ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુરેશ જોષી/રાક્ષસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રાક્ષસ

સુરેશ જોષી

મારી પથારી પાસેની, છજામાં પડતી, બારી પર એક કાંકરો આવીને અથડાયો, તરત જ બીજો કાંકરો આવીને અથડાયો. હું સફાળો બેઠો થઈ ગયો. આજુબાજુ સૂતેલું કોઈ જાગી નહિ જાય એમ, ચોરપગલે, નીચે ઊતર્યો. ઓસરીમાં ઝીણું કરીને રાખેલું ફાનસ હોલવી નાખ્યું. વદ ચોથનો ચંદ્ર ઊગવાનો આભાસ જ હજી પૂર્વમાં હતો, એના ધૂંધળા અસ્તરમાં બધું લપેટાઈ ગયું હતું. મેં આજુબાજુ નજર કરી, કોઈ દેખાયું નહીં. હું સહેજમાં ઊભો રહી ગયો. ઊભા રહેતાંની સાથે જ મને અકળ રીતે સમજાઈ ગયું કે બાજુમાં રહ્યું રહ્યું કોઈ મારી રજેરજ હિલચાલ પર નજર રાખી રહ્યું છે. મેં દોડવા માંડ્યું. થોડે છેટે ધૂંધળા આભાસમાં કોઈનો આકાર સરી જતો દેખાયો. સંકેત મુજબ મેં સીટી વગાડી. સામેથી તરત જ સીટીનો અવાજ સંભળાયો. થોડેક છેટેના ઘટાદાર લીમડાના પડછાયામાં એ આકાર અદૃશ્ય થઈ ગયો. હું સહેજ મૂંઝાઈને ઊભો રહી જવા જતો હતો ત્યાં ફરી સીટી વાગી. હું દોડીને લીમડા પાસે પહોંચ્યો. એના પડછાયામાંથી પેલા આકારે કરેલા તર્જનીસંકેતને હું અનુસર્યો. પાસે જઈને હું કશુંક બોલવા જતો હતો ત્યાં એણે તરત હોઠ પર આંગળી ધરીને મને ચૂપ કરી દીધો. કશું બોલ્યા વિના પૂર્વ તરફ આંગળી ચીંધી. ચંદ્ર ઊગતો હતો. એના અજવાળામાં મેં એને જોઈ. નજર ઠેરવીને જોઈ રહું તે પહેલાં એ હાથ ખેંચીને મને દોડાવી લઈ ગઈ. આજુબાજુનાં ઝાડ વચ્ચે ઢંકાયેલી એક નાની દહેરી આગળ આવીને અમે ઊભાં. એણે અણસારાથી મને ઘૂંટણિયે પડવાનું સૂચવ્યું, પછી એ વાંકી વળી. એનું મોઢું મારા માથા પર હતું. એનો ઉષ્ણ ઉચ્છ્‌વાસ મને સ્પર્શી જતો હતો. એ હોઠ ફફડાવીને કશુંક અસ્પષ્ટ ગણગણી. પછી મારા ગળામાં કશુંક બાંધી દીધું, હું કશુંક પૂછું તે પહેલાં જ એ બોલી. આંખ બંધ કરીને સાત વાર ગોળ ગોળ ફર, હું કહું ત્યારે જ આંખ ખોલજે. મેં એના કહ્યા મુજબ કર્યું. મારો હાથ પકડીને એ દોડવા લાગી. મેં પણ બંધ આંખે દોડવા માંડ્યું. થોડેક ગયા પછી એણે કહ્યું: હવે આંખ ખોલી દે. મેં આંખો ખોલી. હવે ચંદ્ર ઝાડના માથા પર પૂરેપૂરો આવી ગયો હતો. મેં એને જોઈ. આજે એને યાદ કરવા મથું છું ત્યારે એ ચહેરો પૂરો દેખાતો નથી. માત્ર થોડું થોડું યાદ આવે છે. એના આગલા બે દાંત પડી ગયા હતા. એના કાનમાંનાં એરિંગ ચમકતાં હતાં, ને એનું કપાળ અસ્તવ્યસ્ત વાળથી ઢંકાઈ ગયું હતું. એમાંથી એની બે તરવરાટભરી આંખોનો ચમકારો દેખાતો હતો. એ મને કહેતી: ‘તેં જૂઈની ઘણી કાચી કળીઓ એક વાર તોડી નાખી હતી તેથી જૂઈ પરીનો તને શાપ છે. તને કશું પૂરું યાદ નહીં રહે. તું જે યાદ કરશે તેમાં કંઈક ને કંઈક ખૂટતું હશે.’ જૂઈ પરીના આ શાપને શી રીતે પાછો ખેંચાવવો તે વિશે અમે બન્નેએ કાંઈ ઓછી મથામણ નથી કરી, પણ શાપ તે શાપ.

એ બોલી: ‘તારા ગળામાં મેં તાવીજ બાંધી દીધું છે એટલે હવે તને કશું નહીં થાય. એ તાવીજ મને ખાસ ભોળા ભૂવાએ આપ્યું છે. એમાં શું શું છે તે જાણે છે? ઘુવડની આંખની ભસ્મ, વાઘની મૂછનો વાળ, સાત આમલીના ઝુંડવાળા રાક્ષસનો દાંત,’ – આવી કાંઈ કેટલીય વસ્તુ એ ગણાવી ગઈ. આજે એમાંની બધી મને યાદ પણ નથી. સાચું રક્ષાકવચ તો એના હાથનો સ્પર્શ જ હતો. એ કહેવાની ભાષા એ વયે મને આવડતી નહોતી તેથી કાંઈ એ ઓછું સાચું નહોતું.

એણે મારો કાન આમળીને કહ્યું: ‘બાઘા જેવો મારી સામે તાકી શું રહ્યો છે? ચાલ, ભોળા ભૂવાને મળવા જવું છે ને?’

મારે ‘હા, ના’ કરવાનો કશો સવાલ નહોતો. વરસાદ પડી ગયો હોવાથી નાળાં ભરાઈ ગયાં હતાં. એનાં પાણીને પગથી ડખોળતાં અમે દોડ્યે જતાં હતાં. એક જગ્યાએ પાણી સહેજ ઊંડું હતું. ઉપર લાકડાં મૂક્યાં હતાં, પણ તે લપસણાં થઈ ગયાં હતાં. એ તો ઝટ લઈને લાકડાં પર થઈને સામે દોડી ગઈ. હું એનો હાથ છૂટી જતાં સહેજ ખંચકાઈને ઊભો રહી ગયો. એણે હાથ હલાવીને અધીરાઈથી કહ્યું: દોડ્યે આવ. પણ મારા દ્વિધાગ્રસ્ત પગ લપસ્યા. હું પડ્યો. ચારે બાજુથી જાણે કોઈ હિમ જેવા ઠંડા હાથની ચૂડમાં હું ભીંસાયો. બે હાથે ઉપરના લાકડાને વળગી રહ્યો. એ સામેથી દોડી આવી, ને મને બહાર ખેંચી કાઢ્યો. મારો શ્વાસ હેઠે બેઠા પછી એ બોલી: ‘આ મંછી ડાકણનો ધરો, નીચે મંછી મોઢું પહોળું કરીને ટાંપીને જ બેઠી હોય છે. એ તો આ તાવીજને લીધે તું બચી ગયો, નહીં તો–’

કલ્પનામાં મારું મન ‘નહીં તો’ને સામે કાંઠે જઈને થથરી ઊઠ્યું. હજુ આજેય એ દ્વિધા, એ મંછી ડાકણ, મોઢું પહોળું કરીને ટાંપીને બેસી રહેલી દેખાય છે, ત્યારે સંકલ્પના ઊતરી જતા બળને આ સ્મૃતિથી જ દૃઢ બનાવું છું.

એની આંખો જ જાણે પગમાં હતી. એક ક્ષણની પણ અનિશ્ચિતતા વિના એ મને દોરી જતી હતી. ઘડીમાં એ એની કાયાને સંકેલીને નાના દડા જેવી બનાવીને ઢાળ પરથી દડી જતી તો ઘડીમાં ઊડપંખ સાપની જેમ એ કૂદતી કૂદતી આગળ વધતી. શરીરમાં જાણે એક્કેય હાડકું ન હોય તેમ એ પાણીના રેલાની જેમ પ્રવાહી બનીને સરી જતી ત્યારે મારાં બરડ હાડકાં મને હેરાન હેરાન કરી નાખતાં. દોડે ત્યારે રેશમના દડાની જેમ ઊખળી જાય, એનો પડછાયો પાછળ હાંફતો સંભળાય, ઝાડની ડાળીઓની ભુલભુલામણીમાંથી એ સાપની જેમ સરી જાય, તરાપ મારતા ચિત્તાની સાવધાની ને ચપળતા ને સાથે પતંગિયાની નાજુકાઈ, ગામને સીમાડે અડીને રહેલા વનને એ રજેરજ જાણતી. વૃક્ષનાં ઝુંડેઝુંડ રાક્ષસ. પવન ફૂંકાય, પાંદડાં ખખડે ને સંભળાય. માણસ ગંધાય, માણસ ખાઉં. દરેક રાક્ષસનાં એણે નામ પાડેલાં; કોઈનું બુચિયો, તો કોઈનું નામ સુરણિયો. એ કહેતી, ઝાડને ઝુંડેઝુંડે રાક્ષસ. પણ ફૂલની પાંખડીએ પાંખડીએ પરી. પરી પણ બે જાતની. હસતી પરી ને રોતી પરી. સવાર થતાં આંખ ખોલતી વેળાએ ખૂબ કાળજી રાખવી પડે. આંખ ખોલતાંની સાથે જો રોતી પરી આંખમાં પેસી જાય તો આખો દિવસ રડવું પડે. હસતી પરી એનું હાસ્ય આપણી આંખમાં આંજી દે પછી કોઈ રાક્ષસની મગદૂર નહીં કે આપણી સામે આંખ માંડીને જુએ. અમે વનમાં ભટકીને આવા તો કેટલાય રાક્ષસોને જેર કર્યા હતા. છતાં કોઈ વાર એ ઉદાસ થઈને વિચારે ચઢી જતી ને કહેતી: ‘દુનિયામાં રાક્ષસ વધતા જ જાય છે. માણસના હાથે માણસના લોહીનું ટીપું પડે એટલે એક ટીપામાંથી સો રાક્ષસ ઊભા થાય. બોલ શું કરીશું? હજી તો આપણે આ એક વનનાય રાક્ષસને પૂરા જેર કર્યા નથી.’

એક ઝરણાને કાંઠે એણે મને ઊભો રાખ્યો ને કહ્યું, ‘અહીં જ ઊભો રહેજે. રૂપરૂપના અંબાર જેવી રૂમઝૂમ કરતી કોઈ રાજકુંવરી તારો હાથ ઝાલવા આવે તો મોઢું ફેરવીને ઊભો રહી જજે. હું હમણાં આવું છું.’ આમ કહીને એ તો એક ઝબકારામાં અદૃશ્ય થઈ ગઈ. ઝરણું ખળખળ વહેતું હતું, ઉપર ચાંદની વરસતી હતી. ખળખળ અવાજ રૂમઝૂમ સંભળાવા લાગ્યો ને પાણી પર ચમકતી ચાંદનીમાં રેશમી વસ્ત્રની સળ દેખાવા લાગી. હું ફફડી ઊઠ્યો, મોઢું ફેરવીને આંખ બંધ કરીને ઊભો રહી ગયો. દૂર ઘૂક્ ઘૂક્ કરીને કોઈ ઘુવડ બોલવા લાગ્યું. એ અવાજ પાસે ને પાસે આવતો ગયો. તમરાં એકસરખાં બોલવા લાગ્યાં. પહેલાં નહીં સાંભળેલા કાંઈ કેટલાય તરેહતરેહના અવાજ સંભળાવા લાગ્યા. ત્યાં એ સૌ અવાજોને દૂર હડસેલીને એની સીટી બજી ઊઠી. હું ક્ષણનો પણ વિચાર કર્યા વિના એ સીટીની દિશામાં દોડ્યો. એ સામેથી દોડતી આવતી જ હતી. એના હાથમાં એક પાકું સીતાફળ હતું. એના એણે બે ભાગ કર્યા. અંદરની ધોળી પેશીઓ ચાંદનીમાં ચમકી રહી. હું એને મોઢામાં મૂકવા જતો હતો ત્યાં એ બોલી ઊઠી. ‘આ ધોળી પેશીઓ શેમાંથી બનેલી છે તે જાણે છે? આપણા ગામની માલી ડાકણના બે દાંતનું ખાતર નાખીને મેં મારે હાથે આ સીતાફળી ઉછેરી છે. એટલે જ તો એ ડાકણના દાંત જેવી મોટી મોટી પેશીઓ થઈ છે.’ હું ખાતો અટકી ગયો તે જોઈને એણે કહ્યું. ‘અરે બીકણ, આ કંઈ ડાકણના દાંત નથી. એમાંથી તો આ ફળ થયું.’ પછી એ હસીને બેવડ વળી ગઈ.

વળી અમારી દોડાદોડ શરૂ થઈ. ઘુવડના અવાજથી મારા શરીરમાં એક કંપ દોડી ગયો તે એ તરત જ સ્પર્શથી વરતી ગઈ. એણે કહ્યું: ‘પંખીનો બોલ પારખતાં આવડવું જોઈએ. જો કાન દઈને એક ચિત્તે બધું સાંભળીએ તો બધું સમજાય. આ ઘુવડ શું કહે છે તે જાણે છે? એ આપણને પૂછે છે: ‘ક્યાં જાવ છો’ લ્યા? ક્યાં જાવ છો’લ્યા.’ જોજે હં, હું હમણાં એને જવાબ આપું છું.’ ને એ સહેજ ફેરફાર કરીને ‘ઘૂક–ઘૂઉક્ ઘૂઉઉક્ ઘૂક્ ઘૂક્’ બોલી. પછી થોડી વારમાં જ ઘુવડનો ઊડી જવાનો અવાજ સંભળાયો. એટલે એ હસીને બોલી: ‘જોયું ને? મેં એને કહ્યું: ભાગ અહીંથી, ભાગ અહીંથી.’ ને વળી એ હસી પડી. મેં એને સહેજ ચગાવવા પૂછ્યું: ‘આ તમરાં સાથે વાત કરતાં આવડે છે?’ એટલે એ એકદમ ગંભીર થઈ ગઈ ને બોલી: ‘જાણે છે, એ શેનો અવાજ છે? અંધકારના તંતુ સાથે તંતુને ગૂંથવાનો એ અવાજ છે. પ્રલય વખતે સૃષ્ટિને ઢાંકી દેવાનું વસ્ત્ર રોજ રાતે એઓ વણ્યે જ જાય છે. જે માણસનું મરણ થવાનું હોય તેની નાડીમાં એનો અવાજ સંભળાય.’ હું તો એનો જવાબ સાંભળીને સ્તબ્ધ થઈ જઈને મારી નાડીના ધબકારા સાંભળવા લાગ્યો. એ તરત જ આ વરતી ગઈ ને મારો કાન આમળીને બોલી: ‘હત્ રે ગાંડા, તું તો સાવ બાઘો જ નીકળ્યો.’ ને વળી એમ દોટ મૂકીને આવ્યાં સીધા ભોળા ભૂવાની ઝૂંપડીએ. ઝૂંપડી પાસે આવતાં જ તાપણીના લાલ ભડકા દેખાયા. એણે મને એકદમ સાવધ કરી દીધો: ‘ચૂપ, એ કાંઈ ભોગ આપતો લાગે છે.’ અમે દૂર રહીને જોયું ઘુમાતા અડાયામાં બે બળતા અંગારા ચોઢી દીધા હોય તેવી ભૂવાની બે તગતગતી આંખો એના કાળા મોઢા પર તગતગી રહી હતી. એ કાંઈ બબડતો હતો. એના હાથમાં તરતનો કાપેલો મરઘો હતો. એનું લોહી નીચે ટપકી રહ્યું હતું.

ત્યાંથી અમે ભાગ્યા. હવે મધરાત થવા આવી હતી. એક જાંબુડા નીચે અમે સહેજ થાક ખાવા બેઠાં. પછી એ ઊઠી. એણે મારી સામે થોડી વાર સુધી આંખો માંડીને જોયા કર્યું. પછી એ બોલી: ‘આજે હું તને એવું કંઈક બતાવવાની છું જે તું જિંદગીભર નહીં ભૂલી શકે.’ એથી વધુ ખુલાસો એણે કર્યો નહીં, ને એણે મારો હાથ ઝાલીને મને ખેંચ્યો, અમે ફરી દોટ મૂકી.

નાળાનાં વહેતાં જળ ને ચાંદની ભેગો અમારો પડછાયો ગૂંથતા ઝૂલતાં ઘાસની ઝાકળમાળના મોતીને ખેરવતાં અમે દોડ્યે ગયાં. પોતાની ધરી પર ઘૂમતી પૃથ્વીના ચરણના લય સાથે સંધાઈને અમે દોડ્યે જ ગયાં. અમારા ઉષ્ણ ઉચ્છ્‌વાસની જ જાણે કે પામરી ઓઢીને અમે દોડ્યે જ ગયાં. ઘણું બધું પાછળ રહી ગયું. વર્ષે વર્ષે વહી જતાં જળ નદીને જીર્ણ નથી કરતાં તેમ વહી ગયેલાં વર્ષોથી જીર્ણ થયા વિના પ્રવાહની જેમ અમે રેલાઈ ગયાં. કોઈક દરમાંથી બીધેલાં સસલાં નાઠાં, ક્યાંક રાતવાસો કરતા પંખીની નીંદરનાં સ્થિર જળ અમારા પડછાયાથી સળકી ઊઠ્યાં ને એની પાંખ ફફડી. પગ પડવાથી દબાઈ ગયેલું ઘાસ પગ ખસવાની સાથે તરત જ કુતૂહલથી ડોક ઊંચી કરીને અમને જોઈ રહ્યું, કળીઓનાં સમણાંને અમારી ઠોકર વાગી ને હસતી પરીઓએ અમારી આંખો એમના સ્મિતથી આંજી દીધી. ત્યાં એકાએક એ થંભી ગઈ. એ મને ખેંચીને બે ડગલાં પાછળ હઠી ગઈ. મેં સામે જોયું. લીલના પ્રલેપથી અરેબિયન નાઇટ્સના કોઈ જીન જેવું લાગતું ખંડિયેર સામે ઊભું હતું. બે તૂટેલી ભીંતો વચ્ચે કરોળિયાનાં જાળાં હતાં. એ જાળાંમાં પાણીનાં ઝિલાયેલાં ટીપાં ચમકતાં હતાં. એ તરફ આંગળી ચીંધીને એ બોલી: ‘જોઈ પેલી આંખો? જાળાના પડદા પાછળ રહીને એ આમ જ સદા મીટ માંડીને જોયા કરે છે. એ કોઈની રાહ જુએ છે. પણ જેની રાહ જુએ છે તે કદી આવતું જ નથી, આ રસ્તે મધરાતને વખતે સહેજ સરખો પગરવ થાય કે તરત જ એ આંખો ચમકી ઊઠે છે.’ હું અવાક્ બનીને જોઈ જ રહ્યો. ત્યાં એણે મારો હાથ ખેંચ્યો ને પૂર્વ તરફ મને દોર્યો. ઝાડની ડાળીઓ વચ્ચેથી ચળાઈને આવતાં ચાંદરણાંમાં કશુંક લીલું લીલું ચમકી ઊઠ્યું. એ શું હશે તેનો હજી તો હું વિચાર જ કરતો હતો ત્યાં એણે નીચેથી એક કાંકરો લીધો, પેલી બન્ને આંખોને અડાડ્યો, પછી એને હોઠ આગળ રાખીને કશુંક અસ્પષ્ટ બોલીને ફૂંક મારીને કાંકરાને દૂર ફેંક્યો. કાંકરો પડતાંની સાથે, પેલો લીલો વિસ્તાર આખો જાણે કંપી ઊઠ્યો, તરંગો વિસ્તરવા લાગ્યાં. આ હું જોઈ રહ્યો હતો, ત્યાં જ એણે છેક મારા કાન પાસે મોઢું લાવીને સાવ ધીમા અવાજે કહ્યું:

‘હવે ખરું જોવાનું છે. હવે આ તળાવડીની શેવાળની અંદર પુરાઈ રહેતી સૃષ્ટિ જાગશે. કાંઈ કેટલાંય વરસો પહેલાંની વાત. લાખો વણજારો હીરામોતીની પોઠ લઈને જતો હતો. અહીં સામે રાજાનો મહેલ. લાખા વણજારાની સાથે એનો દીકરો ને એના દીકરાની જુવાનજોધ વહુ. બંને તરતનાં જ પરણેલાં. જુગતે જોડી. રાજાની નજર બગડી. તરકટ રચ્યું. વણજારાને માનભેર ઉતારો આપ્યો. આગતાસ્વાગતા કરી, નાચગાન થયા, રંગરાગ ચાલ્યા. દિવસ પછી દિવસ વીતે. વણજારો રોજ કહે; ‘હવે આજ્ઞા આપો, અમે પોઠ ઉઠાવીએ.’ રાજા કહે: ‘શી ઉતાવળ છે?’ એક દિવસ વણજારો રાતે ઊંઘ ન આવવાથી પથારીમાં પાસાં ઘસતો પડ્યો’તો. ત્યાં કોઈકનો પદરવ એણે સાંભળ્યો. એ થોડી વાર તો એમ ને એમ પડ્યો રહ્યો. પછી એ પદરવની દિશામાં ચોરપગલે આગળ વધ્યો. બહાર જઈને જુએ તો ચારે બાજુ પહેરો, છટકવાની બારી નથી. નીચે બે ઘોડા તૈયાર ઊભા છે. રાજા વણજારાના દીકરાવહુના ઓરડા તરફ આગળ વધતો હતો. ત્યાં વણજારાએ પોતાના ફેંટાનો આંટો વાળીને રાજાને ભોંય ભેગો કરી દીધો, ને એને કળ વળે તે પહેલાં દીકરાવહુને ઉઠાડીને રાણીઓને નાહવા માટેની વાવમાં જવાને છૂપે રસ્તે લઈ ગયો. હીરામોતીથી અંગેઅંગ મઢી દીધાં, ને પછી જાતે એક પછી એક પગથિયે દોરીને ઉતારતો ગયો. આખરે બંને પાણીમાં ગરકાવ થઈ ગયાં ત્યારે પાછો વળ્યો. રાજાએ એને કેદ પકડ્યો. વણજારાના દીકરાવહુની બહુ શોધ ચાલી, પણ હીરામોતીના ભારથી એવા તો નીચે બેસી ગયેલાં કે ઉપર આવ્યાં જ નહીં. રાજાનીય પડતી આવી, મહેલ ખંડિયેર થઈ ગયો, પણ એનું ભૂત બેઠું બેઠું હજી રાહ જોયા જ કરે છે, એની આંખો હજી તગતગ્યા જ કરે છે. એના વાળ ઊડીને મારે ગાલે અડ્યા, એને સરખા કરતાં એ બોલી: ‘જો પણે, પેલા હિંડોળે બેસીને કેવાં ઝૂલે છે. ગળામાં સાત સેરનો મોતીનો હાર છે, ને આરસમાંથી કોતરી હોય એવી. પેલી દેખાય છે ને તે વણજારાની વહુ. ધોળો રેશમી સાફો ને અંદર શાહમૃગનું પીંછું ખોસીને પાન ચાવતો ચાવતો સાથે ઝૂલે છે તે એનો દેવકુંવર જેવો દીકરો.’ ત્યાં વળી એ અટકી ગઈ, ક્યાંક કશોક અવાજ થયો, પાસેના ઝાડનાં પાંદડાં પરથી ટીપાં સર્યાં; એ બોલી: ‘જો જો, આ બધી નૃત્યાંગનાઓ આવી. હવે નૃત્ય શરૂ થશે. સંગીતનો જલસો જામશે. જો ઝાંઝર રણક્યાં, સાજ બજવો શરૂ થયો. આહા, શો માલકૌંસ ઝરપી રહ્યો છે. મૃદંગની થાપ, ઝાંઝરનો રણકાર…’ એ બોલ્યે ગઈ. એના પગ સળવળી ઊઠ્યાં. કશીક અકળ ભીતિથી મેં એને મારી પાસે ખેંચી લીધી… લગભગ પરોઢને સમયે અમે પાછા ફર્યા ત્યારે એ માયાવી સૃષ્ટિમાંનાં ભૂલાં પડેલાં પ્રવાસી જેવાં અમે બે જાણે સાવ અજાણી દુનિયામાં આવી ચઢ્યાં હોઈએ એવું લાગતું હતું.

…ઘણાં વરસો પછી હું એને મળવા ગયો. કરોડરજ્જુના ક્ષયથી પીડાતી એ ઇસ્પિતાલમાં પથારીવશ હતી. મને જોઈને એની આંખ ચમકી ઊઠી. એના હાથપગ સળવળી ઊઠ્યા. એ બેઠી થવા ગઈ, બાજુમાં ઊભેલી નર્સે એને સુવડાવી દીધી. એણે પાસેના ટેબલ પર પડેલાં મોસંબીનાં બે બી લઈને એક પછી એક સામેની કાચની બારી પર ફેંક્યાં. હું સફાળો ઊભો થઈ ગયો. એણે મારો હાથ ખેંચીને પાસે લીધો. પોતાની આંગળીથી મારી હથેળીમાં લખ્યું: ‘રાક્ષસ!’