ગુજરાતી નિબંધ-સંપદા/ગીતા નાયક/ઘાટકોપર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઘાટકોપર

ગીતા નાયક

આજે સાડાછએ ઉઠાયું. મોડું થયું. નવ વાગતાં સુધીમાં સ્ટેશન પહોંચવું પડશે. ઉતાવળ કરવા માંડી. બાજુના ઘરમાં, બાબુરાવ રહે. આજે અત્યારથી જ એમણે પત્નીને ઢીબવા માંડી હતી. બાબુરાવની આમ તો આ છઠ્ઠી પત્ની ગણાય. માલતી એનું નામ. સાગના સોટા જેવી પાતળી, ઊંચી ને ચંપા જેવું રૂપ. ઇચ્છતી હતી, આ સ્ત્રી ટકી જાય તો કેવું સારું? બાબુરાવ ભણેલા, રેલવેમાં ઊંચી પાયરીએ નોકરી. રત્નાગિરિના દૂરના ગામડે જાય. રુઆબ છાંટી રૂપાળી સ્ત્રી પરણી લાવે. મુંબઈ શહેરની વાતો પેલીને તાણી લાવે. પોતે કાળા, ઊંચા ને સુકલકડી. ઇસ્ત્રીટાઇટ ધોળાં કપડાં પહેરે. વાળમાં ફુગ્ગા પાડે ને કડક કોલર ડોકથી વાળે નહીં. જ્યારે જુઓ ત્યારે દેવ આનંદ. મકાનમાં કોઈ સાથે બોલે નહીં. હું શિક્ષિકા એટલે નમસ્તે કરે, સામસામાં મળી જઈએ ત્યારે, બસ એટલું જ. પાડોશીઓમાં એમની પત્ની બદલવાની ટેવ વિશે જેમ વાતો થતી એમ જાતજાતનાં પશુ-પક્ષીઓને પાળવા વિશે પણ વાતો થતી. અમારા સહુના આશ્ચર્ય વચ્ચે એમના ઘરમાં એકી વખતે કદાવર કૂતરો, ઘુરકિયાં કરતી બિલાડી અને ગભરુ સસલું સાથે રહેતાં. ઘરમાં બે-ચાર પીંજરાં તો ખરાં જ. પોપટ ને બીજાં નાનાંમોટાં પક્ષીઓ એમાં રહે. બે ઓરડાના પીંજરામાં પત્નીને રાખે. સંગ્રહાલયમાં સહુથી સુંદર એ સ્ત્રી હોય. બાબુરાવ ભેદી લાગતા. જ્યારે પણ નવી પત્ની લઈ આવતા ત્યારે અમને બધાંને એનો ચહેરો જોવાનું કુતૂહલ જાગતું. એમની પસંદગી માટે મનોમન દાદ અપાઈ જતી. પહેલી પાંચેયને હર્ષભેર, કાળા તો કાળા, છેલબટાઉ વરને પામ્યાની ધન્યતા સાથે આવેલી અમે જોઈ હતી. આવતી કાલે નવીનકોર સાડી ને લાલચટ્ટક ચાંદલામાં શોભતી ને જતી ત્યારે ચોળાયેલાં કધોણાં લૂગડાંમાં ડૂચો બનીને જતી. ત્રીજા નંબરની સ્ત્રી ગોરી ને માંજરી આંખોવાળી હતી. આકર્ષક રૂપ. ત્રાટક કરે તો ભલભલા ચળી જાય. એવી એને પણ નાના દીકરાને કાખમાં લઈ રડતી આંખે જતી જોઈ. નિસાસો નીકળી ગયો હતો. દરેક વખતે એકબે વરસ બધું ઠીક ચાલે. પછી કોઈ ને કોઈ બહાને મારઝૂડ શરૂ કરે. હદ વટાવે ત્યારે પેલી આપઘાત કરવાને બદલે પિયર મૂકી આવવા વીનવે. એને હંમેશ માટે મૂકી આવે. વળી નવી લઈ આવે. કહે કે પરણી લાવ્યો છું. આમ એકાએક એકને છોડી બીજી લાવવામાં એમને કેમ કોઈ કાયદા નડતા નહીં હોય? બધી પત્ની માટે એક નિયમ સરખો રહેતો. પાડોશીઓ સાથે ક્યારેય વાતચીત કરવાની નહીં. હું બાજુના ઘરમાં તોય મહિનેમાસે માંડ મોઢું જોવા પામું. પણ આ માલતી ખરી હતી. ઉંમરમાં નાની ને રમતિયાળ, કોણ જાણે કઈ રીતે એને મારા રોજના જવા-આવવાના સમયની ભાળ મળી ગઈ. કોઈક બહાને કે ચોરીછૂપીથી જરાસરખું બારણું ખોલી એની આડશમાં હસી લે… જાણે ચંદ્રનો ઉજાસ! બાબુરાવ બહાર હોય ત્યારે ઝીણા ઝીણા ઇશારાથી મળી લે. થોડા દિવસ થાય કે એનું આવું છાનું છાનું મળવાનું હુંયે ઝંખ્યા કરતી. જેને જોતાં જિંદગી પસાર થઈ શકે એવી માલતીને આ પુરુષ નહીં જ કાઢી મૂકે. પણ એ રામ તો એના એ. થોડા દિવસથી મારવાનું, ટીપવાનું ચાલતું હતું. પહેલાં હાથથી, પગની લાતોથી, વાળ પકડી પછાડે ને પછી લાકડીથી ફટકારે. માલતી હજુયે બારણું ખોલી મંદ મંદ હસી લેતી હતી. અમારી પેલી ઝીણી મુલાકાતો ઠરવા માંડી હતી. એના ચહેરા પર વાદળો જોઈ અકળામણ થતી રહેતી. મારપીટ વખતે બારણાં બંધ હોય, એને ઠપકારી બાબુરાવને શાંત પાડવા પડોશીઓ મથતા રહેતા.

આજે ચીસાચીસ વધી પડી હતી. પરાણે રસોઈમાં મન પરોવેલું રાખ્યું. એકાએક ધડામ અવાજ થયો. માલતીથી સહન ન થયું તે લાગ મળતાં બારણું ખોલી બહાર ધસી આવેલી. મને જોતાં જ વળગી. એને પકડું પકડું ત્યાં હાથમાંથી સરતી ગઈ ને ભોંય પર ઢગલો થઈ ગઈ. બધાં હેબતાઈ ગયાં હતાં. આજે તો હદ થઈ હતી. બાબુરાવ પાસે હું કઈ ઘડીએ પહોંચી, એમના હાથમાંથી લાકડી ઝૂંટવી, દાદરાના કઠોડે એક ઝાટકે પછાડી બે ટુકડા ક્યારે કર્યા તેય ખ્યાલમાં નથી. બાબુરાવ તરફ આગળ વધું ત્યાં મારા પગે માથું ઘસતી માલતીને જોઈ અટકી. માથે સાડલાની ફાટેલી કોરમાંથી ઊંચકાઈ આવેલા વાળ, આંખ પાસે ચકામાં, ખરડાયેલો ચહેરો, મોઢામાંથી લોહી નીંગળે. વાંસામાં સોળ, એ તો ઠીક પણ છાતીમાં વાગેલી લાતોથી એને શૂળ ઊપડ્યું હતું. રડતી જાય, ચીસો નાખતી જાય. પીંખી નાખી હતી એને! આજુબાજુવાળાએ બાબુરાવને ઝાલ્યા, વરસોની ખીજ કાઢવા માંડી. પોલીસ બોલાવી. ઇન્સ્પેક્ટરને પરિસ્થિતિ સમજાવી ફરિયાદ નોંધાવી. થાય એટલી આકરી સજા ફટકારવાના અનુરોધનો આદર કરતી પોલીસ બાબુરાવને ઠેબે દેતી લઈ ગઈ. બસ બહુ થયું! માલતીની વેડફાયેલી જિંદગીમાં ક્યાંક જાણે અમે પણ ગુનેગાર હતાં. હવે પછી, દૂરના કોઈ અજાણ મુલકની અજાણી સ્ત્રીની જિંદગી ન રોળાય એની જવાબદારી સ્વીકારવી હતી. બાબુરાવનાં અત્યાચાર, અવહેલનાનો ભોગ બનતી રોકવી હતી. પોલીસચોકીએ જઈ નિવેદન લખાવીશ, એફિડેવિટ કરાવીશ, પાડોશીઓને સહકાર આપવા સમજાવીશ. માલતીને મેં પાંખમાં લીધી. કેમેય કળ વળતી નહોતી. નવ ને પંદરની ફાસ્ટ ચૂકી જવી પાલવે તેમ નહોતી. હાથ કહ્યામાં નહોતા. માલતીને ગામડે તાર કરાવ્યો. ભાઈઓને સોંપવી પડશે. સારવાર કરાવી કલાકેક પછી માલતીને હું પાછી આવું ત્યાં સુધી સવિતાબહેનને ત્યાં સુવડાવી. જેમતેમ કામ આટોપ્યું.

હજુ રહી રહીને હાડમાં ધ્રુજારી આવી જતી હતી. પરીક્ષાના દિવસો, રજા લેવાય તેમ નહોતું. પર્સ પકડી નવ વાગે દાદરો ઊતરી. રિક્ષા કરીને સ્ટેશને આવી.

સેન્ટ્રલ રેલવેમાં ગાડી નિયમિતપણે અનિયમિત દોડે. આજેય એમ જ ગાડી આવી. કૂદીને દાંડો પકડ્યો. ચિક્કાર ગરદી. બારણે લટકવા સિવાય આરો નહોતો. થોડી વારે ગાડી ગતિ પકડે એવામાં બાજુમાં ઊભેલી બે જણીઓ ધીમી ચીસો ને સિસકારા બોલાવે. એક બાઈના માથાની ક્લિપ નજીક ઊભેલી છોકરીના કાનની કડીમાં ભેરવાઈ ગઈ હતી. બન્ને એકબીજાને ખેંચે-તાણે. કંઈ વળે એમ નહોતું. એમને મદદ કરવા એક હાથ કામે લગાડવો પડે. કેમ કરવું? દાંડા ફરતે હાથને કોણીથી વાળી, ભીડી, પેલી બાઈના માથાની ક્લિપ ખોલી કડી છુટ્ટી કરી. છોકરીના કાનની બૂટમાંથી લોહી દદડતું હતું. એની આંખો છલકાતી હતી. કાન પર રૂમાલ દાબી ડૂસકે ચડી હતી. મેં મોઢું બીજી દિશામાં ફેરવી દીધું. આજે આમ ચીસો સાંભળવાનો ને લોહી જોવાનો દિવસ ઊગ્યો છે કે શું?

વી.ટી. સ્ટેશન આવ્યું. ધક્કાભેર નીચે ઊતરી જવું પડ્યું. બસ સ્ટેન્ડે આવી લાંબી કતારમાં ઊભી. પાંચમી બસમાં નંબર લાગ્યો. બસમાં ચડી. કંડક્ટરને પાંચની નોટ ધરી. જાણે સોની કે પચાસની નોટ આપી હોય એમ કંડક્ટર તાડૂક્યોઃ છુટ્ટા આપો નહીં તો ઊતરી જાવ. એના નફ્ફટ ફરમાન સામે સ્ત્રી-પુરુષનો ભેદ નહીં. પુરુષસમોવડી બનવાના અભરખામાં આવું બધું તો નિભાવી લેવાનું રહે પણ બહુ થયું આજે. છંછેડાઈને ઊતરી પડી. કૉલેજની દિશામાં સડસડાટ ચાલવા માંડ્યું. બાબુરાવે, પછી કંડક્ટરે મનમાં પૂરતી ગૂંગળામણ ભરી દીધી. માથે સૂરજનો તાપ. મારી આંખોમાં બળતરા ને પાણી ઊભરાતાં હતાં.

કૉલેજ પહોંચી. કૉલેજના દરવાજામાંથી પસાર થતાં, રોજ જે ગૃહિણીમાંથી અધ્યાપિકાના પાઠમાં સહેલાઈથી આવાગમન થતું તે આજે, સહેલું નહોતું. કામમાં મન પરોવતાં મુશ્કેલી પડતી હતી. માલતીનો ચહેરો સીલબંધ પેપરો ગોઠવતાં વચ્ચે ડોકિયું કરી જતો હતો. ટેબલ પર ચા ઠંડી પડી રહી હતી. એમાં માખી પડી, વૉશબેસિનમાં રેડી દીધી. કબાચ બંધ કરી પર્સમાં ચાવી મૂકતાં ઘડિયાળમાં જોયું. બે વાગવા આવ્યા હતા. લાઇબ્રેરીમાં બેસવાનું માંડી વાળ્યું. વી.ટી. આવી. અત્યારે તો ગાડીમાં બેસવાની જગા મળી જશે. બારી પાસે બેસીશ. પ્લૅટફૉર્મ પર કલ્યાણ લોકલ ઊભી હતી. બારી એક પણ ખાલી નહીં. બીજી બેઠકની પસંદગી કરવી પડી. પર્સમાંથી પુસ્તક કાઢ્યું.

મારી બાજુમાં બેઠેલી અને સામે બેઠક લીધેલી એ બન્ને મરાઠીમાં ધીમેથી વાતો કરતી હતી. ફોર્ટની કોઈ બૅંકમાં સાથે નોકરી કરતી હશે. ઘરે જતી હતી. મેં પુસ્તક ઉઘાડ્યું. એવામાં, કાલે મારે ત્યાં સરસ્વતીપૂજન છેઃ એવું સંભળાયું. સરસ્વતીપૂજન? મનમાં અજવાળું થયું? આસ્થાપૂર્વક આ શબ્દ ઉચ્ચારનારી કોણ હતી? શરમ છોડી, મેં બાજુવાળીને ધારીને જોઈ.

ત્રીસેકની ઉંમર. ગોળમટોળ મોઢું. હસતા હોઠ. તેજ આંખો. મુંબઈની નોકરી અને એની હાડમારીએ બહેનપણીના ચહેરે હતા એવા ચાસ એના ચહેરા પર હજુ તો નહોતા પડ્યા. સામેવાળી એના જેવડી હશે છતાં લાગતી હતી મોટી. આંખોમાં ફીકાશ અને ભૂખરા પડેલા વાળ. એવી એનેય અત્યારે તો પેલીનો ઉમંગ અડી ગયો. ઉત્સાહમાં નજીક સરકી આવીઃ સરસ્વતીપૂજન? એમાં શું શું કરશો? મારો પ્રશ્ન એણે પૂછ્યો.

બારીક જરીવાળી હૅન્ડલૂમની સાડી એણે પહેરી હતી. ભરચક લીલી બંગડીઓ રણકાવતી ભરાવદાર માંસલ હાથે બાજુમાં મૂકેલી વજનદાર થેલી લાડથી ખોળામાં ગોઠવી, એણે કહેવા માંડ્યું. આવતી કાલનો મંગલ પ્રસંગ જાણે અહીંથી જ એ આરંભી બેઠીઃ

મહારાષ્ટ્રીયન કે કોંકણી કુટુંબની હોવી જોઈએ. ઘરમાં સાસુ, સસરા, પોતે બે જણ ને સંતાનમાં એક પુત્ર. આવતી કાલે ત્રણ વર્ષ પૂરાં કરી ચોથા વર્ષમાં પ્રવેશશે. એના જન્મદિને જ એ વિદ્યાભ્યાસ શરૂ કરશે અને એ માટે સરસ્વતીના આશીર્વાદ મેળવવાની વિધિ રૂપે પૂજા થશે. કાલે ઘરમાં બધાં, બાળક સુધ્ધાં વહેલી સવારે ઊઠી જશે. માથાબોળ નાહી સાસુમા અને પોતે નવી કોરી રેશમી સાડી પહેરશે. ઘણા વખતે સાસુના આગ્રહથી નાકમાં મોતીની ઝૂલવાળી નથણી પહેરવાની છે એ વાતે લાડવા જેવું એનું મોં મલકી ગયું. દીકરા માટે ભરત ભરેલો નવો ઝભ્ભો અને લાલ પંચિયું સિવડાવ્યાં છે. ખાદી ભંડારમાંથી આભલાવાળી નવી ટોપી ખરીદી છે. શુભ અસવરે નવી ચાંદીની કંકાવટીયે લીધી છે. ઘરમાં દેવસ્થાન સામે પંડિતજી પૂજા કરાવશે. પૂજા દરમિયાન મહેમાનો માટે કર્ણપ્રિય સંગીતની કૅસેટો પસંદ કરવાની જવાબદારી એના પતિએ ઉપાડી છે. સસરાજી સંસ્કૃત શ્લોકોના શુદ્ધ ઉચ્ચારના આગ્રહી એટલે પૂનાથી વિદ્વાન બ્રાહ્મણ તેડાવ્યા છે. વિધિ સુંદર છે. પતિ-પત્ની ગણપતિપૂજન કરી પાટલા પર નવગ્રહોની સ્થાપના કરશે. નાગરવેલના પાન પર એક એક સોપારી મંત્રોચ્ચારથી ગ્રહની સ્થિતિ ગ્રહણ કરશે. પછી દીકરો સરસ્વતીની ચાંદીની મૂર્તિની સ્થાપના અને પૂજન કરશે. સામે લાલ પાટલા પર ચોખાની ઢગલી થશે. ઘરનાં તમામ સ્વજનોથી વીંટળાયેલો બાળક પહેલી વાર પિતાનો હાથ ઝાલી, એમાં આંગળીથીઃ ૐ લખશે. આ ‘ૐ’માં જેટલા ચોખા સમાય તેટલાનો ભાત દૂધમાં રંધાશે જે બાળકને જમાડાશે. બાકીના ચોખા મંદિરમાં ધરાવાશે. સાસુમા એને મંદિરે લઈ જશે અને પોતે મહેમાનોના જમવાની વ્યવસ્થામાં રહેશે. બાળક પર પોતા જેટલો જ હક્ક દાદીમાનો છે એ વાત એણે સરળતાથી સ્વીકારી હોય એવું લાગતું હતું. બે કલાકને અંતરેથી રોજ નોકરી કરવા નીકળી પડતાં માબાપની ખોટ આ દાદા-દાદી જ તો પૂરતાં હતાં. પોતાનું બાળક નક્કર વાત્સલ્યભર્યા વાતાવરણમાં, ખુલ્લી જમીનમાં ખીલતા છોડ જેમ, ઊછરી રહ્યું છે, એ હકીકતથી એ અજાણ નહોતી. હૂંફાળા ખોળામાં વાર્તાઓનો ખજાનો ઠલવાતો હતો. દાદાની આંગળીએ અનેક ફૂલછોડની ઓળખ બાળક પામતો હતો. દાદીના કંઠે અને હારમોનિયમ પર રમતી આંગળીઓએ નાનપણથી બાળકને મરાઠી ભક્તિપરંપરાની ને અભંગોની ઓળખ કરાવી હતી.

આમ તંદુરસ્તી અને સ્વાસ્થ્ય પામેલા પુત્રના ઉછેર માટે એને સંતોષ હતો. એ પુત્ર વિદ્વાન બને એ માટે આવતી કાલે ખોળો પાથરી એ સરસ્વતીને વિનવવાની હતી. સંસ્કારી હર્યાભર્યા ઘરમાં એ સુખી હતી. ખુશ હતી.

મારું ઊતરવાનું સ્ટેશન આવી રહ્યું હતું. હાથમાં ખુલ્લું રહી ગયેલું પુસ્તક બંધ કરી પર્સમાં મૂક્યું. સાડીને ગડીબંધ જકડી રાખતી સેફ્ટીપિન કાઢી પર્સમાં મૂકી. ગડી ખોલી પાલવ છુટ્ટો કર્યો. હાથ પરથી ઘડિયાળ ઉતારી પર્સના ચેઇનવાળા ખાનામાં મૂકી પર્સ બંધ કરી અંબોડો છોડી ફરીથી થોડો ઢીલો વાળ્યો. મેં જોયું કે બન્ને સખીઓ વાતોમાં ગળાડૂબ હતી. હુંયે એમની વાતોમાં ડૂબકી મારી તરબોળ થઈ હતી. મનોમન આવજો કરી ઘાટકોપર ઊતરી.

ઘરે માલતી રાહ જોતી હશે. સ્ટેશન બહાર ભૈયા પાસેથી કેળાં ને ચીકુ ખરીદ્યાં. માલતીએ કંઈ ખાધું નહીં હોય. હું ચાલીમાં પ્રવેશી. ઘરબહાર ચાલીમાં જ ખુરસી નાખી જામીન પર છૂટેલો બાબુરાવ બેઠો હતો. મને જોતાં ઊભો થઈ ગયો. એની સામે એકધારું જોતી હું નજીક ગઈ. જાણે દાઝતો હોય એમ બેય હાથ સંકોડતો દોડતો એના ઘરમાં ભરાયો. ક્ષણ થંભી મેં વિચાર્યુંઃ મારેય કાલે સરસ્વતીપૂજન જેવું જ છે. આ માલતીનું મંગલ હો! એને અત્યારથી બચાવવાના નિર્ણય સાથે મેં સવિતાબહેનના ઘરમાં પગ મૂક્યો. સૂતેલી માલતી બેઠી થઈ ગઈ. મેં પાસે બેસી એનો હાથ પકડી પસવારવા માંડ્યો. જોયું તો માલતી આજે પણ બીજના ચંદ્ર જેવું મારી સામે હસી રહી હતી.