ગુજરાતી નિબંધ-સંપદા/આનંદશંકર બાપુભાઈ ધ્રુવ/મૃત્યુનું ઓસડ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મૃત્યુનું ઓસડ

આનંદશંકર બાપુભાઈ ધ્રુવ




ગુજરાતી નિબંધસંપદા • મૃત્યુનું ઓસડ - આનંદશંકર ધ્રુવ • ઑડિયો પઠન: ક્રિષ્ના વ્યાસ

કિસા ગોતમી નામે એક સુંદર યુવતી એક ધનાઢ્ય યુવાનને પરણી હતી અને એનાથી એક સુંદર બાળક જન્મ્યું હતું. બાળક હરતું-ફરતું અને દોડતું થયું, એટલામાં તો બિચારું કાળના મોંમાં ઝડપાઈ ગયું! માતા આ બનાવથી ગાંડા જેવી થઈ ગઈ અને ‘કોઈક આને ઓસડ આપે અને જીવતું કરે’ એવી આશાથી બાળકના શબને હાથમાં લઈને એ શેરીએ શેરીએ ભટકી.

રસ્તામાં એક બૌદ્ધ ભિક્ષુ મળ્યો. એને કરગરીને કહ્યું, “મહારાજ, મારા બાળકને કાંઈક ઓસડ આપો અને જીવતું કરો.” ભિક્ષુએ કહ્યું, “બાઈ, આનું ઓસડ મારી પાસે નથી. પણ અમારા એક ગુરુ ગૌતમ બુદ્ધ કરીને છે એમની પાસે જઈશ તો એ કાંઈક આપશે.”

કિસા ગોતમી એમની એમ બાળકને લઈ ગૌતમ બુદ્ધ પાસે ગઈ અને કહ્યું, “ભગવન, આપ સમર્થ છો: મારા બાળકને કાંઈક ઔષધ આપીને જીવતું કરો.” ગૌતમ બુદ્ધે જવાબ દીધો, “બાઈ, આ બાળકને અહીં સુવાડ અને હું કહું તેવી થોડીક રાઈ લઈ આવ, તો તારું બાળક જીવતું કરું.” આ ઉત્તર સાંભળીને બાઈ હરખાઈ અને આશાભરી રાઈ લેવાને જતી હતી ત્યાં બુદ્ધ ભગવાને કહ્યું, “બાઈ, આવા મંગળ કામને માટે અમંગળ રાઈ ન જોઈએ, માટે એવાને ઘેરથી લાવજે કે જેના ઘરમાં કોઈ સગુંવહાલું કદી મરી ગયું ન હોય.”

બાઈથી પુત્રના શબનો વિરહ સહન થઈ શકતો ન હતો અને તેથી વિકળ બનેલી એ બાઈ મૃત બાળકને હાથમાં લઈને બુદ્ધ ભગવાને કહી હતી તેવી રાઈ લેવા ચાલી. એક ઘેર ગઈ ત્યાં ઘરવાળાએ કહ્યું, “બાઈ, રાઈ તો છે પણ તું કહે છે તેવી નથી. મારે ઘેર મહિના ઉપર એક જુવાન પુત્ર મરી ગયો છે! માટે લાચાર છું.” કિસા ગોતમી બીજે ઘેર ગઈ, ત્રીજે ઘેર ગઈ, એમ સેંકડો ઘેર ભટકી: કોઈક ઠેકાણે છોકરો તો કોઈક ઠેકાણે છોકરી, કોઈક ઠેકાણે ધણી તો કોઈક ઠેકાણે વહુ, કોઈક ઠેકાણે ભાઈ તો કોઈક ઠેકાણે બહેન, કોઈક ઠેકાણે બાપ તો કોઈક ઠેકાણે મા, એમ જ્યાં જ્યાં તપાસ કરી ત્યાં કોઈનું કોઈ મરી ગયેલું જ જાણવામાં આવ્યું.

કિસા ગોતમી ગૌતમ બુદ્ધ પાસે આવી અને સર્વ હકીકત કહી. ગૌતમ બુદ્ધે આ અનુભવનું મર્મ – સ્નેહી ને સંબંધીના મરણ વિના કોઈનું પણ ઘર નથી, જે જન્મ્યું તે મરવાનું જ છે અને પદાર્થ માત્ર નાશવંત છે, એ સિદ્ધાંત – કિસા ગોતમીને સમજાવ્યું.

કિસા ગોતમી સંસાર છોડી ભિક્ષુણી બની ગઈ.