામ આખામાં ઉનાળે બધા સેવ પાડે અને કાળીકાકી માથે ઇંઢોણી મૂકીને મશીન ઉપાડી ફળિયે ફળિયે સેવ પાડવા આવે. મોળાકત પૂરા કરી અને રમવા જાવી ત્યારે અમે ઘેરથી બધું ઈસ્ટીલના ડબ્બામાં બાફેલી સેવ અને મોરસ નાસ્તો કરવા લાવતી. મેરાદ્દા ભરવાડની કશલીના ઘરે નઈ નવાયનું કલર ટી.વી. આવ્યું એટલે એ વાતે વાતે એડબટાઈ હંભારી સંભારીને બોલે; તે એક દી’ ભમરાળી મસ્ત ગોતી લાવી, અમી બધું પાદર નાસ્તો કરી સેવ ખાતી હત્યું તો એ નખરાળી સેવનો ગૂંચળો મોઢામાં નાખી અડધો બાર રાખી માથું હલાવતી કે ‘આ આપડા ગામની દેશી મેગી!’ ને અમી બધું દાંત બક્યું પડી ગ્યું ગ્યું. ઓશીકું ખાટલે જઈ ઊંધું વાળ્યું અને વાણ પર સેવ સૂકવી ત્યાં અમાર પાડોશી હંસામાં વાટકી લઈને આવ્યાં.
એ મને થોડું ગાયનું દૂધ દે તેજુ. આ ઉકળાટનું ટાંકામાં ઢાંકી રાખેલું દૂધ બગડી ગયું છે. હમણા ભાણિયો જાગશે ને રાડારોળ કરશે એને પાવું તો પડશે ને.’
‘હરસુડી, જા ફ્રીઝમાંથી હંસામાને દૂધ દે બા બોલી. ને મેં ઓશીકું બા પાસે મૂક્યું પછી વાટકી લઈને દૂધ લેવા ગઈ. – ‘અમારે ઘરે ફ્રીઝમાં દૂધ મૂકી જાતા હો તો હંસામા, બગડે તો નહીં!’ એટલું બોલી મેં બા સામે જોયું.
ના હવે, એટલું કાંઈ હોતુંય નથી, આ તો બહેનનો ખાટલો આવ્યો એટલે દૂધ વધારે લાવું છું નકર તો ખાઈને ખાધાનું કરું, પણ ભાણિયો તો બાપા… જીવ ખાઈ જાય. રાતે રોયા જ કરે છે.’
કેમ? માંદો પડ્યો છે? નજ૨ નોતી ઉતારી?’ કાળીકાકી બોલ્યાં હતાં. હાથમાં વાટકી પકડતાં હંસામા ઝીણા અવાજે બોલ્યાં.
આ ભમરાળા રબારી છે નહીં, અમારા પાડોશી! એક દીવાલ છે તે બાપા હેરાન થઈ ગ્યા. કાયમ રાડારોળ ને રોકકળ ને મારામારી. જશી તો ઈ ઘરમાં પૈણીને આવી તે દી’ની સુખી નથી થઈ.’
મારી બા લોટ બાંધતી બંધ થઈ. ‘બહેન, કોક તો કે’તુંતું કે છૂટું કરવાનું છે!’ આ ‘ના રે…તો તો તમી જશીને હજી ઓળખતાં જ નથી, ભીંત ભૂલ્યાં તેજુબહેન, મરીનેય વળગે ઈતો, પણ ઘર તો નો જે મેલે.’ કાળીકાકીએ ભાંગની પીચકારી મારી ને રાતા બજરિયા સાડલાથી મોં લૂંછવું.
પણ બહેન, કાંક બાળબચ્ચું થાવું તો જોવે ને. આ વરહને જાતા ક્યાં વાર લાગે! ઓણ આ વૈશાખે જશી આવી ઇના તૈણ વરહ પૂરાં થાહે.’ હંસામા કેડે હાથ મૂકતાં બોલ્યાં.
બા પોપટી બાંધણીથી હાથ લૂંછતા હંસામા કરતાંય ધીમા અવાજે બોલી.
‘સાતમ આઠમ કેડે ઘૂડખાણે ધૂડ લેવા હું ને હરસુડી ગ્યું ત્યારે એ ત્યાં મળેલી, બોર બોર જેવા આંસુ પાડતા બોલેલી કે તેજુકાકી હું તો બાળોતિયાની બળેલ.. પિયરમાં પોરો નહીં ને સાસરે સુખ નહીં.’
બીશારી…’ કાળી કાકી સાડીના પાલવથી વાહર નાખતાં, પરસેવો લૂંછતા બોલ્યાં.
‘તે હંસામા, ભામનાગર તપાસ કરવા જશી ને વેલજી બેય જણાં ગ્યા’તાં, તો યે કે વેલજીએ એની તપાસ નો કરાવી ને બાઈને સુવડાવી દીધી ડૉક્ટર પાંહે. આદમીનનીય તપાસ તો થાવી જોવે ને… તો તેરે લૂગડા ધોવા ગઈ ત્યારે સાંભળ્યું છે હોં, બાકી હાચું ખોટું રામ જાણે’ મારી બા કેડેથી સાડી ખોલી ને પછી એના છેડા બદલતી પાટલી પાડતા બોલી હતી.
‘પણ બવ દખી થાય છે હોં.. વેલજી તો રોજ ટીપે.’ હંસામા બોલતાં હતાં.
મને તો તી એટલે હું ઘરમાં નૈતિક ના ભૂતકાળને બાપુ તો રાજકાર ‘પણ જશી જીવની તો બવ હારી હોં.. આ હમણાં હમણાં સોડીયું હળ્યું છે તે કાંક ભરતમાં મોતીદાણો ભરચું થઈસ. તે આપણને તો બાપા એવું ક્યાં આવડે.. તે અમાર હરસુડી ધે મારે તો ઓસાડમાં ઇ મોતીદાણો ભરત જ ભરવું છે. તે જશીને ખબર્ય પડી તો મન કે કે તેજુકાકી ચન્યા નો કરો… મન આવડે છે મોતીદાણો ભરત.. તમાર હર્ષાને મેકલી દેજો માર ઘેર.. હું શીખવાડીશ… તે આ રોજ જાય ને પેલી એને મોતીદાણો ભરતા શીખવાડે.. અડધો ઓસાડ તો ભરાય ગયો બોલો…’ બા હાથ લાંબાટૂંકી કરી હંસામાને કેતી હતી.
મને તો આ બધી વોલ્યુંમાં રસ નહોતો પડતો, મોટેભાગે સેવ પણ પૂરી થાવા આવી હતી એટલે હું ઘરમાં ગઈ અને ટી.વી. ચાલુ કરી સિરિયલ જોવા બેઠી. આજ ટી.વી.માં ‘અક્ષરા’ ને નૈતિક’ના ભૂતકાળની ખબર પડવાની હતી. આ ભમરાળી ‘આઇપીએલ’ ચાલુ થઈ તે રિમોટ લઈને બાપુ તો રાતે બેટ દડો જોયા કરે ને મારે મોઢું ફુલાવી ઘડિયાળ સામું જોયા કરવાનું. બહાર તો નીકળાય ય નહીં, નકર મેરાદ્દાની ફળી ક્યાં આઘી છે? કશલી જોતી જ હશે. બીડી પીતા બાપુની બીડીમાંથી તિખારા બાના મોર ને મેના પોપટ ભરેલાં ઓછાડ માથે પડે અને આખા ઓછાડ પર એનાથી વીંધે વીંધા પડી જાય. મારી ટી.વી. વાળ્યું ‘અક્ષરા’, ‘નવા’, ‘સુહાના’ ને ‘ખુશી’ બધું બૅટથી ટિપાઈ જાય, સવારે રિપીટ થાય ત્યારે જ જોવા પામતી. કાલ તો સિરિયલમાં નૈતિકની ગર્લફ્રેન્ડના ખાલી પગ જ બતાવ્યા’તા ને ઍપિસોડ પૂરો થઈ ગ્યોતો.
હજુ તો થોડું જોયું ત્યાં તો દેકારો સંભળાયો, હાંકલા ને પડકારા. હું તો રૂમની બાર્ય નીકળી ને જોયું તો બા, કાળીકાકી અને હંસામા ધોડતાં ડેલાની બહાર. હુંય હાથમાં રિમોટ ને દોરીયે ટીંગાતો દુપ્પટો લઈને શેરીમાં. જોયું તો હબક ખાઈ ગઈ. શેરીમાં સળગતી કોઈ બાઈ ધોડે.. આખેઆખી ભડકે બળતી. આખ્યું ફાટી રહી ગઈ, એક રાડ્ય નીકળી ગઈ મારાથી. પેલી બળતી બાઈ કાળી શીહું નાખતી હતી, ‘એ… નહીં જાઉં… ક્યાંય નય જાવાની… આયાં રેવાની… ઓ માડી… આઈમાં. બળે છે. બળે છે.’ હવામાં આગળ પાછળ બળતો આ ઓળો ઠેકડે ઠેકડા નાખતો હતો. બધાં ધોડીને ગોદડા ને ચાદર ને હેઠે પડેલી ધૂડના ખોબે ખોબા ભરી ભરીને એ ભડભડ બળતા શરીર પર ફેંકવા લાગ્યા. બેત્રણ જણાએ પાણીની ડોલ ઢોળી ને એ બાઈ ઠરી ગઈ. હું ય ધોડતી ન્યાં પોગી ગઈ બા.. આ તો જશીકાકી છે.’ મારાથી રાડ ફાટી ગઈ. બાએ મારું બાવડું પકડ્યું ને હું આખી ધરુજતી હતી. મને બા ડેલા સુધી મૂકવા આવી.
‘ઘરમાં ગર્વ. રાડ્યું પાડ મા, બધાને ખબર જ છે. હું આવું તું જા… પાણી પી.’ બા પણ આખી ધ્રુજતી હતી. મને ખબર નહીં પણ હું ધ્રુસકે ધ્રુસકે રોતી હતી. આંસુ તો રોકાતાં નહોતાં. મને હજુ કંપારી અનુભવાતી હતી. કાળા મશ જશીકાકીમાં કાંઈ હાજુ નહોતું. બા ભડથું બનાવતી ત્યારે ફળિયામાં બધું બળી જાય પછી હું બળતણ સાંઠીયું એકબાજુ કરી થાળીમાં બળેલાં ભડથું થઈ ગયેલાં રીંગણા કાઢતી તો રીંગણાંનોય કાંઈ ઘાટ કળાતો પણ જશીકાકીમા તો… એની મરુન કલરની ઓઢણી બળીને આખા ડીલે ચોંટી ગઈ હતી, કમખાનું ભરત કાળું મેશ અને આખી છાતીએ બળીને વીંટળાઈ ગયું હતું, થેપાડું અડધું બળેલું ને અડધું પગમાં ચોંટેલું. લાંબા કાળા વાળની જગ્યાયે બળેલાં મૂળિયાં, હાથ, પગે અને મોઢા ઉપર ચામડી બળીને સંકોરાઈ ગઈ અને મોઢામાંથી લાળ નીકળતી હતી. એક બલોયું તો તાપમાં તપીને પાણો ફાટે એમ હાથમાંથી ફાટી ગયેલું. પૂરા પાંચ હાથનો કાળોમશ બળેલો ઢગલો. એનાથી માંડ માંડ શ્વાસ લેવાતા હતા. એ બધું અત્યારે ફરી આંખ્યુંની સામે ભડકે બળવા લાગ્યું. હું હેઠે પાણા ઉપર બેસી પડી. મેં તો કોઈ દી આવું જોયેલું નહીં.
શેરીમાં રાફડે કીડિયારું ઉભરાય એમ માણહ ઊભરાવવા લાગ્યું. મેરાદ્દાની કશલી, બીજલકાકાની હેતલી ને શાંતીદાની કોયલી, ભગવાનકાકાની જાગુડી, રતનફોઈની જાગલી બધ્યું મારી ડેલીમાં. ગામમાં અમારે કાંક નવાજૂની જેની શેરીમાં થાય એના ઘરે અમી બધ્યું ભેગી થઈ જાઇએ. અમી બધ્યું અમારા ધાબા માથે ચડી ગ્યું. અમારા ધાબેથી તો ગામ આખું દેખાય. જશીકાકીના ઘરમાં અત્યારે માણહ માતું નો’તું. ધોળાં ચોરણા કેડિયાં અને રાતી કાળી ઓઢણી. કામ કરવાવાળા કરતાં શીંધવાવાળા વધારે હતા. તળશીદ્દાનો ટેમ્પો આયવો એમાં ગાદલું પાથર્યું અને ચાર પાંચ આદમીએ જશીકાકીને ગાદલા માથે સુવડાવ્યાં, જશીકાકીને ધોળી ચાદરમાં વીંટોળ્યાં હતાં ને ચાદરમાં લોહીના લાલ ને કાળા ડાઘ પડી ગ્યા હતા. શાંતીદ્દાની કોયલીએ તો એ જોઈને ઊલટી કરી. ક્યાંક ક્યાંક કોઈક રબારણુંના રોવાના ધીમા અવાજ આવતા હતા. બે રાતાં ઓઢણાં ટેમ્પામાં ચડ્યાં અને બાકીના ત્રણચાર કેડિયાં-ચોરણા વાડે ટીંગાણાં અને ટેમ્પો ગામની બહાર.
‘હું જશીકાકીને ક્યાં લઈ ગ્યા હશે?’ જાગુડી પૂછતી હતી.
ભામનાગર જ તે, બાકી માર મમ્મી કેતાં’તાં કે તાલુકે તો કોઈ ડૉક્ટર આ કેસને ટસ નો કરે’ આ કશલી બોલતી હતી.
ભાળી મોટી મમ્મીવાળી, આ કાલ્ય હવારની નય નવાઈની સુધરી ગઈ, બાકી આખો દી’ બા બા જ કર્યા કરતી.
જાગલીએ એને ઝાપટી નાખી.
‘લે તને આંગળીએ શું થ્યું?’ હેતલી મારો હાથ પકડતાં બોલી.
કાંય નહીં, રોટલા ઘડતા શીખતી હતી તે દાઝી ગઈ.’ મારું ધ્યાન જશીકાકીના ઘર તરફ હતું. બે ઓરડાનું ઢળતું વિલાયતી નળિયાનું ઘર ને નળિયા માથે ટી.વી.નું ઍન્ટેના, ફળિયામાં મોટો રૂખડો ને પાછળ બાથરૂમ બનાવેલા અને એમાં પ્લાસ્ટર બાકી. વાડામાં ગાયું ને વાછરડા બાંધેલા. અત્યારે તો ત્યાં માણસો બેઠું બેઠું જાણે કશુંક બનવાની રાહ જોતા હતા.
‘હાલો હાલો હવે મને ફેર ચડે છે.’ મેં કીધું ને બધું કલબલ કલબલ કરતી હેઠે ઊતર્યું. મારા ઘરમાં બધું ગોઠવાઈ ગઈ. મેં પાણિયારે જઈ પાણી પીધું અને કોરે ઊભા ઊભા મોઢું ધોયું. હેતલી મારી વાંહે આવી મારા ખભે હાથ મૂકીને ક્યે ‘હર્ષા, હું થાય છે?’ મેં એની સામે જોયું ‘ખબર નથી…!’ અમે ઘરમાં બેઠા. કોયલીએ ટી.વી. ચાલુ કરી અને ચેનલું ફેરવવા લાગી.
‘એય, અવાજ ધીમો કરો… ભમરાળીયું, કોક સાંભળશે તો ભૂંડા લાગશો, કહે કે ગામમાં આવું થઈ ગ્યું ને આપડે ટી.વી. જોવી સવી.’ મેં કીધું એટલે કોયલીએ અવાજ ધીમો કર્યો અને મેં બારણાને સ્ટોપર મારી દીધી. જાગલી એની ટેવ પરમાણે ઘરમાં ખાંખાખોળા કરતી’તી ને એના હાથમાં માર ભરતની થેલી આવી ગઈ, તે ઉનના દોરા ને સૂયો ને મડી બધું કાઢવા. તે એમાં એણે હું જે ઓછાડમાં ભરત ભરતી હતી હાથમાં આપવો. ‘હાટ્ટ…મસ્તીનું ભરત ભરે છે તું તો છાનીમાની.’ જાગલી અડધા ભરેલા મોરલા ને મેના પોપટ જોઈને બોલી હતી,
‘લે એમાં છાનામાનાની ક્યાં વાત આવી જ છે, હજી તો અડધુંય નથી ભરત ભરાણું.’ મેં એના હાથમાંથી મારો ઓછાડ લઈ લીધો. ‘હા તે જેદી’
અને બેઠું જાર ચડે છે. તે છે.
તેદી’ તો પૂરો થાહે જ ને આ ઓછાડ…!
કશલી ખીખીયાટા કરતી આંખ મીંચકારતાં બોલી. મારાથી નિહાકો નંખાઈ ગયો. ‘હવે તો કોને ખબર્ય..!’
મારાથી પલંગ માથે પથરાયેલા બીડીના તિખારાથી વીંધાય ગયેલા બાના ઓછાડ તરફ જોવાઈ ગયું, પોપટ, મોર ને મેનાની ચાંચ ને પાંખમાં વીંધા પડી ગ્યાં’તાં.
કલાકેક માંડ થઈ ત્યાં ટેમ્પાનો અવાજ આઈવો અને અમે બધું ફટાફટ ટી.વી. બંધ કરી ધોડતી ધાબા માથે. ટેમ્પો વેલજીકાકાના ઘર પાસે ઊભો રહ્યો. આદમી હેઠા ઊતર્યા. મારા ધબકારા વધી ગ્યા. પેલી બે બાયું જે ટેમ્પામાં ચડી હતી, એણે ઊતરતાં તો જાણે લાંબાં સાદે રોવાનું ચાલું કર્યું,
એ આવા ઓચિંતાં ગામતરાં નો’તાં કરવાં મારી બહેન… પાપા પગલી પાડનારો તારો આ ખોરડે હવે કોણ?’ અને જાણે વેલજીકાકાનું ઘર ધણધણી ઊઠ્યું, ભીંત્યું, પોપડા, થાંભલી, રૂખડો, ગાયું ને બાયું હિબકે ચડ્યાં. બધા જોર જોરથી રોવા મંડ્યા. બાપુએ કૂટવાનું ચાલુ કર્યું.
‘ગ્યાં જશીકાકી..!’ જાનુડી ધીમેથી બોલી. કોયલીએ કાંક હેઠેથી અવાજ સાંભળ્યો તે હેઠે ગઈ અને એની હારે અમારા પાડોશી દેવુમાને હાથ પકડીને એ ઉપર લેતી આવી. એમાં તો જાગલી રાતી પીળી થઈ ગઈ.
હરખપદુડી, દેવુમાને હું કામ લેતી આવી ઉપર?’
ગવુમાસીએ કીધું કે અમી સનાને જાવી સવી ડોશી એકલા છે તે હું ઉપર લેતી આવી. માડીને ખુડશી માથે બેસાડ્યા, એય તે નેઝવું કરીને અમારી જેમ જોતાં હતાં. શેરીમાંથી બાયું નાકમાંથી અને કાનમાંથી ને પગમાંથી બધું કાઢી, સાડલાના છેડાને ખોલી ને ઢળતો રાખી રોવા પોગી ગ્યું. થોડાક મોટા આદમી હાથમાં કુહાડા લઈ ગામની બહાર નીકળી ગ્યા. સાંજ થવામાં હતી બધું ફટોફટ પતતું’તું. રબારણું ને ગામની બીજી બાયું બે હાથે છાતી કૂટતી કૂટતી મરસિયાં ગાતી હતી.
‘બહેન, તાર ઉગમણાં બારનાં થાપન ને આથમણાં બારનાં ઉથાપન… તારા મૈયરનાં ઓઢણાં રિસાણાં… તારા હાથે રે કેમ દવ દેવાણા…’ કેટલીક બાયું જશીકાકીને જે ઘરમાં લઈ ગ્યા’તા ત્યાં ઘૂમટો તાણતી ગઈ પછી પાણીનું તપેલું ને થોડીક કોથળિયું એ ઘરમાં બધા વેવવા લાગ્યા.
‘એ શું કરે છે ત્યાં ઘરમાં ઈ બાયું?’ જાનુડી મને પૂછતી હતી. દેવુમા ગળફો કાઢીને અમારી સામે જોઈને બોલ્યાં.
‘જશીને સણઘારવા એ બાયુ માલીપા ગ્યું છે. જેનો વર હયાત હોય અને બાંઈ મરી જાય એને મસાણ લઈ જાતા પેલા નવી નવી બાયની જેમ તૈયાર કરે, નવડાવે.’ અમે બધું દેવુમાની વાત આંખ્યું મોટી કરી સાંભળતી રહી.
‘ને હજી તો એનાં પિયરિયાં આવશે. એના બાપના ઘરની ઓઢણી ન ઓઢાડાય ત્યાં લગણ મસાણે નો લઈ જવાય.’
ને તોય લઈ જાવી તો?’ કોયલ પૂછતી હતી. લે ગાંડી રિવાજ કોને કેવાય?’
જશીકાકીના પિયરિયાનો ટેમ્પો આયવો અને જશીકાકીનાં બા જેવા એક – ડોશીએ સાદ કાઢી કાઢીને છાતી કૂટવાનું ચાલુ કર્યું.
હે મારી સગ્ગી સૈયર.. પેટના બળેલ ફરી ઉજરશે પણ કાળજા કેમ કરીને કોળશે માર પેટ… તાર માવતરની ઓઢણી અભડાવી મારી સગ્ગી સૈયર રે…’
અમે જોયું કે વેલજીકાકા થાંભલીએ ટેકો દઈને જોર જોરથી રોતા હતા. આદમી અને અમુક બાયું એને છાનાં રાખતાં હતાં. મારું મોઢું થોડું કટાણું થઈ ગ્યું. ગામના બાબર ને બીજા છોકરા ફળિયામાં નનામી તૈયાર કરતા હતા. ફટાફટ આજુબાજુના ગામમાંથી માણસો આવવા માંડ્યું. એક ટેમ્પામાં જશીકાકીના મોસાળિયાંય આવ્યાં, એક બહેન આગળ કૂટતાં હતાં, બે હાથ જોર જોરથી છાતી પર ભટકાડી એ કાળી શિહું નાખતાં’તાં ને એની હાર્યની બીજી બે બાયું એના હાથ પકડી રાખતી હતી. અવાજો વધવા લાગ્યા… ચારેકોરથી મને બધું દબાતું હોય એવું લાગતું’તું. વેલજીકાકાને બેત્રણ મોટી ધોળી દાઢીવાળા આદમી અને કાળું થેપાડું પેરેલાં બેન ઘરની બાર્ય લઈ એકબાજુ કાંક સમજાવવાં લાગ્યાં.
અત્યારે હું વહીવટ કરવા ભેગા થ્યા હશે?’ મારાથી બોલાઈ ગ્યું. દેવમાં થોડું દાંત કાઢતા બોલ્યા, ‘સોડીયું, અટાણે જ વહીવટ થાય..’ અમી કોઈ સમજ્યાં નહીં.
‘ડોશીમા, સમજાય એવું કાંક બોલો ને… ગોળગોળ નો બોલો.’ કલી બોલી હતી.
‘એ જ કે તારે ભાઈ બીજું ઘર કરવાનું છે કે નહીં?’ દેવુમા એક શ્વાસે બોલી ગ્યાં.
‘લે… કર્ય વાત… છે બધા ઘેલહાઘરીના… હજી તો ઓલી એની મા ઘરમાં મડદું બનીને સૂતી છે ત્યાં બીજા ઘરની વાતું?’ હું થોડી ઊકળી ગઈ.
‘હા. સોડીયું… બધું અટાણે જ નક્કી થાય.’ પેલા થોડા વહીવટવાળાં ભેગાં થ્યાં’તાં ઈ વેલજીકાકને કાંક સમજાવતાં હતાં અને પછી શું નક્કી થયું એ ખબર ન પડી અને પેલું કાળું થેપાડું ઉતાવળે ઉતાવળે ઘરમાં ને બાકીના રોકકળમાં. નનામી ઓરડાની બાર નીકળી. કાંઈ સરખું દેખાતું નો’તું. રોવાના અવાજો વધી ગયા. વેલજીકાકાને પકડી એક ભાઈ જશીકાકી પાસે લાયવા, વેલજીકાકા સાદ કાઢી કાઢીને રોતા હતા, એના હાથમાં કંકુ લેવડાવ્યું અને જશીકાકીનું કપાળ ભરી દીધું. એક રબારણે જશીકાકીના પાનેતરનો છેડો ફાડ્યો અને બારસાખે બાંધ્યો.
‘દેવુમા, આ ઓઢણી કેમ ફાડીને બારસાખે બાંધી?’ જાગલીએ પૂછ્યું.
‘બસ પતી ગ્યું. નવું ઘર કરવાનું છે તમારા વેલજીકાકાને. હવે ઈ નવી બાઈ પયણીને આવે ત્યારે આ છેડો છોડીને એના ઓઢણે બાંધીને ઘરમાં આવશે.’ દેવુમા બે હાથ જોડી ઊભાં થઈ ગયાં. ચાર જનોઈ પેરેલા ધોતીવાળા આદમીએ નનામી ઉપાડી અને ઘરની બાર્ય નીકળ્યા. વેલજીકાકાને ખડકીથી પાછા વાળ્યા. એ કોરે બેહીને રોતા હતા.
– ‘જોયું, વેલજી મસાણે નો ગ્યો ને…? નવું ઘર કરવું હોય તો આદમી મસાણે નો જઈ હકે..!!ડોશીનો અવાજ ભરાઈ ગયો. બાબરે રોતી કૂટતી બાયુંને હાથ લાંબો કરી મંદિરેથી પાછી વાળ્યું… બાયું પડતી આખડતી કૂટતી ચોકમાં આવ્યું.
‘અમારી વાડીએ વેલજીકાકા સાંઠીયું ખેંચતા’તા ને ત્યારે બપોર ટાણે એને વાઈ આવેલી અને પડી ગ્યેલા તે ઈ ટાણે ને રે લૂગડાં ધોતી જશીકાકીને ખબર પડી કે ઉઘાડા પગે ઓઢણા વન્યા તપેલી ડામર સડક પર ધોડતાં આવેલાં… અને અટાણે ઈ સાવ જાય છે ને વેલજીકાકા બે પગ લઈને મસાણ સુધી ય તે…’ જાનુડી દેવુમાને કે’તી હતી. આ
‘તમને નઈ હમજાય સોડિયું… બવ નાન્યું સવો તમી હજી..’ દેવુમા માળાને આંખે અડાડતાં બોલ્યા. પાદરથી પાછી વળેલી બાયું ગોળ ગોળ ટોળે વળી મરસિયાં ગાતી કૂટતી હતી.
‘સતની સાખે બા પતિલોક હાલ્યા… માયાને મોહના તાંતણા રે તોડી… જુગ જુગન ફેરા રે ટળ્યા. બેની તારો અમ્મર ચૂડી ચાંદલો રે…’ એક પતલા ઢાળવાળી બાઈ ગાતી હતી ને વાંહે બધું બાયું કૂટતી કૂટતી ‘હાયે… બહેન મારી હાય..હાયે..’ ગાતી હતી ને ઝીલતી હતી. હું ભાગી છૂટી. મારી પાછળ દેવમા બાકીની બધું ને કે’તાં હતાં.
‘જુવો, સાંભળો અને શીખજો.. બાકી અત્યારની પરજાને આવું ગાતા ય નથ આવડતું… સારા દિવસે કોઈ મરસિયા ગાઈને નહીં શીખવાડે.. આ ગાવાને આજ કારણ મળ્યું છે તો બે શબદ સાંભળીને કાંક શીખજો.’
હું નીચે આવી પંખો ફૂલ કરી, દુપટ્ટો ભીનો કરી, મોઢા પર ઢાંકીને સૂઈ ગઈ. છાતીમાં ભીંસ વધતી જતી હતી. બવ પરસેવો થાતો હતો. આખ બંધ કરું ને નેરે લૂગડાં ધોતાં પાંચ હાથ પૂરાં, બાવડે બળુકાં, રૂપાળાં જશીકાકી દેખાય… ધુડ ખાણે બા પાસે રહરહ રોતાં, માથે બકડિયું ભરીને ધુડ લેતાં જશીકાકી દેખાય.. દશામાના વ્રત ટાણે મંદિરે લાંબા ઢાળે દશામાનો ગરબો ગાતાં જશીકાકી દેખાય… નેરે એના ઓછાડમાંથી કદડો કાઢતા જ જાય.. ડોળ નીકળતો જ જાય… ને ઈ હાંફતાં જાય. ને પછી બાપુની બીડીના તિખારાથી ચળાયેલો બાનો ઓછાડ દેખાય… એમાં વીંધાં વધતાં જ જાય. પાંખું ને ચાંચું કપાતી જ જાય. ને મને મારો અધૂરો પોપટ, મોર ને મેનાનાં અડધો ભરત ભરેલો ઓછાડ દેખાય… ઓછાડમાં સોયું ઉભરાતી જાય… મને વાગતી જાય ને સેવની પતલી હાર જેવા કંઈ કેટલાય ગૂંચળામાં જશીકાકી…બા… હું. ઓછાડ… સોયું… ઊનો ઊનો મારી આંગળીયે ચોંટી ગ્યેલો લોટ…અડધો કાલીના મોઢામાં ને અડધો એના મોઢાની બહાર સેવનો ગૂંચળો.બળેલું ને અડધું પગમાં ચોંટેલું થેપાડું… મોટા સેવના મશીનમાં હું… જશીકાકી..કશલી.. દેવમા… બા. બધું પીંડામાં બંધાતું જાય ને હેન્ડલ ફરે ને આંટા ઊતરે ને મશીનમાં હેઠે તો મારી આંગળિયે બાંધેલો પાટો. મરસિયા ભડકો… નાટે બાંધેલો પાનેતરનો લીરો… ઠાઠડીયે સૂતું લાલ કાપડું… લાલ ને કાળા ડાઘા… ઉબકો. છાતીમાં ભીંસ.. હાંફ… ને પછી બધું શાંત… ને મારા કાનમાં એક લાંબુ સુન…
‘હરસુડી.. એય હર્ષા.. જાગ્ય, ઊભી થા.’ મેં આંખો ખોલી તો અંધારાં ઊતરી ગ્યાં હતાં. બા કોરે ઊભી હતી. એ ધરામાં સનાન કરીને માથાબોળ થઈને આવી હતી. એના લૂગડામાંથી પાણી ટપકતું હતું.
ઊભી થા કહું છું… હાશ.. આ છોડી તો પણ બવ ટાઢી. જલદી અગરબત્તીનો ધૂપ દે મને… અને હું આ ભીના ગાભા બદલું ત્યાં રોટલાનો લોટ બાંધી નાખ્ય.. ને બીજા ચૂલે તપેલામાં સેવ ચડાવી દે. હાલ્ય.. તારા બાપ આવીને તલેલા નાખશે.’ મેં ફટાફટ અગરબત્તી કરી. બાએ એક હાથે ધૂપ લીધો અને તુલસીક્યારે અગરબત્તી ખોડી દીધી. મેં ફળિયામાંથી સેવ લીધી ને તપેલામાં પાણી ભરી ને રસોડે આવી.. રસોડામાં જઈ લાઇટ કરી ને ચૂલે તાપ કર્યો પછી તપેલું ચડાવ્યું. કથરોટમાં લોટ બાંધવા લાગી. ત્યાં બા આવી, ‘લાય આઘી ખસ… મોડું થઈ ગ્યું આજ તો.’ ચૂપચાપ ઉંબરે બેસીને પાટો છૂટી ગ્યો એ આંગળીઓને જોતી હતી.
હું બા… જશીકાકીને મસાણમાં બળતા શું વાર લાગી હશે!’
‘હવે, બળેલાને બળતા હું વાર લાગે..’ બાએ ચૂલામાં વધારે લાકડાં નાખ્યાં અને તાવડી ઊની કરી.’ લે હવે ફટોફટ… લહણ ફોલી નાખ્ય… તિખારી કરી નાખું. નકર પાછા ભાણું પછાડશે.’
મેં લસણનો ગાંઠિયો લીધો અને ફોલવા લાગી. દાઝેલી આંગળીઓ પર લહણ અડ્યું ને કાળી બળતરા થઈ. મોઢામાં આંગળી નાખી દીધી. પછી બા હામે જોયું. ચૂલો ઓલવાય ગ્યો હતો અને બા કાળી ફૂંકણીથી ફૂંક મારતા’તા.
‘હું બા.. જશીકાકીને બળતા જીવ કેમ હાલ્યો હશે. બળતરા નઈ થઈ હોય.’ આખા રાંધણિયામાં ધુમાડો ભરાઈ ગ્યો. તપેલામાં સેવનું પાણી વરાળ ભેગું ઉકળવા લાગ્યું… બાને કોરી ઉધરસ ચડી ને રાંધણિયામાં કાળી ફૂંકણીથી ફૂંક મારતી, આખેઆખી ફૂંકાઈ જાતી બા બોલી.
‘જશી તો… નસીબદાર. ઉકલી ગઈ…’ આખા રહોડામાં ધુમાડો થયો… જાળિયાનેય જાણે ધુમાડો બાર્ય કાઢવામાં હાંફ ચડ્યો. બા ફૂંક મારતી’તી ને હું બેય હાથ હવામાં આમ તેમ વીંઝતી ધુમાડો મારાથી થાય અટલો ને આટલો આઘો ને આઘો ધકેલવા મથતી રઈ. શબ્દસૃષ્ટિ (નવેમ્બર ૨૦૧૫)