ગુજરાતી નિબંધ-સંપદા/ભોળાભાઈ પટેલ/વિદિશા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વિદિશા

ભોળાભાઈ પટેલ




ગુજરાતી નિબંધસંપદા • વિદિશા - ભોળાભાઈ પટેલ • ઑડિયો પઠન: ધૈવત જોશીપુરા

ચુલ તાર કબેકાર અંધકાર વિદિશાર નિશા.

– જીવનાનંદ દાસ

નામમાં ઘણું બધું હોય છે. ઉજ્જયિની કે શ્રાવસ્તી કરતાં વિદિશા નામ વધારે ગમે છે. જોકે આ બધી પ્રાચીન નગરીઓનાં નામ સાંભળતાં જ મન ચંચલ બની ઊઠે છે અને ઇતિહાસ-ભૂગોળના સીમાડા ઓળંગી ઊડવા માંડે છે – નદીઓની પેલે પાર, પહાડોની પેલે પાર, શતાબ્દીઓની પેલે પાર. કંઈકેટલીયે વાર મન આ બધી નગરીઓના રાજમાર્ગ ૫ર કે સાંકડી શેરીઓમાં ભમતું રહે છે, કંઈકેટલાંય નામની આસપાસ સ્વપ્નજાળ ગૂંથતું રહે છે – કાલિદાસ કે ભવભૂતિ જેવા કવિની આંગળી પકડીને.

એક આધુનિક કવિ જીવનાનંદ દાસે જ્યારે તેમની કાવ્યનાયિકા વનલતા સેનના મોઢાને શ્રાવસ્તીનું શિલ્પ કહ્યું ત્યારે શ્રાવસ્તીના આજે હયાત નહીં એવા કોઈ મંદિરની શિલ્પખચિત સૃષ્ટિમાંથી એક નમણો, પાષાણમાં કંડારી કાઢવામાં આવેલો છતાંય નમણો ચહેરો ઊપસી આવ્યો. પણ પછી મન વિદિશાની રાત્રિના અંધકારમાં લીંપાતું ગયું, કેમ કે કવિએ કહ્યું કે વનલતા સેનના કેશ તો હતા વિદિશાની રાત્રિના જુગ-જુગ-જૂના અંધકાર જેવા!

અંધકાર જેવા કેશ – વિદિશા નગરીની રાત્રિના અંધકાર જેવા કેશ. શું અંધકારનું પોત સ્થળકાળ બદલાતાં આછું ઘટ્ટ થતું હશે કે કવિ વિદિશાની રાત્રિના અંધકારની વાત કરે! કવિ કાલિદાસે સૂચિભેદ્ય અંધકારની વાત કરી છે, પણ તે તો ઉજ્જયિનીના મેઘલી રાતના અંધકારની, અને એ અંધકારમાંય તે અભિસારિકાઓ પ્રિયતમને મળવા નીકળી પડતી હતી. આ વિદિશાના અંધકારને તો સદીઓ વીતી ગઈ છે અને એ અંધકાર જેવા કેશની વાત સાંભળતાં કેશ ને અંધકાર અને વનલતા ને વિદિશા, બધું એકાકાર થઈ જાય છે…

‘યદિ આપ વિદિશા નહીં જાતે હૈં તો’ – સાંચીસ્તૂપની ટેકરીની તળેટીના માર્ગ પર એક બોર્ડ હતું, તેમાં લખ્યું હતું કે અહીં આટલે આવ્યા પછી અહીંથી વિદિશા નહીં જાઓ તો આટલું આટલું જોવાનું ચૂકશો. એ સૂચિ તો ઠીક પણ એમાં એવું નહોતું લખ્યું કે વિદિશા નહીં જાઓ તો વિદિશા જોવાનું ચૂકી જશો – અમારે તે વિદિશા જોવું હતું.

‘વિદિશા આ ગયા–’ એક કસબાની ભાગોળમાં બસ ઊભી રહી, તડકામાં ધૂળ ઊડી રહી. ધૂળમિશ્રિત તડકામાં અમે પગ મૂક્યા. આ વિદિશાનગરી. ‘કબેકાર અંધકાર’ ક્યાં અને શરદનો ઉજ્જ્વલ તડકો ક્યાં! આમતેમ ફરીને જોયું – બસસ્ટૅન્ડ જેવું બસસ્ટૅન્ડ. બસસ્ટૅન્ડ પર હોય તેવી હોટેલ, થોડાં પૅસેન્જરો, ત્રણચાર નવરા માણસો, થોડી ઘોડાગાડીઓ, બસો અને બસ જે રસ્તા પર અમને ઉતારી ગઈ તે દૂર દૂર જતો રસ્તો – નર૫તિ ૫થ – રાજમાર્ગ. હું દિશાહારા બની વિદિશા ઢૂંઢતો હતો – પ્રથિત વિદિશા. કાલિદાસના યક્ષે મેઘને રસ્તો બતાવતાં બતાવતાં કહ્યું હતું, ‘તેષાં દિક્ષુ પ્રથિત વિદિશા…’ દશાર્ણની રાજધાની વિદિશા હતી. ભિલસાના બસસ્ટૅન્ડ પર વિદિશા ક્યાં? વિદિશામાંથી ભિલસા થઈ ગયું હતું અને હવે થોડાં વર્ષોથી ભિલસામાંથી વિદિશા થઈ ગયું છે. ભાયાણીસાહેબનો વ્યુત્પત્તિવિદ્ તો કહેશે કે ના, ભિલસાને વિદિશા સાથે સંબંધ નથી. મૂળ નામ તો હશે ભ્રાજિલસ્વામી, તેમાંથી થયું ભાઈલ્લસાંઈ, તેમાંથી થયું ભઈલ્લસા, અને તેમાંથી થયું ભિલસા! ભલે તેમ હશે. મારે તો મૂળ વિદિશા જોઈએ. કદાચ અત્યારના ગામની ઉગમણે જે ખંડિયેરો છે, તે પ્રાચીન વિદિશાનાં હોય. એ વિસ્તાર બેસ નદી પરથી બેસનગર નામથી જાણીતો છે. પણ સમગ્ર વિસ્તાર વિદિશા ગણાય એવું મારું પક્ષપાતી મન કહે છે.

અર્વાચીન વિદિશાના બસસ્ટૅન્ડ પર બપોરના તડકામાં આમતેમ ફરી આખરે હોટેલના બાંકડા પર નિરાંતે બેઠેલા એક-બે સજ્જનોને પૂછ્યું – ‘ક્યા દેખનેકા હૈ યહાં?’ અમારી સામે કુતૂહલથી જોયા પછી એકે કહ્યું, ‘વૈસે યહાં તો કુછ નહીં હૈ દેખને જૈસા. લેકિન નદીકે ઉસ પાર બાબાકા ખંભા હૈ ઔર ગુફાએં હૈં ઉદયગિરિકી. દૂર હૈ. ઘોડાગાડીસે જાના હોગા.’

ત્રણચાર ઘોડાગાડીઓ પડી હતી. એક સારા ઘોડાવાળી ઘોડાગાડી પસંદ કરીએ તો ઠીક. પણ ઘોડાગાડીઓ અને ઘોડાગાડીવાળા બધે સરખા. દેશની વિવિધતામાં એકતાનો અનુભવ કરાવે. પણ અમે જે ઘોડાગાડી પસંદ કરી તેનો હાંકનાર તો ભારે મોટો અશ્વવિદ્યાવિદ હોય તેમ વાતો કરતો હતો, કેમ કે એનો ઘોડો અટકી અટકી ગતિ કરવા લાગ્યો ત્યારે અમારામાંના એકે એ ઘોડા વિશે જરા ઘસાતું કહ્યું હતું. અમને એવું લાગ્યું કે કદાચ હમણાં બાહુક રૂપે રહેલા છદ્મવેશી નળરાજા જેવું જાદૂ તો નહીં કરી બેસે! હમણાં ઘોડાના કાનમાં મંત્ર ફૂંકશે અને પછી તો પલકમાં જોજનના જોજન… પણ એવું કશું ન બન્યું અને અશ્વ એ જ ગતિએ ચાલતો રહ્યો – વિદિશાના – ભિલસાના લાંબા પણ સાંકડા માર્ગ પર.

આ માર્ગ પર જરૂર એક વાર પવનવેગી રથો દોડતા હશે. એક સમયમાં દશાર્ણની રાજધાની હતી વિદિશા. દિગન્તમાં એની કીર્તિ ફેલાયેલી હતી, હૈહયવંશી રાજાઓના સમયમાં વિદિશા વૈભવમાં આળોટતી. અહીંની પાણીદાર તલવારોથી મૌર્યોએ પોતાનો રાજ્યવિસ્તાર સાધ્યો હતો. ચંડ અશોકની એક રાણી વિદિશાની હતી, જેને લીધે પછી પ્રિયદર્શી અશોકે નજીકમાં આવેલી સાંચીની ટેકરી પર સ્તૂપ બંધાવ્યો હતો. વિદિશામાં શ્રી અને સમૃદ્ધિ હતી, વીરતા હતી અને રસિકતા હતી. અહીં કવિ કાલિદાસનો અગ્નિમિત્ર માલવિકાની છબિ જોઈ એના પ્રેમમાં પડી ગયો હતો. અહીં આસપાસ ક્યાંક અગ્નિમિત્રનું ઉપવન હશે.

રામગિરિથી ઊપડેલો કાલિદાસનો મેઘ લાંબી ફાળો ભરતો, માળવાનાં તરતનાં ખેડેલાં ખેતરોમાં ‘મોતી પેરતો’, આમ્રકૂટ અને તે પછી વિન્ધ્યનાં ચરણોમાં પથરાયેલી રેવા પાર કરી આ દશાર્ણ પ્રદેશ પર થઈ ઊડ્યો હશે. વિન્ધ્યની આ તરફની ભૂમિ જ એવી હતી કે ઉતાવળે જતા મેઘની ચાલ પણ મંદ પડી જાય. એને કંઈ ને કંઈ બહાને ખોટી થવાનું મન થાય, અને તેમાં વળી પાછાં કેવડા ફૂટતાં પીળી વાડોથી શોભતા બગીચાવાળાં દશાર્ણનાં ગામ આવે, વળી પાછાં એ ગામના સીમાડા પરનાં વૃક્ષો પંખીઓના માળા બાંધવાની પ્રવૃત્તિનો આરંભ થતાં કલબલાટથી ગુંજતાં હોય; અને એ સીમાડા જાંબુ પાકવાથી શ્યામ દેખાતા હોય – ત્યારે તો અહીં માનસરોવર જતા હંસો પણ કેટલુંક રહી પડતા. પણ આ ભિલસામાં અમે રહી શકીએ તેમ નહોતા. રસ્તાની આસપાસ નાનીમોટી દુકાનો, બપોરની વેળા હોવાને લીધે હશે કદાચ, સુસ્ત હતી. એક વેળા આ વિદિશા વ્યાપારનું કેન્દ્ર હતું. આખા દેશમાં જતા રસ્તા અહીં મળતા. ઉત્તર-પૂર્વમાંથી આપણી આ તરફ આવનારને વિદિશા થઈને આવવું પડતું અને આપણે ત્યાંથી ઉત્તરમાં કે પૂર્વમાં જવું હોય તો વિદિશા આવે.

માર્ગનો ઢોળાવ શરૂ થતાં ઘોડાગાડી આસ્ફાલન સાથે વેગવતી બની. અમારાં શરીર પણ ઊછળી રહ્યાં હતાં, અને હજી ઢાળની સમાપ્તિ આવે તે પહેલાં તો સ્નિગ્ધ તડકામાં નદીનાં વારિ વહી જતાં હતાં. આ જ તો પેલી વેત્રવતી – બેતવા.

વેત્રવતીમાંથી બેતવા અને હવે પાછી બેતવામાંથી વેત્રવતી બની છે. વેત્રવતી એટલે નેતરની સોટીવાળી એવો એક અર્થ થાય. વેત્રવતીને કિનારે કદાચ નેતર ઘણું ઊગતું હશે. ગમે તેમ, પણ વેત્રવતી કહો ત્યારે એ નામ સાથે જુદો ઇતિહાસ જાગે, બેતવા કહે ત્યારે જુદો. બુંદેલખંડનો બહુ ઇતિહાસ બેતવાની આસપાસ રચાયો છે, પણ વેત્રવતી તો કાલિદાસની ને! કાલિદાસ આ દશાર્ણ તરફના એટલે કે પૂર્વ માળવાના કોઈ ગામના હોવા જોઈએ – કદાચ આજનો છત્તીસગઢનો વિસ્તાર. કોઈ બહાને આ પ્રદેશની વાત કરવાની મળી જાય તો તક ક્યાં ચૂક્યા છે? અહીંની નાનામાં નાની નદી સાથે એમને નેહ છે, એની બધી ખાસિયતો જાણે પાછા. વળી કાલિદાસને મન તો નદી એટલે નારી! વેત્રવતીના ભ્રૂભંગની એમને ખબર છે!

બે કિનારા વચ્ચે થઈને વેત્રવતી વહી રહી છે, નગરનું નારીવૃંદ વેત્રવતીના ઘાટ ઉપર છે, કોઈ પ્રક્ષાલનરત, કોઈ સ્નાનનિરત. આથમણી કોરથી વહેતી આવે છે વેત્રવતી. વચ્ચે વચ્ચે શિલાઓએ માથું ઊંચકયું છે. રેવાની જેમ આ પણ ઉપલવિષમા છે કે?

ઘોડાગાડીમાંથી ઊતરી, દોડીને અમે વેત્રવતીને કિનારે પહોંચી ગયા. ઘોડાગાડીમાં બેસીને નદી પાર કરી શકાત. પુલ પરથી નહીં, પાણીમાં થઈ. એક આડબંધ છે, તેના પર થઈ જવાનું. પાણી બંધને પાર કરી વહી રહ્યાં હતાં. ક્યાંક ઘૂંટણસમાં, ક્યાંક ઢીંચણસમાં. આડબંધ એટલે પથ્થરો ગોઠવી દીધેલા એટલું. એટલે પાણી પથ્થરો સાથે અફળાઈ નિનાદ જગવી વહેતું રહેતું. નદી પર એક પુલ હતો. ઠેરઠેર તૂટી ગયો હતો. તેનું સમારકામ ચાલતું હતું. સિમેન્ટનું પ્રવાહી તૈયાર કરતા યંત્રના અવાજ સાથે વેત્રવતીનો કલનાદ વિસંવાદી લાગતો હતો. ઘોડાગાડીવાળો ખાલી ઘોડાગાડી લઈ સામે પાર ચાલ્યો. અમે નદી મધ્યે ઢીંચણપૂર પાણીમાં ઊભા રહી ગયા.

વેત્રવતીની ચંચલ લહરીઓમાંથી એક અંજલિ ભરી જળ ઓઠે લઈ આવ્યો. લબ્ધમ્ ફલમ્. શીતલ મધુર પાણી. પણ વિદિશા પર થઈને ઊડતા મેઘને તો કાલિદાસના યક્ષે કેવી ભારે લાલચ આપી હતી! યક્ષે મેઘને કહ્યું હતું કે પહેલાં તો બહુ જાણીતી એવી વિદિશાનગરી એ તરફ આવશે અને પછી જ્યારે તું ત્યાં પહોંચીશ ત્યારે તને તારી જે રસિકતા છે, તેને અનુરૂપ ફલોપલબ્ધિ તરત જ થશે :

તેષાં દિક્ષુ પ્રથિતવિદિશાલક્ષણાં રાજધાની ગત્વા સદ્યઃ ફલમવિકલં કામુકત્વસ્ય લબ્ધ્વા । તીરોપાન્તસ્તનિતસુભગં પાસ્યસિસ્વાદુ યસ્મા- ત્સભ્રૂભંગં મુખમિવ પયો વેત્રવત્યાશ્ચલોર્મિ ।। તો મેઘને પીવા મળવાનું હતું મીઠા અધરરસ જેવું આ વેત્રવતીનું વારિ. પણ એટલી સાદી રીતે વાત કરે તો કાલિદાસ શાના? ભ્રૂભંગથી જાણે નાયિકાનો નિષેધ સૂચવાય છે અને નિષેધની મુદ્રાવાળા મુખને ચૂમવામાં એક વિશેષ મધુરતા હોવાનો કવિ સંકેત કરે છે. કવિને પણ કોઈ ‘સભ્રૂભંગ વેત્રવતી’ની મુખમુદ્રા સ્મરી આવી હશે. વિદિશા પર થઈને જતો મેઘ ઝૂકી આવ્યો હશે વેત્રવતી પર.

પ્રવાહ વચ્ચે ડોક કાઢીને ઊપસી આવેલી શિલા પર બેસી જલસ્પર્શ માણી રહ્યો. ચટુલ શફરીઓનું ઉદ્વર્તન પણ જોતો હતો. કેટલીય શતાબ્દીઓથી આ નગરીને આમ જ આ નદી ભીંજવી રહી છે. કાલિદાસ પણ એમના શૈશવકાળે કે કિશોરકાળે વેત્રવતીની ક્રોડે કંઈકેટલુંયે સુખ પામ્યા હશે. આજે પણ વેત્રવતીનો કિનારો ગાજી રહ્યો છે. સ્ત્રીઓનો કલકોલાહલ છે, પણ એ બધી કામગરી સ્ત્રીઓ છે. નહીંતર આપણને પણ આ પરિસરનું વર્ણન કરતાં કાદંબરીકાર બાણની જેમ આવી કોઈ પંક્તિ સૂઝત –

મજ્જન્માલવવિલાસિનીકુચતટાસ્ફાલનજર્જરિતોર્મિમાલયા વેત્રવત્યા પરિગતા વિદિશાભિધાના રાજધાન્યાસીત્…

‘બાબુજી, ચલિયે દેર હો જાયગી–’ સામે કાંઠેથી ઘોડાગાડીવાળાનો અવાજ નદીના કલકલમાં સંભળાયો. ઢોળાવ ચઢાવી ઘોડાગાડી ઊભી રાખી, નીચે ઊતરી તે અમને બોલાવતો હતો. વેત્રવતીનો સંગ છોડવો ગમતો નહોતો. આમેય આવું વહેતું પાણી મને આકુલ કરી મૂકે છે. ‘નદી દેખી કરે સ્નાન’ જેવું વલણ મારું પણ કંઈક છે. કપડાં અને દેહ વેત્રવતીની શિલાસ્ફાલનજર્જરિત ઊર્મિમાલાથી ભીંજાયાં હતાં તે સ્નાનવિધિ થઈ જ ગઈ હતી. સામે કિનારે પગ મૂકતાં જ ભીના પગે માટી ચોંટી ગઈ. ઢાળ ચઢી રથારૂઢ થયા અને વિદિશાની આથમણી કોર આવેલા ઉદયગિરિના માર્ગ પર ઘોડાના ડાબલા સંભળાવા માંડ્યા.

ઉદયગિરિ અનેક સ્થળે હોય છે. ભુવનેશ્વર પાસે આવેલી ઉદયગિરિ ખંડગિરિની ગુફાઓ પણ અત્યંત પ્રાચીન છે. સાપુતારાના આપણા ગિરિમથક પર પણ એક ઊંચી ટેકરીને ‘ઉદયગિરિ’ એવું નામ આપી દેવામાં આવ્યું છે. વિદિશામાં પણ ઉદયગિરિ. ઉદયગિરિના માર્ગે જતાં ડાબી બાજુએ વેત્રવતીને કાંઠે કારખાનાની એક ચીમની જોઈ. આ કારખાનાની કાલિદાસે ક્યાંથી કલ્પના કરી હોય? કાલિદાસના સમયમાં તો અગ્નિમિત્રનું કે એવા કોઈ રાજવીનું પ્રમદવન પણ હોય. એમાં હોય બકુલાવલિકા, ચતુરિકા, મદનિકા, નિપુણિકા કે માલવિકા. પણ ભલા આ કારખાનામાં તો એ બધાં ક્યાંથી હોય? એ આખો પરિવેશ પલટાઈ ગયો હશે.

રવીન્દ્રનાથ ‘સેકાલ’માં સ્મરે છે તેમ, ‘એ સમય હતો જ્યારે કોઈ નિપુણિકા કે માલવિકાના ચરણપ્રહારથી અશોક ખીલી ઊઠતો, તેમના મુખની મદિરાથી બકુલ પ્રફુલ્લી રહેતું. એ સમય હતો જ્યારે તેઓના હાથમાં લીલાકમલ રહેતું, અલકમાં કુંદકળી અને કાનમાં શિરીષ શોભતાં. કાળા કેશમાં તેઓ લાલ જાસૂદનું ફૂલ ભરાવતી અને સીમંતમાં દામણીને સ્થાને કદંબ. તેઓ બધી અષાઢ આવતાં દૂરદેશાવર ગયેલા પ્રિયની એકીટશે રાહ જોતી અને બેઠી બેઠી પૂજાના એક એક પુષ્પથી પ્રિયવિરહના દિવસો ગણતી. વહાલી સારિકાને પ્રિયતમનું નામ શિખવાડતી, કંકણના રણકારથી મોરને નચાવતી, સારસીને કમળકળીઓ ખવડાવતી, નાના આંબાના ક્યારામાં જળ સીંચતી… નથી, નથી, એ સમય હવે નથી. ચાલ્યો ગયો એ સમય અને ચાલી ગઈ છે એ સમયની સાથે જ નિપુણિકા, ચતુરિકા અને માલવિકાની મંડળી.’

એકાએક આંચકા સાથે ઘોડાગાડી ઊભી રહી, એટલું જ નહીં પાછી જવા લાગી. ઘોડો અડિયલ બની ગયો હતો અને પાછા પગે ચાલવાનો ઉપક્રમ કરતો હતો. ત્યાં ચાબુક વીંઝતા ઘોડાગાડીવાળાની વાગ્ધારા શરૂ થઈ – ‘અજી સા’બ, આપ નહીં જાનતે…યહ ઘોડા…’ અને પછી એ ઘોડા વિશે અને સમસ્ત વિદિશાના ઘોડા-ચિકિત્સક તરીકેના પોતાના અનુભવ વિશે ડચકારાઓ વચ્ચે એવી રીતે વાત કરતો હતો કે એવું થાય કે સૂર્યના પેલા સપ્ત અશ્વોમાંથી એક જે ‘ક્યાંથી અહીં આવી પડ્યો’ – એના સારથિ અરુણ સાથે! અમારે ઊતરી જવું પડયું. એય તે ઠીક થયું. વેત્રવતીની ઉપાન્ત્ય ભૂમિનો સ્પર્શ થયો. આજુબાજુ સમતલ હરિયાળાં ખેતરો હતાં, અને જરા દૂર આથમણી તરફ ઊપસી આવેલી એક પહાડી એ જ ઉદયગિરિ.

આ ઉદયગિરિ તે કાલિદાસે જેને ‘નીચૈઃ’ નામ આપ્યું છે, તે તો નહીં હોય? યક્ષે મેઘને વેત્રવતીનું અધરરસ-શું વારિ પીધા પછી વિદિશાના પરિસરમાં આવેલાં નીચૈ: પહાડ પર વિશ્રામ લેવાની ભલામણ કરી હતી. :

નીચૈરાખ્યં ગિરિમધિવસેસ્તત્ર વિશ્રામહેતો સ્ત્વત્સંપર્કાત્પુલકિતમિવ પ્રૌઢપુષ્પૈઃ કદમ્બૈઃ | યઃ પણ્યસ્ત્રીરતિપરિમલોદ્ગારિભિર્નાગરાણાં ઉદ્દામાનિ પ્રથયતિ શિલાવેશ્મભિર્યૌવનાનિ ||

‘આ જાઈએ સા’બ, બૈઠ જાઈએ.’ ઘોડાને સ્થિર કરી ઘોડાગાડીવાળાએ આદેશ આપ્યો. અશ્વના કાનમાં કશોક મંત્ર ફૂંક્યો હતો કે શું – વેગથી દોડી રહ્યો હતો. ઘડીભર તો રથમાં બેઠો હોઉં એવું મને લાગ્યું… કદાચ હમણાં જ આ સારથિ ‘આયુષ્યમાન’ કહી મને આગળ દોડી રહેલા કોઈ વનહરણની વાત તો નહીં કહી બેસે, મારી પાસે ધનુષબાણ ક્યાં હતાં? કૅમેરા હતો – એમાં ઝડપી શકાય તો શકાય. પણ, શાનો સારથિ અને શાનું હરણ? ઘોડાગાડી ઊભી રહી હતી – સામે હવે ઊંચી લાગતી પહાડીની છાયામાં.

જો આ જ કાલિદાસકથિત નીચૈઃ ગિરિ હોય, તો અહીં વિદિશાનું ઉદ્દામ યૌવન નિર્બંધ બની હેલે ચઢતું હશે. કાલિદાસે એટલે તો આ ગિરિ વિશે વ્યાજસ્તુતિ કરી છે. આજે તો આ ગિરિ પર એકેય કદંબ દેખાયું નહિ, કાલિદાસના સમયમાં અવશ્ય આખું કદંબવન હશે અને કાલિદાસ અવશ્ય કોઈ પહેલી વર્ષાના સમયે આ ગિરિના સાન્નિધ્યમાં આવી પહોંચ્યા હશે, નહીંતર એ કહી ન શક્યા હોત કે મેઘના સંપર્કથી ખીલી ઊઠતાં કદંબને લીધે આખો પહાડ રોમાંચનું મૂર્તરૂપ બની જતો હશે. સંસ્કૃત કવિતામાં કદંબ રોમાંચનું પ્રતીક છે. આ કદંબ ખીલે તો વર્ષાની ઝાપટથી અને યક્ષનો આ મેઘ આ કદંબછાયા ગિરિ પર પહોંચે તે પહેલાં મેઘભીનો પવન તો પહોંચી ગયો હોવો જોઈએ અને મેઘનો સંપર્ક થતાં તો આખો પહાડ સાક્ષાત્ રોમાંચમાત્ર!

અને આ પહાડ સાથે કાલિદાસે જરાય ઓછી રોમાંચક નહીં એવી પ્રશસ્તિ જોડી દીધી છે. એ ભમતારામની નજર અતંદ્ર રીતે બધું જ પકડે છે અને પ્રસ્તુત કરે છે. અને આવી વાત તો એ ચૂકે જ શેના? વાત એમ છે કે આ પહાડીની જે ગુફાઓ છે – કાલિદાસે એને માટે સરલ શબ્દ વાપર્યો છે : શિલાવેશ્મ, સાદી ભાષામાં પથ્થરનું ઘર અર્થાત્ ગુફા, એને ઘાટઘૂટ આપવામાં આવ્યાં હશે જરૂર – તેમાંથી પરિમલ વહી આવે છે. શાનો પરિમલ? ‘શતદલ પદ્મનો પરિમલ’ નહિ, પણ વિલાસિની પણ્યાંગનાઓના શરીરેથી રતિશ્રમજનિત પ્રસ્વેદનો પરિમલ છે આ! વિદિશાના રંગરસિયા યુવાનો માટે આ શિલાવેશ્મો પણ્યાંગનાઓ સાથે વિહાર કરવાનું સ્થાન ગણાતું હશે. કાલિદાસના સમયમાં જ વિદિશા વિલાસી નગરી બની ગઈ હશે. આ બધી વિલાસગુહાઓ હશે. કાલિદાસનો યક્ષ કામીજન છે અને મેઘ સાથે સંદેશો મોકલતી વખતે તો વિરહી પણ. એના મનમાં આવાં દૃશ્યો ઊભરાય તે સ્વાભાવિક છે. પોતે તો અસ્તંગમિતમહિમા હતો, એટલે જઈ શકે તેમ નહોતો, પણ મેઘને કંઈ નહીં તો છેવટે આ પહાડી પર વિશ્રામ લેવાનું કહેવાનું ફરમાવ્યા વિના રહી શક્યો નહીં!

અહીં વિશ્રામ તો અમારો ઘોડાગાડીવાળો કરવાનો હતો. બોલ્યો, ‘આપ દેખ આઈએ સા’બ, તબ તક હમ ઉધર આરામ કરતે હૈં, ઘોડા ભી થકા હૈ, આરામ ઉસે ભી મિલેગા.’ અમે પહાડ ભણી જોયું. ગુફાઓ હતી. એ જ શું પેલાં શિલાવેશ્મ? એમાં સંભવ છે કે શિલ્પીઓએ પોતાની સૌંદર્ય-ચેતના મૂર્ત કરી હોય, વિલાસચેતનાની પડછે પડછે.

બરાબર બપોરની વેળા હતી. શિલાવેશ્મમાં ઠંડક મેળવવાની ઇચ્છા થાય. પણ દક્ષિણ દિશા તરફથી ગુફાઓ જોતાં જોતાં ઉપર ચઢી ઉત્તર તરફથી ઊતરવાનું હતું. એક સાંકડી કેડી પર દક્ષિણ તરફ થોડું ચાલ્યા. એક નાનકડી વસ્તી આવી. વસ્તી એટલે માર્ગની બે બાજુએ માટીનાં સ્વચ્છ ઝૂપડાંની હાર. એમાં રહેનાર તો દરિદ્ર અને દૂબળાં હતાં. પ્રવાસીઓ તરફ કૌતુકભરી નજર ફરતી જતી. બાજુમાં એક તળાવડી કોઈ જળવેલથી છવાઈ ગઈ હતી, પાણીની નહીં, લીલાં પાંદડાંની તરલ સપાટી. આસપાસ વૃક્ષોની ગીચતાને લીધે કુંજ જેવું બની ગયું હતું, પણ અમારે તે દિશામાં ત્યાં ખુલ્લા તડકામાં વીખરાયેલા પથ્થરો પાર કરીને જવાનું હતું

એક ઊંચી શિલાની બખોલમાં, કહો કે નાનકડા શિલાવેશ્મમાં પુરાતત્ત્વખાતાનો આવાસ હતો. અમે ઉપર ચઢીએ તે પહેલાં બાજુની ગુફા તરફ જવાનું પહેરાવાળાએ સૂચન કર્યું. ગુફા અવશ્ય પ્રાચીન હશે, કાલિદાસથીયે. વરાહ વિષ્ણુના દશ અવતારોમાંના એક છે, એની પ્રતીતિ ગુફામાં મહાવરાહનું ભવ્ય શિલ્પ જોતાં થઈ. નજર એકદમ અભિભૂત થઈ ગઈ એ શિલ્પ જોતાં. આ હજી હમણાં ધરિત્રીને ઉદ્ધારીને ઊભા છે ભગવાન વરાહ. જાણે ઉદ્ધારની એ ‘ક્ષણ’ અહીં કંડારાઈ ગઈ છે શિલ્પમાં. ભગવાનનો જમણો પગ સ્થાણુ જેમ ખોડાયેલો છે, જેના પર જમણો હાથ ટેકવેલો છે. ડાબો પગ ઢીંચણમાંથી કાટખૂણે વાળ્યો છે, જેના પર શક્તિઅવધારણા માટે ડાબો હાથ દૃઢપણે મૂક્યો છે. વિશાળ છાતી વધુ વિશાળ બની આવી છે. વરાહમુખે રસાતલમાંથી ખેંચી કાઢેલી ધરિત્રી જાણે કમનીયતાથી ઝૂલી રહી છે. સદ્યોદ્‌ધૃતા. ધરિત્રીની અંગબંધુરતા શ્લથ અને શિથિલ છતાં એક ૫રમ સમાશ્વાસનનો ભાવ પ્રકટે છે. એકીસાથે ભવ્ય અને લલિતનો અનુભવ! ગુફામાં બીજાં નાનાં શિલ્પોની શ્રેણીઓ પણ હતી, પણ મહાવરાહ ચિત્તમાં જડાઈ ગયા. બીજી ગુફાઓમાંનાં શિલ્પોને શતાબ્દીઓનો ઘસારો લાગ્યો હતો. કેટલીક મૂર્તિઓની રમણીય બંધુર રેખાઓ (કૉન્ટુર્સ) પવને સપાટ કરી દીધી લાગી. થોડી વાર પછી તો અમે એ નીચૈઃ ગિરિની પીઠ પર ચાલતા હતા.

પીળા તડકામાં પીળું ઘાસ આંખને અળખામણું લાગતું હતું, તેમ છતાં અહીં વિજનતાનું સૌન્દર્ય હતું. વિદિશાના વૈભવકાળે નગરના પરિસરમાં હોવાને લીધે આ લગભગ વિહારધામ કે ઉજાણીસ્થળ પણ હોય. ત્યારે અહીં યુવાની ચંચલ બની જતી હશે. આજે છે સુકાઈ રહેલું ઘાસ, ઝાડ, ઝાડે લટકતી પર્ણહીન વેલીઓ. અહીં આવતાં-જતાં યાત્રીઓના ચાલવાથી કેડી પડી છે એટલું. તેના પર ચાલતાં કપડાંમાં ક્યાંક કાંટા ભરાઈ જાય છે. જરા ઊંચાઈ પર આવતાં જોયું તો ‘ઉદાર રમણીય પૃથ્વી’નો અનુભવ થયો. દૂરથી વહી આવતી વેત્રવતીનો સર્પિલ પ્રવાહ તડકામાં ચળકતો હતો, આ બાજુ ઉત્તરે બેસ નદી વહી જતી હતી. સાભ્રમતી જેવી વાંકીચૂકી વહેતી હતી. આ પહાડ સિવાય આસપાસ તો હરિયાળી હતી. આંખને ગમતું હતું. અહીં જો કદંબની કુંજો હોત તો આમેય મોડું થતું હોવા છતાં વિશ્રાંતિ લેત.

કોઈને કંઈ પૂછવાપણું નહોતું, કેમ કે કોઈ નહોતું. પણ એક કઠિયારા જેવો માણસ જણાયો. તેને પૂછયું પછી તો તેણે એક પથ્થરની નાવ બતાવી. દસ ફૂટ જેટલી લાંબી નાવ હતી. કોરેલી. આ નાવડી પાણીમાં તરતી હશે? કદાચ એ કશુંક પાષાણપાત્ર પણ હોય. પછી તો આવું એક મોટું પાષાણપાત્ર લાંબું નહીં, પણ ગોળ સાંચીની પહાડી પર પણ જોયું. થયું આ નાવ, અહીં આ પહાડી પર ક્યાંથી આવી હશે? આજુબાજુ અનેક કોતરાયેલા શિલાખંડ પડ્યા હતા. કદાચ કોઈ મોટા શિલ્પસંકુલનો એ ભાગ હોય.

એમ જ હતું. બાજુમાં એક મંદિર વેરાયેલું પડ્યું હતું. પથ્થરોની આસપાસ ઘાસ ઊગી આવ્યું હતું. પથ્થરો ઢંકાઈ ગયા હતા. પુરાતત્ત્વખાતાની એ રક્ષિત ઇમારત (!) હતી. એ ગુપ્તકાલીન મંદિરના અવશેષો હતા. મંદિરકલાની શરૂઆતનાં મંદિરોમાંનું આ હશે. આ બધું જોતાં ઉદાસ કેમ થઈ જવાય છે? વેરાયેલા પથ્થરોને નજર વૃથા સાંધવાનો પ્રયત્ન કરે છે. મંદિર ઊભું થતું નથી.

આ ગિરિ જ્યાં યૌવન હેલે ચઢતું હતું, ત્યાં ધર્મ-ધજા પણ ફરકતી હતી! કાલિદાસે એની વાત કેમ નહીં કરી હોય? આખો ગિરિ જ્યારે કદંબોથી છવાયેલો હશે ત્યારે આ મંદિર પણ કેવું શોભતું હશે – એવો વિચાર ન આવે એવું ન બને – જાણે અહીં ભમ્યા કરીએ. કદાચ છે ને ભૂતકાળ સજીવન થાય.

ભૂતકાળમાં ઊભા રહીને સામ્પ્રતને જોતા હતા અમે. ‘બધું બદલાઈ ગયું છે,’ ‘બધું બદલાઈ ગયું છે’નો બોધ રહી રહીને જાગતો હતો. આ પહાડી ઉપરથી આસપાસ તો બધું રમણીય લાગતું હતું. પેલા કારખાનાની ચીમની સુધ્ધાં, અને છતાં મનમાં વિષાદ જાગી જતો હતો. હવે ઉત્તર તરફને છેડે આવ્યા હતા. પુરાતત્ત્વખાતા તરફથી પ્રવાસીઓને માટે બાંધેલા, ખુલ્લી ઓસરીવાળા ઓરડાની આસપાસ કાગળ ઊડતા હતા, કોઈ પ્રવાસી જૂથે નાસ્તો કર્યાના સંકેતો હતા. મને નદી પાસે જવાનું મન થતું હતું, પણ આ બાજુ નીચે ઊતરતાં પગથિયાં તરફ વળ્યા અને ધીમે ધીમે નીચે ઊતરી ગયા.

ફરી પહાડીની છાયામાં હતા. ભવ્ય અતીતની છાયામાં હતા. અહીં આસપાસ ગજબની નિર્જનતા અનુભવાય છે. નિર્જનતાનો ભંગ ઘોડાગાડીવાળાની વાગ્ધારાથી થયો. પાછા ફરતી વખતે ઘોડાની ગતિમાં વેગ આવ્યો હતો. કાલિદાસ તો રથમાં બેસીને આવ્યા હશે. શાકુન્તલના પ્રથમ અંકમાં રથની ગતિનું જે વર્ણન છે કે વિક્રમોર્વશીયમ્‌ના પ્રથમ અંકમાં આકાશગામી પુરુરવાના રથની ગતિનું જે વર્ણન છે, તે ૨થી કવિના અનુભવનું વર્ણન છે. તે રથોની તુલનામાં અમારા આ વાહનનાં ચારે બાજુ ઢળતાં ચરચર અવાજ કરતાં પૈડાં અને સામે કોઈ બીજી ઘોડાગાડી મળતાં અટકી જતો અશ્વ ક્યાં? કાલિદાસનો પુરુરવા તો કહી શકે કે રથની આ ગતિથી આગળ ગયેલા ગરુડને પણ પકડી શકાય – અનેન રથવેગેન પૂર્વપ્રસ્થિતં વૈનતેયમપ્યાસાદયેયમ્ – પણ અમારા વાહનને તો કોઈ પણ ગતિથી ચાલનાર સાથ આપી શકે! જોકે પુરુરવાની તો આકાશમાં ગતિ હતી, અમે તો ડામરની સડક પર હતા એટલે માફ.

અમે વિદિશા ભણી આવતા હતા. ‘બાબાકા ખંભા’ જોવાનું હતું. એક કાચા માર્ગ પર ઘોડાગાડી ચાલી અને એક ઊંચા સ્તંભના પરિસરમાં આવીને ઊભી રહી ગઈ. ‘યહ “બાબાકા ખંભા” હૈ, દેખ આઇયે, વૈસે ઉસમેં કુછ દેખને જૈસા નહીં હૈ!’ આસપાસ એ જ નિર્જનતા. પણ આ વેળા એક આશ્વાસન હતું. બે સ્વચ્છ નાનાં માટીનાં ઘર હતાં. આંગણામાં ઊટકેલું, ચળકતું પિત્તળનું બેડું હતું. અને એક શ્યામા (રંગમાં, કાલિદાસીય અર્થમાં નહીં) આંગણામાં બેઠી હતી, દૂબળી નિસ્તેજ કાયા, બાજુમાં નાગડું બાળક. ‘તૃષા શમાવવા’ જઈને પાણી માગ્યું. બહુ હરખભેર સ્વચ્છ પાત્રમાં બહાર રાખેલા બેડામાંથી પાણી આપ્યું. પાણી પીધું. અસવર્ણ જાતિનાં ઘર હશે.

સ્તંભની પેલી બાજુથી બેસ નદીની પાતળી ધારા વહી જતી હતી. આસપાસ કેટલાંક વૃક્ષો હતાં. ‘બાબાકા ખંભા!’ અમે પુરાતત્ત્વખાતાની તખતી જોઈ – અરે, આ તો ઇતિહાસપ્રસિદ્ધ હેલિઓદોરસનો સ્તંભ હતો! એના પરનો અભિલેખ અતિ મહત્ત્વનો ગણાય છે. વિદિશાના ગત વૈભવ અને વિક્રમનું આ જ્વલંત ઉદાહરણ છે. હેલિઓદોરસ યવન (ગ્રીક) રાજદૂત હતો. તક્ષશિલાના ગ્રીક રાજા આન્તલિકિત પાસેથી તે સમ્રાટ ભાગભદ્રના દરબારમાં મૈત્રીશુભેચ્છાના પ્રતીક રૂપે અનેક ભેટ-સોગાદો લઈને આવ્યો હતો, અને અહીં આવ્યા પછી વૈષ્ણવધર્મ અંગીકાર કરી ‘ભાગવત’ બન્યો હતો. વિદિશાના વિષ્ણુમંદિરમાં એણે ગરુડધ્વજ સ્થાપિત કર્યો. તે જ આ હેલિઓ-દોરસનો સ્તંભ – બાબાકા ખંભા. એક ચોતરા પર આજે તો એકમાત્ર આ સ્તંભ ઊભો રહ્યો છે – સદીઓનાં ટાઢતડકા ને વૃષ્ટિને સહન કરતો. બાજુમાંથી બેસ નદી વહી જાય છે, જે આગળ જતાં નજીકમાં બેતવા – વેત્રવતી સાથે ભળી જાય છે.

આ સ્તંભ પર બ્રાહ્મીલિપિમાં કોતરાયેલો લેખ છે, જે વિદિશાના ગૌરવની આજે પણ સ્થાપના કરે છે. ઈ.સ. પૂર્વેની બીજી સદીની આ વાત છે! કાલિદાસે તો તે પછી. તેમણે જરૂર હેલિઓદોરસનો ગરુડસ્તંભ જોયો હશે. લેખ, સંસ્કૃતની છાંટવાળી પ્રાકૃતમાં છે – ‘દેવદેવસે વાસુદેવસ ગરુડધ્વજે અયં કારિતે ઈઅ હેલિઓદોરેણ. ભાગવતેન…’ એમ શરૂ થાય છે. પુરાતત્ત્વખાતાએ નાગરી લિપિમાં એ શિલાલેખ પ્રવાસીઓના લાભાર્થે ગરુડધ્વજના ઇતિહાસ સાથે પતરાંની તખ્તી પર ઉતરાવ્યો છે. મહારાજ આન્તલિકિત, સમ્રાટ ભાગભદ્ર, પરમ ભાગવત હેલિઓદોરસ – ઈ.સ. પૂર્વે બીજી સદીની વિદિશા – મન ખોવાઈ ગયું. અહીં પરમ શાંતિ છે. હેલિઓદોરસે બધું કોતરાવ્યા પછી સ્વર્ગમાં લઈ જનારાં ત્રણ અમૃતપદોની વાત કોતરાવી છે – ત્રિનિ અમૃતપદાનિ (સુ) અનુઠિતાનિ નિયંતિ (સ્વગં).’ તે ત્રણ અમૃતપદો છે દમ, ત્યાગ અને અપ્રમાદ. આ હેલિઓદોરસનું વૈષ્ણવ રૂપ! એનો ગરુડધ્વજ ‘બાબાકા ખંભા’ બની ગયો છે. અહીંથી થોડે દૂર બેસ–વેત્રવતીનો સંગમ છે. બેસ નદીને લીધે બેસનગરને નામે પણ આ સ્થળ ઓળખાય છે. થોડે દૂર જૂના નગરનાં હાડ પડેલાં છે.

સંગમ જોયા વિના કેમ ચાલે? વેત્રવતીને કિનારે ફરી ઘોડાગાડી ઊભી રહી. ઘોડાગાડી ફરીથી ઢીંચણસમાં પાણીમાંથી પસાર થઈ સામે કિનારે જશે. અમે વેત્રવતીને કિનારે કિનારે ચાલ્યા. આ બાજુ વેત્રવતીનો પટ ખાલી હતો, તેના વહેણને સામી દિશાએ વાળવામાં આવ્યું હતું. એટલે પથરાળ પટમાં ચાલતાં ચાલતાં સંગમ ભણી ગયા – આ ગંગાયમુનાનો સંગમ તો નહોતો કે કાલિદાસના રામની જેમ વૈદેહીને બતાવી શકાય – ‘પશ્યાનવદ્યાંગિ વિભાતિ ગંગા ભિન્નપ્રવાહા યમુનાતરંગૈ:’ હજી તો વેત્રવતીનો પ્રવાહ હતો, ત્યાં જ અમને કહેવામાં આવ્યું કે આ બધી જગ્યા સંગમસ્થળ કહેવાય છે, અને સંગમસ્થળ હોય ત્યાં સ્મશાન ન હોય એવું બને? નદીપૂજક દેશમાં શીઘ્ર મોક્ષની આનાથી બીજી કઈ સુવિધા હોય! અને સ્મશાન હોય ત્યાં શંકર તો હોય જ, નદીસંગમ, શંકર, સ્મશાન…

એક પુરાણા પુલ પરથી નદી પાર કરી સામે પહોંચ્યા, જ્યાં અશ્વપતિ રાહ જોતો હતો. પણ મને વેત્રવતીનાં વારિ ફરી બોલાવતાં હતાં. બીજી બાજુ વિદિશાની વિદાય પણ લેવાની હતી, સમય થવા આવ્યો હતો. વિદિશાથી સાંચી પાછા ગાડીમાં જવું હતું. સૂર્યાસ્ત સાંચીના સાન્નિધ્યમાં નિહાળવો હતો. પણ વેત્રવતીના ચંચલ તરંગો… ‘આવું છું’ કહી દોડી ફરી પ્રવાહમધ્યે જઈ ઊભો રહ્યો, પેલા આડબંધ પર સ્તો. પછી ધીમે ધીમે કેટલીક શિલાઓ પર પગ મૂકી મૂકી આગળ વધી પ્રવાહની ગતિ અનુભવી, પગ લટકાવી શિલા પર બેસી, નીચા નમી ખોબો ભરી પાણી પીધું – ‘સભ્રૂભંગ મુખમિવ પયઃ વેત્રવત્યાઃ ચલોર્મિ…’ કવિ કાલિદાસે અજાણ્યા યાત્રી તરીકે ક્યારેક આમ જ પાણી પીધું હશે. ‘કાલિદાસની વેત્રવતી, વિદાય!’ એમ મનોમન બોલી, વેત્રવતીનાં પાણી ઉછાળતો કિનારે આવી ગયો.

ફરીથી ભિલસા – વિદિશાના લાંબા સાંકડા માર્ગ પર, નાનાં નીચાં ઘરોની હાર વચ્ચેથી અને પછી સાઇકલ રિપેરિંગ વર્ક્સ, પ્રોવિઝન સ્ટોર્સ, કપડે કી દુકાન, બર્તનોં કી દુકાન વગેરે વટાવતી ઘોડાગાડી દોડી રહી હતી. આ માર્ગેથી ક્યારેક મહારાજ ભાગભદ્રની સવારી નીકળી હશે. ક્યારેક મહારાજ શૂદ્રકની તો ક્યારેક અગ્નિમિત્રની. તેમનાં સૈન્યો કૂચ કરતાં પસાર થયાં હશે. કવિ કાલિદાસને આવી જ કોઈ નગરીના રાજમાર્ગ પર અંધારી રાતે મશાલના અજવાળામાં આજુબાજુનાં અટ્ટાલયો જોઈ ‘દીપશિખેવરાત્રૌ’ની પ્રસિદ્ધ ઉપમા સૂઝી હશે…

વિદિશા નગરીની રાત્રિના અંધકાર જેવા કેશ – કવિ જીવનાનંદ દાસે તો અવશ્ય એ પ્રથિતવિદિશાની કલ્પના કરીને જ પછી એના અંધકારની કલ્પના કરી હશે. ક્યાં બાંગલાદેશના નાટોરની વનલતા સેન અને ક્યાં વિદિશાનો સદીઓ જૂનો અંધકાર! અહીં પંખીના માળા જેવી આંખો ઊંચી કરીને કુશળ પૂછતી વનલતા તો ક્યાંથી હોય? અહીં તો હશે દીર્ઘ નેત્રોના તીક્ષ્ણ કટાક્ષપાત કરતી નાગરિકાઓ કે પછી પણ્યાંગનાઓ. વિદિશા વિલાસી નગરી…

‘વિલાસપુર આ ગયા ક્યા?’ હું ચમક્યો. ઘોડાગાડીવાળો સામેથી આવતી બીજી ઘોડાગાડીના હાંકનારને પૂછતો હતો. ‘નહીં.’ – સામેથી ઉત્તર મળ્યો અને ફરીથી ઘોડાની ગતિ વધારવા તેનો ચાબુક ઊંચકાયો. ઊછળતી ઘોડાગાડી રેલવેસ્ટેશન નજીક આવતી હોય એવો પરિસર આવ્યો. ‘વિલાસપુર આ ગયા હૈ?’ તેણે ફરી પૂછ્યું. ‘નહીં, અભી નહીં આયા.’ વિલાસપુર એક્સ્પ્રેસની વાત હતી.

બિલકુલ સ્ટેશન. મારી વિદિશાને તેની સાથે કોઈ અનુબંધ નહોતો. ટિકિટ-ઑફિસ, સ્ટેશનમાસ્તરની ઑફિસ, વેઇટિંગ રૂમ, પ્લૅટફૉર્મ, ગાડીઓના આવવાજવાના સમયનો ચાર્ટ, પાટાની દૂર સુધી દોડતી સમાંતરતાઓ, સિગ્નલોની જાળ… ‘તેષાં દિક્ષુ પ્રથિતવિદિશા’ – ના. એ આ નહીં, છતાં અત્યારે હું તેના જ રાજમાર્ગો પર વેત્રવતીને તીરે, નીચૈઃ ગિરિ પર ફરતો હતો. ‘વિલાસપુર આ ગયા!’ સામેથી ગાડી આવી રહી હતી. એનો વેગ કાલિદાસના રથ કરતાં વધારે જ હશે.

વિદિશાના પાદરમાંથી વિલાસપુર એક્સપ્રેસ જતો હતો. મારું ‘અસંપૃત મન પાછળ ઘસડાતું હતું…

તે પછી વિદિશા ગયો છું, ક્યારેક શતાબ્દીઓ પૂર્વેની કોઈ રાત્રિના અંધકારમાં, ક્યારેક હમણાંની વીતી શરદના કોઈ. ઊજ્જ્વલ તડકામાં; કવિ કાલિદાસ સંગાથી રહ્યા છે.