ગુજરાતી નારીસંપદા : કવિતા/કોઈ કહેજો
કોઈ કહેજો
કિરણ જોગીદાસ ‘રોશન’
⯐
કોઈ કહેજો જઈ રાતને થોભે જરી
સૂરજ બેઠો છે સાંજને મોભે ચડી... કોઈ.
તડકો પહેરીને એ ગ્યો’તો સવારનો
તે આવ્યો છે હમણાં નિરાંત લઈ,
આભની તે ઓસરીએ ઉડ્યો ગુલાલ એમ
જાણે રંગોળીની ભાત થઈ,
તડકો ઉતારી હજી બેઠો એ હમણાં
ને હમણાં નિરવતાને ખોબે ભરી... કોઈ.
અવની પણ થઈ શાંત સરવરની જેમ
જે વહેતી’તી દિનભર ખળખળ,
મનનું પંખી આવી માળવે બેઠું ત્યાં
રોમરોમ જાણે કે ઝળહળ,
સંધ્યાના સોનેરી પાલવની સોડમાં
ઈચ્છાને કહેજો કે પોઢે જરી... કોઈ.
સાંજના સિંદૂરી આસન ઉપર જુઓ
વૃક્ષો પણ બેઠાં છે ધ્યાનમાં,
પંખીના કલરવની વાગી રે નોબતો ને
પછી નિરવતા ગુંજે છે કાનમાં,
આથમણે આભથી કંકુ ઢોળાય,
ધરતી ઝીલે એને દોથે ભરી... કોઈ.
***