ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બોકાહો
બોકાહો
નાઝીર મનસૂરી
બોકાહો (નાઝીર મનસૂરી; ‘ગૂર્જર ગ્રામચેતનાની નવલિકાઓ’, સં. રઘુવીર ચૌધરી અને અન્ય, ૧૯૯૮) તોફાની વાવડામાં સપડાયેલા ટંડેલ જીવાના બોકાહાભર્યા અવસાન પછી વિધવા ખારવણ પાનીની સાસુ તેનું દેરવટું વિસરામ સાથે કરાવવા ઉતાવળ કરે છે. વિસરામ પણ મા સમાણી ભાભી અને હવે વહુ થયેલી પાની ક્યાંક પલીતાં ન પાઈ દે - એના ભયથી એ છેટો રહે છે. એક તોફાની સાંજે માછલાં પકડવા ગયેલો વિસરામ પલીતાંના ભયથી મારગ ભૂલી જીવો જ્યાં બોકાહા પાડી પાડીને મર્યો હતો એ જ જીવલેણ કોતરવાળા ભાડના ભોણમાં ઠેબું ખાઈને પડે છે. એના રાતભર સંભળાતા બોકાહા પાનીને જીવાના બોકાહાનું સ્મરણ કરાવે છે. પલીતાનો ભય અને અપ્રગટ વાત્સલ્યપ્રેમના તાણાવાણાથી પાત્રોની જટિલ મનઃસ્થિતિનું અહીં સંકુલ નિરૂપણ થયું છે.
ઈ.