ગુજરાતી નિબંધ-સંપદા/ચુનીલાલ મડિયા/સત્યના શોધકો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સત્યના શોધકો

ચુનીલાલ મડિયા




ગુજરાતી નિબંધસંપદા • સત્યના શોધકો - ચુનીલાલ મડિયા • ઑડિયો પઠન: ધૈવત જોશીપુરા

દુનિયામાં શોધખોળો તો અનેક થાય છે પણ એમાં મૌલિકતાનું તત્ત્વ બહુ ઓછું હોય છે. કોલમ્બસે અમેરિકા ખંડમાં પગ મૂક્યો એને એક શકવર્તી શોધ તરીકે બિરદાવવામાં આવે છે, પણ વાસ્તવમાં એ ઘટના શોધ નામને પાત્ર જ નથી; કેમ કે જેને ‘નવી દુનિયા’ ગણવામાં આવે છે એનું અસ્તિત્વ તો સૃજનજૂનું હતું. એ શોધખોળમાં નાવીન્ય પણ નથી તેમ સાચી શોધનું તત્ત્વ પણ નથી. એવી જ રીતે ઝાડ પરથી ખરેલું ફળ આસમાનમાં ઊડવાને બદલે ધરતી પર પડ્યું એ પરથી ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી કાઢ્યો હોવાની ડંફાસ મારનાર ન્યૂટને પણ કોઈ મોટી ધાડ મારી નથી; કેમ કે સૃષ્ટિનું આ નિયામક બળ તો આદિ કાળથી કામ કરતું જ આવેલું. ન્યૂટનની એ કહેવાતી શોધમાં નૂતન જેવું કશું નહોતું, પછી મૌલિકતાની તો વાત જ ક્યાં રહી! સાચી, નૂતન અને ન ભૂતો ન ભવિષ્યતિ જેવી અભૂતપૂર્વ મૌલિક શોધખોળ તો કોલમ્બસો નહિ પણ કોન્સ્ટેબલો કરે છે. સાગરખેડુ સાહસવીરો કરતાં આખી ગણવેશધારી સિપાઈઓની શોધક બુદ્ધિ વધારે સતેજ હોય છે. સૃષ્ટિનાં નિત્ય નૂત્ય સત્યો શોધી કાઢવાનો યશ પદાર્થવિજ્ઞાનના ખેરખાંઓ કરતાં પોલીસખાતાના ‘પટાવાળા’ઓને ખાતે જ જમા થતો જણાય છે.

આ કથનનો તાજામાં તાજો પુરાવો બ્રિટિશ ગિયાનાની પોલીસે પૂરો પાડ્યો છે. નેહરુના પુસ્તક ‘ગ્લિમ્પ્સીઝ ઑફ ધ વર્લ્ડ હિસ્ટરી’માં ગિયાનાના સત્તાવાળાઓને સામ્યવાદની ગંધ આવી છે. ભારતમાં બ્રિટિશ શાસકો હતા એ દરમિયાન આ પુસ્તકમાં એમને કશું વાંધાભર્યું નહોતું લાગ્યું. સંભવ છે કે એ વેળા બ્રિટિશ પોલીસ રંગ-અંધાપા (કલર-બ્લાઇન્ડનેસ)થી પીડાતી હોય; પણ હવે એ અંધાપો દૂર થતાં એ જ જૂના પુસ્તકમાં એને લાલભડક રંગ દેખાવા માંડ્યો હોય.

ગમે તેમ હોય, પોલીસખાતું આવી સૂક્ષ્માતિસૂક્ષ્મ શોધોમાં હંમેશાં પાવરધું જ હોય છે. પછી એ પોલીસ ગિયાનાની હોય, ગ્વાટેમાલાની હોય કે ગોરખપુરની હોય. કાગડા બધે જ કાળા એમ પોલીસખાતું પણ સર્વત્ર, સર્વ કાળે, સર્વ સ્થળે સરખું જ શોધખોળપ્રવીણ હોય છે.

સમાજની સલામતીના આ સંરક્ષકોની શોધક બુદ્ધિ એવી તો તીવ્ર અને તલસ્પર્શી હોય છે કે કોઈ પુસ્તકનો વિષય કે એનું વસ્તુ જાણવા માટે એ વાંચી જવાની – અરે, પૂઠું ઉઘાડવાની પણ એમને માટે આવશ્યકતા નથી રહેતી. ગ્રંથપાલોની જેમ આ સરકારી ચોકિયાતો પણ પુસ્તકના શીર્ષક પરથી એનું વસ્તુ ચકાસી લે છે. વડોદરાની એક જાણીતી લાઇબ્રેરીના ગ્રંથપાલે રસ્કિનનું પુસ્તક ‘સિસમ ઍન્ડ વિલીઝ’ અને ટાગોરનું ‘ધ ગાર્ડનર’ બોટની વિભાગમાં વર્ગીકૃત કરેલાં. ‘જૂઈ અને કેતકી’ પ્રગટ થયું ત્યારે કેટલાક નર્સરીવાળાઓએ એ પુસ્તક મગાવેલું. રાયચુરાકૃત ‘રસિયાના રાસ’માં લાલ રશિયાનાં રાસ-ગીતો ગ્રંથસ્થ થયાં છે એવી શંકાથી સત્તાવાળાઓનો ડોળો લાલ થઈ ગયેલો એ તો ગુજરાતમાં જાણીતી ઘટના છે.

નામનું મહત્ત્વ – પુસ્તકોનાં કે વ્યક્તિઓનાં નામનું મહત્ત્વ — શેક્સપિયરને મન ભલે મામૂલી હોય, સત્તાવાળાઓને મન એ બહુ મોટું છે. અસહકારના આંદોલન વેળા જોધાણીની ધરપકડ માટે વૉરન્ટ નીકળેલું ત્યારે જોધાણીને બદલે મળતા નામેરી મેઘાણીને પકડીને જેલમાં પૂરી દીધેલા.

અશ્લીલ કે બીભત્સ સિનેમાચિત્રોને પરિણામે સમાજનું સ્વાસ્થ્ય કથળી ન જાય એની તકેદારી રાખવા માટે ચિત્રોની પૂર્વતપાસ કરનાર સેન્સર બોર્ડને પણ આવી ઘણી નાજુક સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને અવનવાં સત્યો શોધી કાઢવાં પડે છે. સેન્સર બોર્ડ પર કામ કરનાર એક મહિલા સભ્યે એક બોલપટના ખલનાયકને ચિત્રની પટકથામાંથી કાઢી નાખવાની ભારપૂર્વક ભલામણ કરેલી. પછીથી ખબર પડેલી કે એ ખલનાયકનું વિશેષનામ અને પેલાં મહિલા સભ્યના પતિદેવનું શુભનામ એક જ હતાં! સમાજના સ્વાતંત્ર્યની રક્ષા કાજે સત્ત્ાાવાળાઓને શું શું વાંધાભર્યું લાગશે એની કલ્પના કરવી મુશ્કેલ હોય છે. એક ફિલ્મમાં નાયક-નાયિકા વચ્ચે પ્રણયકલહ થયેલો અને પછી નાયિકાનાં મનામણાં કરવા માટે નાયકે એને ભૂતકાળ ભૂલી જવાની વારંવાર વિનવણીઓ કરતાં કહેલું: ‘જો બન ગઈ, વહ બન ગઈ.’ જે વાત બની એ બની ગઈ. હવે એ ગઈ ગુજરી ભૂલી જવી જોઈએ એમ સમજાવવા માટે નાયકે વારંવાર એ વાક્ય ઉચ્ચારેલું. સેન્સર બોર્ડે એ ‘જો બન ગઈ વો બન ગઈ’-વાળાં બધાંજ વાક્યો ઉપર ઠંડે કલેજે કાતર મૂકી દીધેલી. આનું કારણ એ હતું કે ‘જો બન ગઈ’ – ના વારંવાર થતા ઉચ્ચારોથી જોબન-સભાન સભ્યોનો ‘જોબન જોબન સંભળાયા કરતું હતું. અને જોબન જેવી જોખમી વસ્તુ તો જુવાન પ્રેક્ષકો સમક્ષ રજૂ કરી જ કેમ શકાય?

સમાજસ્વાસ્થ્યના સજાગ ચોકિયાતોએ આવી તો અનેક શોધ કરવી પડે છે. સમાજની સલામતીને જોખમમાં નાખનારાં તત્ત્વોને ઝબ્બે કરવા માટે એમણે સદૈવ જાગ્રત રહેવું પડે છે. અમારે એક વાર ‘મચ્છકટિક’ ભજવવું હતું અને એ માટે પોલીસખાતાની પરવાનગી લેવા ગયેલા ત્યારે મૃચ્છકટિક જેવો કઠિન શબ્દ સાંભળીને જ પોલીસ અમલદાર ડઘાઈ ગયેલા. એમણે આ શબ્દનો વાચ્યાર્થ પૂછ્યો. અમે કહ્યું કે, ‘મૃચ્છકટિક’ મીન્સ એ ક્લે કાર્ટ.’ સાંભળીને અમલદારના મનમાં શંકા જન્મી કે ગાડી વિશેનું આ નાટક ‘આગગાડી’ની જેમ રેલવે કામદારોમાં અસંતોષ કે ઉશ્કેરણી ફેલાવનારું હશે, તેથી એમણે પૃચ્છા કરી: ‘હૂ ઇઝ ધ ઑથર ઓફ ધિસ પ્લે?’ અમે નાટકના કર્તા તરીકે શૂદ્રકનું નામ આપ્યું ત્યારે તો અમલદારની શંકા વધારે ઘેરી બની. શૂદ્રકનું નામ એમને જાદુગર મેન્ટ્રેકને મળતું જણાયું હશે તેથી કે પછી બીજાં કોઈ કારણે એમને આ નાટ્યકાર વિશે પૂર્વતપાસની આવશ્યકતા જણાતાં કરડાકીથી અમને ફરમાવ્યું: ‘ગિવ અસ ફુલ નેઈમ, ઍડ્રેસ ઍન્ડ ઑક્યુપેશન ઑફ ધિલ મિસ્ટર સુડ્રક—’