ગુજરાતી નારીસંપદા : કવિતા/રંગસૂત્રોની જોડી...

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રંગસૂત્રોની જોડી...

રાધિકા પટેલ

આજે ભલે તું-
મોં ફેરવી-આંખો બંધ કરી લે…
કાલે સવાર પડતાં જ-
હું સૂર્યનું પહેલું કિરણ બની
તારે આંગણે ઉતરીશ.
તારા ઓરડામાં અજવાળું બની પથરાઈ જઈશ.
તારે-
તારી આજુ-બાજુની સજીવ-નિર્જીવ વસ્તુ પર
દૃષ્ટિપાત કરવા માટે
ફરજિયાત પણે
મારી આર-પાર નીકળવું પડશે...!!

જો કોઈ કારણસર
તું આંખો નહીં ખોલે તો;
હું કિરણથી વિખૂટી થઈ-
તારી આસપાસની હવામાં
સુગંધ બની ફેલાઈ જઈશ.
પછી, તારા શ્વાસ મારફતે તારા ફેફસાંમાં- અને તારા
હૃદય સુધી પંહોચી જ જઈશ..!
તારી રક્તવાહિનીઓમાં ફેલાઈને
તારા શરીરના કરોડો કોષોમાં-હું
મારું ઘર બનાવીશ..!
અને છેવટે એ કરોડો કોષોના
કોષ કેન્દ્રમાં જઈ ચિતરાઈ જઈશ.
રંગસૂત્રોની એ જોડીને
તું અલગ કરીને બતાવજે...!!!

***