ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુરેશ જોષી/અગતિગમન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અગતિગમન

સુરેશ જોષી





અગતિગમન • સુરેશ જોષી • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની


ઘરેથી નીકળતાં જ મને લાગ્યું કે મોડું થઈ ગયું હતું. ઉતાવળ કરવા જઈએ તેથી જ મોડું થઈ જાય છે એનો અનુભવ આ પહેલાં મને થઈ ચૂક્યો છે. પણ હું ગભરાટિયા સ્વભાવનો માણસ છું. પરગામ જવું એ મારે માટે તો એક આફત છે. હું ગાડી આવવાને એક કલાક પહેલાં જ સ્ટેશને પહોંચી જાઉં છું. પછી બુકસ્ટોલ પર ચોપડીઓ જોવામાં પડ્યો હોઉં છું અને ગાડી આવી જાય છે ને હું હાંફળોફાંફળો જગ્યા મેળવવા દોડું છું. આજે સવારે ઊઠીને ઘડિયાળમાં જોયું તો સાડાપાંચ થયેલા. ઘડિયાળ સાથે મારો મેળ કદી ખાધો નથી. રેડિયો સાંભળવાની મને ટેવ નથી. પણ દેશ આખો તો સરકારી સમય પ્રમાણે ચાલે છે. મારી બારીમાંથી ટાવરનું ઘડિયાળ દેખાય છે. પણ એક સવારે એના એક કાંટા પર એક અજાણ્યા પંખીને જોઈને હું છળી મર્યો હતો. કાંડા ઘડિયાળ હું રાતે પણ પહેરી રાખું છું. પણ આજકાલ એ લોકો આંકડો લખવાને બદલે માત્ર ટપકાં મૂકે છે. આથી થયેલા સાડાછ, પણ મને દેખાયા સાડા પાંચ. ઊંઘ નો’તી આવતી તોય એક કલાક બાકી છે એમ માનીને પડ્યો રહ્યો. ત્યાં બારીમાંથી પ્રભાતની ટશર દેખાઈ ને હું સફાળો ઊભો થઈ ગયો. ઉતાવળમાં રેઝરમાં બ્લેડ મૂકવી જ ભૂલી ગયો ને દાઢી કરવા માંડી. ગરમ ચા પીવા જતાં જીભ દાઝી ગઈ. મોજાં ઊંધાં પહેર્યાં. તાળું વાસવા જતાં યાદ આવ્યું કે ચાવી તો અંદર રહી ગઈ છે. મને થયું: આજની સાડાસાતની બસ જરૂર હું ચૂકી જવાનો, પણ બસસ્ટૉપ પર પહોંચ્યો ત્યાં જ એક બસ આવી. કયા રૂટની હતી. ક્યાં જવાની હતી, એ જોવાનો સમય જ ક્યાં હતો! છતાં જરા દ્વિધા તો થઈ: જાઉં કે ન જાઉં? ત્યાં તો લોકોના ધક્કાએ જ મને બસમાં ચઢાવી દીધો. બસમાં ભીડ એટલી હતી કે પાસેના માણસની પીઠ જ હું જોઈ શકતો હતો. બસ ચાલવાની ગતિનો અનુભવ થતો નહોતો. મારી દરરોજની બસના પરિચિત માણસોનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કર્યો, પણ મને એક અસ્પષ્ટ ગણગણાટ સિવાય કશું સંભળાતું નહોતું. મનમાં રહી રહીને શંકા થયા કરતી હતી: ખોટી બસમાં તો નથી ચઢી ગયો ને! બારી પણ દેખાતી નહોતી. આથી દિશા નક્કી કરવાનું પણ મારે માટે અશક્ય હતું. પણ સવાલ તો માત્ર પિસતાળીસ મિનિટનો જ હતો ને! આમ હું વિચારતો હતો ત્યાં જ પાછળથી ધક્કો વાગ્યો ને ગભરાટના માર્યા મેં આંખો બંધ કરી દીધી. થોડી વાર રહીને મેં આંખો ખોલી તો હું એક સીટ પર બે જણની વચ્ચે ચપોચપ ગોઠવાઈ ગયો હતો. મેં એ બંને વ્યક્તિઓને ઓળખવાનો પ્રયત્ન કર્યો. બારી પાસેની વ્યક્તિનો હાથ મારી સાથળ પર પડ્યો હતો. એ હાથની ચામડી તગતગતી હતી. એના પર જાંબુડી રંગની ઝાંય પડતી હતી. એનો હાથ જોતાં એ વ્યક્તિ સ્થૂળ હશે એવું મને લાગ્યું. પણ એનો હાથ ફૂલી ગયેલો હોય એવું લાગતું હતું. બારીના કાચમાં, મેં સહેજ ડોક ફેરવીને એના ચહેરાનું પ્રતિબિંબ જોઈ લીધું. એનાં ચશ્માંના કાચ પર તડકો પડવાથી એની આંખો દેખાતી નહોતી. પણ એનો ચહેરો, કોણ જાણે શાથી, મને વિચિત્ર લાગ્યો. પેલા હાથના પ્રમાણમાં મોઢું ઘણું નાનું હતું. ગાલ બાળકોના હોય છે તેવા ફૂલેલા હતા. હોઠ પાતળા હતા. દાઢી તો જાણે હતી જ નહિ. કપાળ જેવું તો જાણે કશું હતું જ નહીં. થોડી થોડી વારે, કોણ જાણે શા કારણે, એના ગાલ ઊપસી આવતા હતા અને આંખો સાવ દબાઈ જતી હતી. એ કદાચ એના હસવાને કારણે હશે એવું મેં ધાર્યું, પણ હસવાનો કશો અવાજ આવતો નહોતો. મારી સાથળ પરનો એનો હાથ મને ભારે લાગવા માંડ્યો હતો. એ હાથ ખસેડી નાખવાની હું એને વિનંતિ કરું, પણ હું બોલીશ તે એને સંભળાશે? છતાં હું બોલ્યો તો ખરો જ, પણ મનેય મારો અવાજ સંભળાયો નહિ. મારી છેડેની સીટ પર બેઠેલી તે સ્ત્રી હતી. મારા શ્વાસને રૂંધી નાખે એવી ગંધ એના શરીરમાંથી આવતી હતી. એના ખુલ્લા હાથ પર થઈને પરસેવો નીતરતો હતો. એ કંઈક ગણગણતી હોય એવું મને લાગ્યું. થોડી થોડી વારે એ આંખો રૂમાલથી લૂછતી હતી. એ કદાચ રડતી પણ હોય. એકાદ વાર તો એના બંને હોઠ, જાણે એ ચીસ પાડવા જતી હોય તેમ, ખૂલી ગયા અને મેં તો મારા કાનમાં આંગળી પણ ખોસી દીધી. થોડી વાર સુધી તો એના હોઠ એ ‘ઓ’ બોલતી હોય તેમ ખુલ્લા જ રહી ગયા. મને થયું: હવે એ હોઠ બીડાશે જ નહિ કે શું? એ તરફથી મેં મારી નજર ફેરવી લીધી. ડ્રાઇવરની પાછળની સળંગ સીટ પર બેઠેલા આઠ જણ કોઈક ગાયકવૃંદમાં ગાતા હોય તેમ આખા શરીરથી તાલ આપતા ઝૂમી રહ્યા હતા. મને એમની અદેખાઈ આવી. એમને હાલવા પૂરતી મોકળાશ હતી. છતાં એક વાત મને વિચિત્ર લાગી: એમના હોઠ ખૂલતા નહોતા, એમની આંખો બંધ હતી. કદાચ બસની ગતિને કારણે જ એઓ હાલતા હશે. થોડી થોડી વારે એમના ચહેરા પરથી એક મોટો પડછાયો પસાર થઈ જતો હતો. કદાચ રસ્તા પરના ઝાડનો જ એ પડછાયો હશે. પણ એ પડછાયો પડતાં જ એમના ચહેરા, કોણ જાણે શાથી, મને ભયાવહ લાગવા માંડતા હતા. મારી પાછલી સીટ પર ક્યાંકથી કબૂતર બોલતું હોય તેવો અવાજ થોડી થોડી વારે આવ્યા કરતો હતો. મને થયું; કોઈ મા પોતાના બાળકને રમાડતી હશે. ડાબી તરફથી ધુમાડાની સેરો મારા તરફ આવવા લાગી ને એને કારણે મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. મારી નજર સામે બધું જાણે તરતું હોય એવું લાગ્યું. મારે આંખો લૂછવી હતી. પણ મારા બન્ને હાથ દબાઈ ગયા હતા. મારે પગે ખાલી ચઢી હતી. મેં પગ ઊંચો કરવાનો પ્રયત્ન કર્યો પણ એ બની શક્યું નહિ. એટલામાં એકાએક કોઈકના બૂટથી મારો પગ કચડાતો હોય એવું મને લાગ્યું. મેં નજર ઊંચી કરીને જોયું તો કંડક્ટર હતો. એણે એની ટોપી છેક આંખ સુધી ખેંચી લીધી હતી. એનું મોઢું ભરાવદાર અને એનાં જડબાં ખૂબ પહોળાં લાગતાં હતાં. મારી પાસે પૈસા લેવા લંબાવેલો એનો હાથ અધ્ધર જ રહી ગયો. પછી એણે હોઠથી કશો અવાજ કર્યો, હાથથી મને કશો ઇશારો કર્યો, હું એમાંનું કશું જ સમજી શક્યો નહિ. એનો હાથ ઊંચો થયો, મારા ગાલ પર ઝણઝણાટી થઈ આવી. આવું તો કશું જ બન્યું નહોતું. છતાં ભયથી મેં આંખો બીડી લીધી. એ દરમિયાન કોઈ દેવળમાં સમૂહપ્રાર્થના થતી હોય એવા ગણગણાટને કારણે કે કોણ જાણે શાથી મારી આંખ પર ભાર વર્તાવા લાગ્યો. ઘડી આંખ ખૂલે, ઘડી બંધ થાય એવું થવા માંડ્યું. પછી કદાચ આંખ બંધ રહેવાનો એક મોટો ગાળો આવી ગયો હશે. એકાએક કશો ધક્કો વાગતાં મેં આંખો ખોલીને જોયું તો હું ઊંઘમાં બારી તરફ ઢળી પડ્યો હતો. મારી સીટ પર, મારી આજુબાજુમાં કોઈ જ નહોતું. હું હજી તો આંખો ચોળીને સરખો બેસવા જતો હતો ત્યાં જ બારીમાંથી પવનનો એક સપાટો આવ્યો ને કેટલાંય સૂકાં પાંદડાં અંદર વહી આવ્યાં. સૂકાં પાંદડાં અને ધૂળને કારણે બસમાં કશું દેખાતું જ નહોતું. મને થયું કે હવે જરા પગ ઉપર લઈને આરામથી બેસું. મેં મારી આજુબાજુ નજર કરી તો કોઈ દેખાયું નહિ. એકાદ-બે સીટ પર કોઈ શરીર લંબાવીને આડેપડખે થયા હોય એવો આભાસ થયો. મેં પવનના સુસવાટાને કારણે બારીનો કાચ બંધ કર્યો. સહજ જ મારી નજર એમાં પડતા પ્રતિબિંબ તરફ ગઈ. મેં જોયું તો એમાં કોઈ વિચિત્ર જ માણસ મને દેખાયો. એની એક આંખની જગ્યાએ માત્ર કાણું હતું. એનો નીચેનો હોઠ લબડી પડ્યો હતો. એના મોઢામાંથી લાળ જેવું કશુંક ટપકતું હતું. મેં મારી બન્ને આંખો તપાસી લીધી. એ તો એને ઠેકાણે જ હતી. હોઠ પર હાથ ફેરવ્યો તો ત્યાં કશી ભીનાશ નહોતી. એકદમ હું ભયથી ધ્રૂજી ઊઠ્યો. તો આ ચહેરો કોનો? કોઈ કાચની બીજી બાજુથી મને જોઈ રહ્યું હશે? કે પછી આ બધી મારા મનની જ ભ્રાન્તિ! હું બોલવા ગયો… ‘કંડક્ટર.’ મારા શબ્દો ચારે બાજુથી પડઘાઈને પાછા આવ્યા. હું સફાળો ઊભો થઈ ગયો. જોયું તો આખી બસ ખાલી હતી. મને થયું કે ઊંઘમાં હું ઊતરવાનું ભૂલી ગયો હોઈશ. આથી હું ઊઠીને બારણાં તરફ વળ્યો. પણ બસ તો ઝડપથી દોડી રહી હતી. એની ગતિના આંચકાથી હું પાછો સીટ પર ફસડાઈ પડ્યો. મેં ડ્રાઇવરની સીટ તરફ જોયું તો ત્યાં કોઈ હોય એવું લાગ્યું નહિ. કદાચ ડ્રાઇવર કશુંક લેવા નીચે વળ્યો હશે. પછી ભયના માર્યા મેં એ તરફ નજર કરી નહિ. બસ દોડી રહી છે કે નહિ તેની ખાતરી કરવા મેં બારીની બહાર નજર કરી તો ચારે બાજુ મેદાન હતું. એકે વૃક્ષનો અણસાર સરખો નહોતો. એકાએક પંખીઓનું એક ટોળું, કિકિયારી કરતું, ઉપરથી પસાર થયું ને એનો લાંબો પડછાયો છવાઈ ગયો. પવન વાયો ને એવી તો ધૂળ ઊડી કે આંખ સામે બધું એકાકાર થઈ ગયું. થોડી વાર રહીને આંખો ખોલી તો દૂર દૂર એક શહેર હોય એવો ભાસ થયો. એનાં મકાનો એકના પર એક ટેકવ્યાં હોય એવું લાગતું હતું. કોઈક વાર જાણે એ પવનમાં ડોલતાં પણ લાગતાં હતાં. એ બધાં હમણાં પડી જશે કે શું એવી ભીતિથી હું કંપી ઊઠ્યો. પછી બસ એક ઢોળાવ ઊતરવા લાગી ને નીચે ને નીચે જતી ગઈ. ચારે બાજુએ ડુંગરની ધાર જાણે ભીંસી નાખતી હોય તેમ નજીક ને નજીક આવવા લાગી. ઢોળાવને કારણે કે કેમ પણ બસની ગતિ એકદમ વધી ગઈ હતી. ડુંગરોએ દૃષ્ટિસીમાને આવરી લીધી હતી. આથી પેલું શહેર દેખાતું બંધ થઈ ગયું હતું. બસ થોડી વાર રહીને ફરી ખુલ્લા અવકાશમાં આવી. મેં જોયું તો રસ્તાની ધારે થઈને મોટું પશુઓનું ધણ જઈ રહ્યું હતું. બસ એટલા તો વેગથી જતી હતી કે પશુઓનાં માત્ર કાળાં ટપકાં જ દેખાતાં હતાં. એમાંનાં એકાદ-બે તો કદાચ બસ નીચે ચગદાયાં પણ હશે, કારણ કે મને આછા ચિત્કાર જેવું કશુંક સંભળાયું હતું. આ પછી મેં હિંમત કરીને ડ્રાઇવરની સીટ તરફ જોયું તો ત્યાં કશાક આકારનો ભાસ થયો. ટુરિસ્ટો માટેની બસમાં હોય છે તેવું લાઉડસ્પીકર આ બસમાં હશે એની મને ખબર નહોતી. પણ એ લાઉડસ્પીકરમાંથી કોઈક કશું કહી રહ્યું હતું. મેં એ સાંભળવાનો પ્રયત્ન કર્યો, પણ પવનના સુસવાટામાં મને કશું સંભળાયું નહિ. ખૂબ પવન હોવા છતાં મેં બારીની બહાર મોઢું કાઢીને જોયા કર્યું. કોઈ વાર એકલદોકલ માણસ દેખાયા હોય એવું લાગે પણ એની ખાતરી કરવા જાઉં ત્યાં તો બસ ખૂબ આગળ નીકળી ગઈ હોય. થોડી વાર થઈ ને બસ એકાએક ડોલવા લાગી. મને લાગ્યું કે કોઈ મોટો વળાંક આવ્યો હશે. હું સળિયાને પકડીને સમતુલા જાળવીને બેઠો. મેં રસ્તા પર આગળ નજર કરી તો લોકોનું મોટું ટોળું સામેથી આવી રહ્યું હોય એવું મને લાગ્યું. બસને પૂરપાટ દોડી રહેલી જોવા છતાં એમાંનું કોઈ સહેજેય બાજુએ ખસતું નહોતું. બસ તો એ ટોળાંની નજીક ને નજીક ધસ્યે જતી હતી. મને તમ્મર આવ્યાં. મેં આંખો બંધ કરી દીધી. એક મોટો આંચકો આવ્યો. મને લાગ્યું કે હું ક્યાંક શૂન્યમાં ફંગોળાઈ રહ્યો હતો. મેં આંખો ખોલી. જોયું તો હું બસની રાહ જોતાં ટોળાં વચ્ચે ઊભો હતો. ત્યાં બસ આવી, ટોળાંએ મને ધકેલ્યો. હું બે ઊભેલા માણસોની વચ્ચે દબાઈને ઊભો રહ્યો. હું મારી આગળના માણસની માત્ર પીઠ જ જોઈ શકતો હતો. બસ ચાલવાની ગતિનો પણ મને અનુભવ થયો નહોતો…