ગુજરાતી નારીસંપદા : કવિતા/એકલા વરસાદથી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
એકલા વરસાદથી

રિન્કુ રાઠોડ ‘શર્વરી’

એકલા વરસાદથી પાણી થશે,
તું વરસશે તો જ સરવાણી થશે.
પુષ્પ તો સુગંધ વ્હેંચીને ખર્યાં,
તોય અત્તરનીય ઉઘરાણી થશે.
તાપથી જે દૂર રહી કાચી વયે,
એ જ ગાગર સૌપ્રથમ કાણી થશે.
દોસ્ત, મ્હેફિલમાં ગઝલ કહેતા રહો,
સાવ અંગત વેદના લ્હાણી થશે.
દીપનો સંકલ્પ કે ઝળહળ રહે,
સર્વ ઝંઝાવાત ધૂળધાણી થશે.

***