ગુજરાતી નિબંધ-સંપદા/કિશનસિંહ ચાવડા/સંવેદનાનો શિલ્પીખ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સંવેદનાનો શિલ્પીખ

કિશનસિંહ ચાવડા




ગુજરાતી નિબંધસંપદા • સંવેદનાનો શિલ્પીખ - કિશનસિંહ ચાવડા • ઑડિયો પઠન: મનાલી જોષી

એ વખત ઑલ ઇન્ડિયા રેડિયો, વડોદરાના સ્ટેશન-ડિરેક્ટર શ્રી પરાશરની યોજનાથી એવું ઠર્યું કે ખાંસાહેબ મલ્હારનાં ચારે સ્વરૂપો ગાય. દરેક સ્વરૂપનું વાતાવરણ પણ સરજવામાં આવે અને સાથે સાથે એ સ્વરૂપોનાં સૌંદર્ય અને સંવેદનાનો મર્મ પ્રગટ એક દોડતી વિવેચના થતી જાય. વડોદરા રેડિયોના કલાકારોનું ઑરકેસ્ટ્રા ખાંસાહેબના સૂરની પાછળ પાછળ ચાલે. મલ્હારનાં ચારે સ્વરૂપ વિશે વિવેચનો કરવાનું મારે ભાગે આવ્યું એટલે ખાંસાહેબની સાથે મલ્હારનાં એ ચારે સ્વરૂપો વિશે બહુ જ રસભરી ચર્ચા થઈ ખાંસાહેબે દિલ ખોલીને મલ્હાર રાગની શક્તિ અને અસર વિશે ઘણી રોમાંચક વાતો કહી; અને જુદા જુદા સ્વરૂપની તરજો ગાઈને એના વાતાવરણની હવા બાંધી આપી. મલ્હાર મેં ઘણા કલાકારો પાસેથી સાંભળ્યો હતો. પણ ખાંસાહેબ પાસે મલ્હારનાં ચાર સ્વરૂપો સાંભળીને અંતર ભરાઈ ગયું. જે રાતે એમણે ગાયું તે રાત વર્ષાઋતુની હતી. હું ભૂલતો ન હોઉં તો શ્રાવણનો મહિનો હતો.

મેઘમલ્હારની સૂરાવલી હૃદયના ધબકારા સાથે તાલ દેતી દેતી નીકળી. પાવસઋતુમાં દુલ્હનના અંતરમાં પ્રિયતમની યાદ જાગી. પણ પ્રિય તો ઘેર નથી. મેઘ ગરજે છે. કાળી ધનઘટાઓ બિહામણી બનીને ચઢી આવી છે. રેન અંધારી છે. વીજળી લપકારા મારે છે. પણ પ્રિયતમની યાદ વધારે ને વધારે વિહ્વળ કરી મૂકે છે. હૈયું પિયુ પિયુ ઝંખે છે. મિલનની આતુરતા અકળાવી મૂકે છે. પ્રાણ બહાવરો બની જાય છે. દુલ્હન આવી કાળી રાતે પણ પિયુમિલનનો નિશ્ચય કરે છે.

અને સૂરાવલિ પલટો લે છે. મિયાંમલ્હારના તલસાટભર્યા વિવશ સૂરોથી દુલ્હનના અંતરમાં માત્ર એક જ કામના ચક્રવર્તી બની રહે છે પિયમિલન. એણે નિશ્ચય તે કર્યો પ્રિયતમને મળવાનો, પરંતુ ગળીના ચમકારાનાં પ્રકાશમાં કાળી દેખાતી વાદળાઓ ચોધાર આંસુએ રડતી હોય તેમ ગરજી ગરજીને મેહ વરસે છે. આ મુશળધાર વરસાદમાં, કારમા અંધકારમાં અને મધરાતના સૂનકારમાં હૈયું પિયમિલનને માટે વધારે ને વધારે તલસે છે. ત્યાં તો સૂનકાર અને શાંતિ વીંધીને પપૈયા પિયુ પિયુની રટ લગાવે છે અને તલસાટ અસહ્ય થતાં દુલ્હન નીકળે છે પ્રિયતમને મળવા.

સૂરમલ્હારના સૂરોનો ફુવારે ઊડે છે. મેહ વરસી રહ્યો છે. ક્યારેક મુશળધાર પડે છે, ક્યારેક ઝરમર ઝરમર વરસે છે. ઈશાન ખૂણામાં વારંવાર વીજળી ઝબૂકે છે. પરંતુ કોઈનો ખ્યાલ કર્યા વિના, કોઈથી ડર્યા વિના દુલ્હન તો ચાલી જાય છે પ્રિયતમને મળવા. એના હૈયામાં એક જ ઝંખના છે, એના અંતરમાં એક જ આતુરતા છે અને તે પોતાના અંતરદેવતામાં સમાઈ જવાની. આલિંગનની આ ઉત્સુકતા એને બળ આપે છે, ત્યાં તો આશાની યાદ આપતી કોયલ બોલે છે. પપૈયો સાથ આપે છે. દુલ્હનની છાતી ધડકે છે, બેચેની પીડે છે અને એ આગળ ચાલે છે. એક જ ધૂન છે, એક જ ધ્યેય છે પ્રિયતમ-મિલનનું.

“બલમા બહાર આઈ’ બોલતી ગૌડમલ્હારની સૂરાવલિ ઊછળે છે. વરસાદ થંભી ગયો છે. વાદળાં વીખરાઈ ગયાં છે. અંધકાર ઓછો થયો છે. અંધારાના સાથી બેપાંચ તારાઓ પણ બહાર નીકળ્યા છે. દુલ્હનના અંતરમાં ત્યાં આશાનો સંપૂર્ણ ઉદય થયો છે કે હવે પ્રિયતમને મળી લેવાશે, આતુરતા શમશે, પ્રાણની બેબસી ઓસરી જશે, મન જંપશે અને મિલનની શૈયા ઉપર અંતરાત્મા સ્વર્ગ અનુભવશે. ત્યાં તો કોયલ ટહુકે છે, મયૂર ગહેકે છે, પપૈયા બોલે છે અને સામેથી પ્રિયતમ આવે છે. દુલ્હનને પોતાનો બાલમ મળે છે. એનું હૈયું ઊછળી પડે છે.

પાવસની આ બહારમાં પિયા અને પ્રિયતમનું અદ્ભુત મિલન થાય છે. ગૌડમલ્હારના સૂરોની હૂંફમાં બંને આનંદની મૂર્છા પામે છે. મલ્હારનાં ચારે સ્વરૂપો ફૈયાઝખાંએ ગાઈને પોતાના અંતરને સંવેદનાની ભરતીઓટથી ઝબકોળ્યું, પણ મારા અંતરજગતમાં પણ મલ્હાર છલકાવી દીધો. સંવેદનાના આ શિલ્પીને હું નમવા જતો હતો ત્યાં એમણે મને ઉઠાડીને છાતી સરસા ચાંપી દીધો. (‘અમાસના તારા’, ૧૯૫૭)