ગુજરાતી નિબંધ-સંપદા/સુન્દરમ્/જોગના ધોધ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જોગના ધોધ

સુન્દરમ્




ગુજરાતી નિબંધસંપદા • જોગના ધોધ - સુન્દરમ્ • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની

અમે શિમોગા છોડ્યું અને આજુબાજુ નાની નાની લીલી લીલી ટેકરીઓની હાર શરૂ થઈ. થોડી વારમાં તો માર્ગથી દૂર દૂર દેખાતાં વૃક્ષો અમારી સડકની હારોહાર જ આવી પહોંચ્યાં, અને અમારો સાથ છોડવા ન ઇચ્છતાં હોય તેમ ચીવટપૂર્વક ક્યાંય લગી અમારી સાથે ચાલુ રહ્યાં. મોટા જનવૃંદમાં આપણા પરિચિત માણસોને પણ આપણે એકદમ ઓળખી શકતા નથી, અને અપરિચિતોનું તો કશું વ્યક્તિત્વ જ હોતું નથી. આ બધાં વૃક્ષોની બાબતમાં તેમ જ બનવા લાગ્યું. માત્ર એમાં આપણા બાવળ અને વાંસનાં ઝુંડ છાનાં રહેતાં ન હતાં. ૫૦-૬૦ ફીટ સુધી ઊંચાં વધીને સો-બસો વાંસ પોતાનાં કલગી જેવાં પિચ્છવાળાં માથાં બધી દિશામાં ઝુકાવી ખૂબ રમણીય ચિત્ર ઊભું કરતાં હતાં.

અમારો આ રસ્તો સીધો તો ભાગ્યે જ ચાલતો. જંગલ અને ટેકરીઓમાંથી જવા માટે એને કેટલાય વળ ખાવા પડતા. એવામાં એક સ્થળે એક માઈલ સુધી તદ્દન સીધો રસ્તો આવી ગયો. સીધો અને વળી વચ્ચેથી સહેજ દબાયેલો. એટલે રસ્તાના બેય છેડા જોઈ શકાતા. એ રસ્તા પર અમારી મોટરે પોતાનો બધો વેગ અજમાવી લીધો.

રસ્તાની પડખે તળાવ આવતાં. એ તળાવમાં ક્યાંક કમળો પણ હતાં. સોપારીનાં ઝાડ પણ આવતાં. જાણે નાળિયેરીના ઝાડની નાનકડી આવૃત્તિ! પાતળું થડ, મથાળે ટૂંકાં પાંદડાં અને ત્યાં બસો-પાંચસો સોપારીનો વળગેલો લૂમખો. કાચો હોય ત્યારે લીલો અને પાકે ત્યારે પીળો રંગ.

અમે શરાવતીને કિનારે પહોંચ્યા. જંગલ વિશેષ સઘન બનતું જતું હતું. હવે જોગના ધોધ માત્ર દોઢ જ માઈલ! શરાવતી કોઈ અજબ સ્થિરતા ધરાવી પૂર્વપશ્ચિમ વહેતી હતી.

બપોરના બે વાગ્યા હશે; પણ દક્ષિણ દિશામાં ઝૂકેલો સૂર્ય હજી પણ સોનેરી કિરણો જ વર્ષાવી રહ્યો હતો. પૂર્વમાંથી લગભગ દોઢેક ર્ફ્લાંગ પર જ ટેકરીઓની પાછળથી શરાવતી વહી આવતી હતી અને પશ્ચિમમાં થોડેક સુધી દેખાઈ ટેકરીઓમાં અલોપ થઈ જતી હતી. બંને કિનારા પરનાં વૃક્ષો અને તેમની પૂંઠળ ગોઠવાયેલી ટેકરીઓ વચ્ચે શરાવતીનાં લીલાં નિર્મળ પાણી શાંત વહેતાં હતાં. નદી પોતે અભય હતી અને અભયદા પણ હતી. દોઢ માઈલ પછી પોતાનું શું થવાનું છે એની કલ્પના વિનાની, અગોચર ભાવિને ન જોઈ શકતી મુગ્ધ કન્યા જેવી નદી આનંદથી સૂરજના પ્રકાશમાં સ્નાન કરતી હતી. તરાપો સામે કાંઠેથી એક મોટરને અને કેટલાંક માણસોને આ કાંઠે લઈ આવ્યો. પછી અમારી મોટરે નૌકારોહણ કર્યું.

સમય અને શક્તિ હોય તો આટલો પંથ પગે કાપવા જેવો છે. મોટર એટલા વેગથી આગળ વધે છે કે તે ભૂમિની સાથે આપણને આત્મીયતા સાધવા દેતી જ નથી. હવેનો પ્રદેશ એવો આવતો હતો કે જેમાં ડગલે ને પગલે અપૂર્વ સૌંદર્ય અને ભવ્ય ગહન ભાવોત્પાદક સામગ્રી ખીચોખીચ ભરાયેલી હતી. રાજ્યે પાળેલાં જંગલો હવે અદૃશ્ય થઈ ગયાં હતાં. ટેકરીઓની ઊંચાઈ-નીચાઈ બેહદની થઈ ગઈ હતી. લાલ માટીની બાંધેલી સડક બીતી બીતી જંગલમાં ચાલતી હોય તેમ લાગતું હતું. મિનિટે – બે મિનિટે રસ્તા પર ભયસૂચક કે સાવધાન કરતાં પાટિયાં આવતાં હતાં. રસ્તો ક્યાંક એકીસાથે એકબે વાંકા વળ ખાઈ લેતો, ઊંડે ડૂબકી મારી જતો કે છાતીભેર ઊંચો ચડતો. ભૂંગળાં વગાડી વગાડીને મોટર ડરતી ડરતી ઊતરતી અને ઊંચે ચડતાં માણસ દમ ભીડતો હોય તેમ પ્રચંડ ઘરઘરાટ કરીને તે ચડતી.

મોટરની આ વિજયયાત્રાને ક્ષુદ્ર દૃષ્ટિએ જોતી વનરાજિ રસ્તાની બંને બાજુએ ખડકાયેલી હતી. ખરેખરું જંગલ હવે શરૂ થતું હતું. રસ્તાની પાસે બે હાથ પર જ જુઓ તો ખાલી જગા ન દેખાય, ત્યાં અંદર જવાની શક્યતાની તો વાત જ શી કરવી! દૂરની ખીણોને ભરી દઈને ઊભેલાં ઝાડ તો મોટરની કે અમારી જાણે પરવા જ કરતાં ન હતાં.

પવન પણ થંભી ગયો હતો. ન અવાજ, ન હિલચાલ. કેવળ મોટરનો ઘર્ઘર અવાજ ચાલુ હતો. ત્યાં યાદ આવ્યું કે ધોધનો અવાજ તો હવે સંભળાવો જોઈએ ને! નાયગરા ધોધ ૩૦ માઈલ લગી પોતાની ગર્જના પહોંચાડે છે, તો આ ધોધ માઈલેક તો પહોંચાડતો જ હશે ને! મોટરનું એન્જિન બંધ કરાવ્યું. આખું જગત શાંત બની ગયું. અને સંગીતના સાધકને છેવટે સંભળાતા બ્રહ્મનાદ જેવો એક અવિરત નિનાદ દૂરથી આવવા લાગ્યો: સ્થિર, એકધારો, સહેજ દબાયેલો એવો. એ અવાજ આવી આવીને કાન ઉપર નહીં પણ સીધો હૃદય ઉપર અફળાતો હતો. ધોધ પાસે પહોંચવાની ઉત્સુકતા વધી અને પ્રકૃતિના ક્રમશ: વધતા જતા એ પ્રપાતસંગીતને સંસ્કૃતિના ઘર્ઘરાટમાં ડુબાવી અમે મોટરને વેગ આપ્યો; પરંતુ ધીમે ધીમે મોટરના ઘુર્‌રાટને ક્રમશ: આવરી લેતો ધોધનો અવાજ સર્વત્ર વ્યાપવા લાગ્યો. આ અવાજને જન્માવનાર દૃશ્ય કેવું હશે! અમારી મોટર દક્ષિણમાં કઈ બાજુ જતી તે સમજાતું ન હતું. ત્યાં મોટરે ઉત્તર તરફ એક વળાંક લીધો. દોટ મૂકી તે એક ટેકરી ઉપર ચડી ગઈ ને ભયાવહ એવું જંગલ એકદમ સુંદર ઉપવનમાં પલટાઈ ગયું.

મોટર થંભી, અમે નીચે કૂદી પડ્યા. ધોધ ક્યાં હશે? કેવો હશે? કોઈ તીવ્ર ઉત્સુકતા અનુભવતો હું આમતેમ જોવા લાગ્યો. ત્યાં પડખેથી એક જણ બોલી પડ્યા: ‘જુઓ! જુઓ!’ મેં ડોકું ફેરવ્યું અને એ ફરેલા ડોકા ઉપર આંખો અનિમેષ બની જોઈ રહી. પળવાર એ દર્શનથી જ મૂર્છા આવી ગઈ. સૌ કોઈ મૂંગાં થઈ ગયાં. અનંત કાળથી ગાન કરતા એ મહાગાયકે અમારી વાણીને હરી લીધી. અમારે એની સન્મુખે કંઈ બોલવાનું હતું જ નહીં. અમે બધી ઇન્દ્રિયોની શક્તિ એકલી આંખને જ આપી દીધી.

પૂર્વમાંથી વહી આવતી શરાવતીના માર્ગમાં ઉત્તરદક્ષિણ લંબાઈને પડેલી એક હજારેક ફીટ ઊંડી ખીણ આવે છે. શરાવતીનો આ ખીણપ્રદેશ એ જ જોગના ધોધ. આ ખીણના ઉત્તર છેડા ઉપર મુંબઈની સરકારે અને દક્ષિણ છેડા ઉપર મૈસૂરની સરકારે ડાકબંગલા બંધાવ્યા છે અને ધોધને જ્યાં જ્યાંથી ઉત્તમ રીતે કે કશીક લાક્ષણિકતાથી જોઈ શકાય ત્યાં ત્યાં બેઠકો રચી છે.

ધોધનું આપાદમસ્તક દર્શન સારામાં સારી રીતે દક્ષિણ દિશામાંથી એટલે કે, મૈસૂર બાજુથી થાય છે. ઉત્તર તરફથી ચાલી આવતી ખીણ દક્ષિણમાં થઈને પોતાનો વળાંક પશ્ચિમ તરફ લઈ ચારે ધોધની બરાબર સંમુખ આવી જાય છે ત્યાં આગળ ખીણના એ મસ્તક ઉપર લાંબો ઓટલો બાંધ્યો છે. ત્યાં બેસો અને ધરાઈને જોયા કરો. ત્યાંથી જરાક જ છેટે ખીણમાં નીચે ધોધના પદ ભણી પહોંચવા માટેનો રસ્તો બનાવ્યો છે.

આ બાજુથી બધું જોવાનું પરવારીને પ્રવાસીઓ શરાવતીને જે સ્થળેથી ઓળંગી હતી ત્યાંથી પાછી ઓળંગી સામી ઉત્તર બાજુએ જાય છે, કારણ રાજા અને રુદ્રના સાચા પ્રતાપનાં રોમાંચક દર્શન-સ્પર્શ તો ત્યાંથી જ થાય છે.

ઉત્તર તરફની બાજુએ ખીણનું લલાટ પશ્ચિમ ભાગે વિશેષ ઝૂકેલું છે. શરાવતીનાં પાણી એ ઝુકાવ તરફ વધારે ઢળે છે. પાટવી કુંવર જેવો એ ‘રાજા’ ધોધ શરાવતીની મોટા ભાગની જલસમૃદ્ધિનો વારસ બને છે. દક્ષિણાભિમુખ એ બેઠો છે. કોઈ શક્તિશાળી નરપુંગવની છાતી જેવી એની છાતી ફૂલેલી છે. પોતાનું રાજત્વ સિદ્ધ કરવા એ સૌથી વધુ પરાક્રમ દાખવે છે. બીજા ત્રણ ધોધની પેઠે તે નીચે ઊતરવાને કશાનો આશ્રય લેતો નથી. ક્યાંય વચ્ચે રોકાતો નથી. એ સીધો ૯૦૦ ફીટ નીચે પહોંચે છે! એક બાહ્ય ગોળ અર્ધચંદ્રાકૃતિવાળી વિશાળ શિલા ઉપરથી અખંડ ધારામાં નીચે ઊતરતા પાણીનો ૯૦૦ ફીટનો સળંગ સ્તંભ!

એની કમર આગળ એક નાનકડા ઘૂઘવા જેવો, ફોટોગ્રાફ કે ચિત્રોમાં નજરને જરાયે આકર્ષતો ન દેખાતો ધોધ શરાવતીનો બીજો કુંવર છે ‘રોરર’ – ‘રુદ્ર’. રાજા ધોધ સિવાય બાકીના ત્રણે ધોધનાં નામ અંગ્રેજોએ પાડ્યાં છે. આ સૌંદર્યધામની કદર આ યુગમાં એમણે જ પહેલી કરી લાગે છે. ત્રણે અંગ્રેજી નામ યથાર્થ છે; પણ કાકાસાહેબે એમને આપણી ભાષામાં તેવાં જ યથાર્થ નામ આપી તેમને આર્યત્વના સંસ્કાર આપ્યા છે. એ મહાગર્જક રુદ્ર આ બાજુથી દેખાય છે નાનકડો, પણ ચારે ધોધના રૌદ્રગાનમાં પ્રધાન સૂર એનો જ છે. આપકર્મી પુત્ર જેવો તે પોતાનું ગૌરવ રાજા કરતાં કોક જુદી જ રીતે જ સિદ્ધ કરે છે, પણ એ ગૌરવનું દર્શન આપણે સામે કિનારે જઈને જ કરીશું.

એ પછીના અનુક્રમે ‘રોકેટ’–‘વીરભદ્ર’ અને ‘લેડી’–‘પાર્વતી’ બંને પશ્ચિમાભિમુખ ઊતરે છે. ફૂટેલા ગુબારામાંથી તારા ખરે તેવી રીતે વીરભદ્રના નાનકડા પ્રવાહની આકૃતિ નીચે જતાં સુધીમાં અનેકગણી વિશાળ થઈ જાય છે. એની વચ્ચોવચ અર્ધે રસ્તે હાથીના આકારની એક પ્રચંડ શિલા એના વિરાટ પ્રતાપને ઝીલી લે છે. એ શિલાથી નીચે ઊતર્યા પછીથી પાણી પાણી નથી રહેતું; એક તો સીકરોનું બનેલું આખું વાદળ જ નીચે ઊતરે છે.

આ બાજુ છેવટે આવે છે પાર્વતી. એ જાણે રાજકન્યા જ છે. એને નખશિખ નાજુકતાથી શણગારેલી છે. એના માર્ગમાં આ પ્રકૃતિ-પરિચારિકાએ એકે મુશ્કેલી રહેવા નથી દીધી, એને ઊતરવા માટે ઠેઠ નીચે સુધી પગથિયાં કરી આપ્યાં છે જાણે. અને આ સુકોમળ રાજકુમારી સ્વર્ગમાંથી ઊતરતી કોક અપ્સરા જેવી પોતાની તન્વી તનુલતાથી વિલસતી અવતરણની અવિરત લીલા રચ્યે જાય છે.

રુદ્રને બાદ કરતાં બાકીના ત્રણે ધોધનું સર્વાંગ દર્શન અમે કર્યું. પાર્વતીનું દર્શન અપૂર્વ પ્રસન્નતા પ્રગટાવતું હતું. મથાળેથી સ્પષ્ટ રીતે બે, પણ તેમાંય નાના નાના ઘણા પ્રવાહોમાં તે ઊતરતી રહે છે. એને કશી ઉતાવળ નથી, ધાંધલ નથી. આઠસો – સાડી-આઠસો ફીટની એ સ્ફટિકની સીડી ઉપર રમતી તે પોતાની લટો ગૂંથ્યા કરે છે, અને તેમાં ઊજળામાં ઊજળાં મોતીના હાર ઉપર હાર પરોવ્યા કરે છે.

વીરભદ્રના માર્ગમાં અધવચ વિશાળકાય દિગ્ગજ જેવો પેલો ખડક ન હોત તો તેનું સૌંદર્ય આટલું બધું ન પ્રગટત. એના પર પાણી અફળાયા પછી તેનો વિસ્તાર બેત્રણ ગણો વધી જાય છે. આ બધા ધોધને પોતાના વજ્રહૃદય ઉપર ઝીલતું ખીણનું તળિયું તો સ્પષ્ટ દેખાતું જ નથી. ઊંચેથી પડતાં પાણી આપણે કદી કલ્પ્યાં ન હોય તેવા સફેદ રંગનાં સીકરોમાં પલટાઈ જાય છે અને ખીણને વરાળથી ભરેલી હોય તેવી કરી મૂકે છે. અને એ કામ મુખ્યત્વે તો આ વીરભદ્ર જ કરે છે.

રાજા દૃષ્ટિને અદ્ભુત રીતે રમાડે છે. એના મસ્તક પર આપણી નજર પડે છે, પણ એ પડી ન પડી ત્યાં તો પાણીની અંદર જ ગૂંચાઈ જાય છે, અને પડતાં પાણી કોઈ અદ્ભુત રીતે અવતરણ પામે છે. વનનાં પુષ્પોને વર્ણવતાં વાલ્મીકિ કહે છે તેમ પતિતૈશ્ચ, પતદ્‌ભિશ્ચ, પાણી પડી પડીને પાછાં પડે છે. ઉપરનો પ્રવાહ થોડે આવીને જાણે વેરાઈ જાય છે અને પાછાં તેમાંથી ફરીને પાણી બંધાય છે. તે પાછાં વેરાય છે ને પાછાં બંધાય છે. મોટી મોટી ગુલાંટો ખાતાં એ પાણીમાં કોઈ અતુલિત ધવલતાની અનેક ઝાંય પ્રગટી રહે છે. અને એ અવર્ણ્યવર્ણી સલિલના ચલિત સ્તંભની કેડ આગળ પડખેથી રુદ્રનો પ્રવાહ આવીને ભળી જાય છે. એ બંનેના પ્રપાતને ઝીલનારી નીચેની જમીન વજ્રવક્ષસા જ હોવી જોઈએ.

આ બધું જોઈએ છીએ ત્યારે પણ ધોધનો નિનાદ તો કોઈ મહા- તંબૂરના નાદ પેઠે ચાલ્યા જ કરે છે. એની ભૂમિકા ઉપર આ દૃશ્યમાન સુંદરતાની વૈવિધ્યમયી લીલા વિસ્તરી રહે છે.

સાંજના ચારેક થયા હશે અને અમે ખીણમાં ઊતરવા માંડ્યું. શરૂઆતમાં થોડાં પગથિયાં ઘણાં સુઘડ હતાં; પણ તેમણે જોતજોતામાં ખીણની વક્રતા અને ખરબચડાપણું ધારણ કર્યું.

એ આખું ઉતરાણ ઠેઠ ખીણના તળિયા સુધી લગભગ એક માઈલનું છે. અર્ધેક ગયા પછી પગથિયાં અલોપ થયાં. ત્યાર પછી થોડેક સુધી તો પથ્થરોને જરા જરા આઘાપાછા કરી પગથિયાં જેવું કર્યું હતું; પણ તે પછી તો તેટલોયે યત્ન કરી શકાય તેમ ન હતું. જેને નીચે ઊતરવાને પગથિયાંની જરૂર પડતી હોય તેવાં માણસોને માટે હવે નીચે જવાનો અર્થ ન હતો. તેવાંઓ માટે આટલેથી થતું ધોધનું દર્શન જ પર્યાપ્ત છે. હવે વધુ નીચે જવા ઇચ્છનાર માટે જુદો જ હેતુ હોઈ શકે અને તે ખીણનો રોમાંચ અનુભવવાનો. અહીં પથ્થરોની મોટી મોટી છાટો કુદરતી રીતે વેરાયેલી પડેલી હતી. એમાંથી જ પગ ગોઠવવાનું સ્થળ મેળવી લેવાનું રહેતું. અમારી ટુકડીમાંથી કેટલાક તો ખૂબ વેગથી નીચે ધસ્યા. એકાદ-બે જણ એ પગથિયાંની મર્યાદાએ જ થંભી ગયા અને બાકીના શક્તિ પ્રમાણે ધીમે કે ઉતાવળે ઊતરવા લાગ્યા.

નીચે જતાં ત્રીજાએક ભાગનો રસ્તો રહ્યો હશે, અને કંઈક નવું જ અકલ્પ્યું તત્ત્વ આવ્યું. વરસાદ પડતો હોય તેમ આછી ફરફર આવવા લાગી. ઓહો, એ તો ધોધના પાણીનાં જ સીકરો! લાખો ટન પાણી પછડાઈને લોટ બનીને આજુબાજુ ઊડે છે. અને કેટલેય દૂર સુધીના પથ્થરોને–ખડકોને પલાળે છે. હવે તો બધા પથરા પાણીથી પલળીને ચીકણા થઈ ગયેલા આવવા લાગ્યા. ક્યાંક લીલ પણ હતી, રેતી પણ હતી. કેટલીક વાર હાથની પાસે પણ પગનું કામ કરાવીને ચાલવું પડતું. જેમ નીચે ઊતરતા ગયા તેમ ફરફર વધવા માંડી. છેવટે તો જાણે વરસતા વરસાદમાં જ પહોંચી ગયા અને ઊંચાં મસ્તક કરી કોઈ સ્વર્ગભૂમિની મનોહારી લીલા જોવા લાગ્યા.

ખીણનું મથાળું સૂર્યનાં સોનેરી કિરણોમાં લપેટાઈ ગયું હતું. રાજા ધોધની પાછળની બખોલ પણ પ્રતિબિંબિત થતા તેજથી ઊજળી હતી. એની પડખે ૯૦૦ ફીટ સળંગ ઊંચો ખડક પોતાની વૈવિધ્યભરી નગ્નતાથી નેત્રને આકર્ષી રહ્યો હતો. ધોધનાં પાણીની ફરફર આજુબાજુ સર્વત્ર વાદળ જેવી વ્યાપી ગઈ હતી અને વીરભદ્રની પાસે થઈ તે ધૂપદાનીમાંથી ઊઠતા ધૂપની પેઠે ખીણના મથાળા લગી આછા ગોટામાં ચડતી હતી. આ અમારા અવરોહ દરમિયાન અમારા દૃષ્ટિકોણ જેમ જેમ પલટાતા તેમ તેમ આ પ્રપાતોમાં પ્રગટતાં મેઘધનુષ્યો પણ પોતાનાં સ્થાન બદલતાં રહેતાં હતાં. ઊડતી ફરફરમાં સૂર્યનાં કિરણના રંગ વહેંચાઈ જતા અને ઇન્દ્રધનુના અનેક પ્રકારના નાનામોટા કટકા જુદે જુદે સ્થળેથી દેખાતા.

ખીણનું તળિયું કોઈ ક્ષુબ્ધ મહાસાગરના પૃષ્ઠ જેવું હતું. નાનામોટા પથ્થરો અને ખડકો સર્વત્ર વેરાયેલા હતા. એ બધામાં થઈ ધોધનાં પાણી અત્યંત ક્ષીણ પ્રવાહમાં વાંકાંચૂકાં વહેતાં હતાં. શરાવતીમાં આમ પણ થોડુંક જ પાણી વહે છે; પણ આ ધોધ રૂપે પડ્યા પછી તે તેથીય ઓછું થઈ જાય છે. જન્મનું સાફલ્ય થઈ ગયું હોય તેમ હવે પોતે આગળ જીવે કે મરે તેની નદીને જાણે પરવા રહી લાગતી નથી.

ફરફરના વરસાદ સામે અમે એક ખડકની ગોદમાં આશ્રય લીધો અને કૅમેરાને એની આંખ ખોલવા કહ્યું, સામે જ એક મેઘધનુષ સંપૂર્ણ અર્ધવર્તુળ બની ખેંચાયું હતું, ખીણની કમરની ઉપર જ રાજા ધોધથી માંડી ઠેઠ પાર્વતી સુધી. સામે રાજા ધસમસતો હતો. એની આજુબાજુનો ખીણનો મુખભાગ ચોરસની ત્રણ બાજુ જેવો સમાન આકારે કોરાયેલો દેખાયો. ખીણનો આ સુંદર આકાર તો ખીણને તળિયેથી જ જોવા મળે છે. એ ચોરસના એક ખૂણામાંથી રાજા એની રાજવી છટાથી આખા દૃશ્યમાં પોતાનો પ્રતાપ પ્રસારી રહ્યો હતો.

કૅમરાએ આંખ ઉઘાડી અને મીંચી. ચોરસ આકારનું સિંહાસન જેવું ખીણનું માથું, તેમાં પોતાના પ્રલંબિત ગતિશીલ ઓજસથી વિરાજેલો રાજા, રુદ્રનો ઘૂઘવો, વીરભદ્રનો વિસ્તાર અને ત્રણેને સાંકળતું મણિમાણિક્યજડિત કમરબંધ જેવું મેઘધનુષ. કૅમેરા પોતાની આંખમાં એ વિરાટ દૃશ્યમાંથી એટલું સમાવી શક્યો.

કૅમેરા ન ઝડપી શક્યો પેલાં નાનકડાં ચાર ચાર આંગળનાં પંખીઓને. અમે ૬૩ માઈલ જંગલમાં થઈને આવ્યા પણ ક્યાંય એકે પક્ષી નહીં, તેનો ટહુકો નહીં, કે પાંખનો ફફડાટ નહીં, એ ઘણી અચંબો પમાડનાર ચીજ હતી. રાજા ધોધની પાછળની તેમજ ખડકની બીજી બખોલમાં માળા કરી રહેલાં આ નાનકડાં પક્ષીઓ ચારો ચરીને ઘેર આવતાં હતાં. તેમની પાંખોના પલકારા સૂરજનાં કિરણોમાં ઝબકતા હતા. આ ધોધ એમને મન વૃક્ષો જેવા સ્થાવર જ હતા. વૃક્ષોની ડાળીઓ પેઠે સહેજસાજ સ્થાનાન્તર કરતાં ધોધનાં પાણીનાં હલનચલન પણ તેમને ક્ષુબ્ધ કરે તેમ ન હતું. બહુ સ્વસ્થતાથી તેઓ ધોધની આસપાસ ઊડતાં હતાં. સાંજ પડે અને પક્ષીઓને પોતાના માળામાં પાછા ફરવાનો વખત થાય ત્યારે જ ખબર પડે છે કે અહીં કેટલાં હજારો પક્ષીઓ રહે છે.

પાણીની ફરફર વૃષ્ટિ સ્વરૂપે ઊડ્યા જ કરતી હતી. એટલામાં ખીણની મથાળેનો સોનેરી સાફો સૂરજ પાછો ખેંચી લેવા લાગ્યો. હજી આગળ તો જવું હતું; પણ માણસના જીવતા દેહને માટે ત્યાં સ્થાન ન હતું. કલ્પનાએ હિંમત કરીને ધોધના પગમાં પહોંચવા ડગલું ભર્યું. ધો ધો ધો ધો… અને તે બિચારી પેલા વજ્રહૃદયી ખડક પર ત્રાટકતાં એ પાણીમાં પછડાઈ-પિસાઈને જાણે મરતી મરતી પાછી આવી. આખા શરીરમાં એક વિચિત્ર ચમકારી થઈ આવી. ધોધના ઠેઠ ચરણમાં તો નહીં, પણ ચરણની પાસે તો જઈ આવ્યા! ત્યાં જઈને જેણે એ ચમકારી નથી અનુભવી તેનું ધોધનું દર્શન અધૂરું જ છે.

અમે પાછા ઉપર ચડ્યા, હાંફતા અને આરામ લેતા. સંધ્યા થઈ ગઈ હતી. આવીને જમ્યા અને ડાકબંગલાના અમારા ઓરડામં બેઠા, પણ ચેન ન પડ્યું. થાક્યા હતા છતાં વળી વળીને ઓટલા પર જઈ ધોધ જોવાની ઇચ્છા થયા કરતી. મેં માનેલું રાત પડશે એટલે ધોધ અદૃશ્ય થઈ જશે; પણ ત્યાં તો દૃશ્ય વિપરીત જ દેખાયું.

કૃષ્ણપક્ષ હતો, રાત્રિ ઠીક ઠીક અંધારી હતી. ખીણમાં અંધકાર છલોછલ ભરાઈ ગયો હતો. અંદરથી ફાનસના અજવાળે ઝંખાયેલી આંખોને પ્રથમ તો કંઈ ન દેખાયું, પણ પછી, શ્યામ ભૂમિકાવાળા પાટિયા પર કોઈ ચિત્ર શનૈ: શનૈ: આલેખાતું હોય તેમ ધોધની ધારાઓ ખીલવા લાગી. પહેલાં સહેજ સફેદ, પછી એથી વધુ સફેદ, પછી એથીય વધુ સફેદ, અને થોડી જ ક્ષણમાં એ ચારે શ્વેત પ્રવાહો એ અંધકારમાં ઝળહળી રહ્યા એમ કહીએ તો ચાલે. દિવસના કરતાંય આ દૃશ્યમાં વધારે રમણીયતા હતી. દિવસે ચિત્તને વિક્ષોભ કરનારી આજુબાજુની વિગતો અંધકારમાં મળી ગઈ હતી અને કેવળ ધોધના શ્વેત પ્રવાહો એકલા અજોડ નીચે વહી રહ્યા હતા. અને તેમનું સંગીત એક મહાનાદ જાળવીને નાના નાના વિવિધ નાદોની રચના કરી રહ્યું હતું.

જગતમાં સૌંદર્યની કેટલીક એવી વસ્તુઓ છે કે જે અમુક માણસને જ આકર્ષક લાગે છે. વળી તે અમુક સમયે, અમુક દૃષ્ટિકોણથી જ મોહક લાગે છે. જોગના ધોધને વિશે એથી વિપરીત વાત છે. એ ધોધનાં કેટલાંયે પર્યટનો કરનાર એક મિત્રે મૈસૂરમાં કહેલું તે અક્ષરશ: સત્ય લાગે છે. જોગના ધોધ ગમે તે સમયે, ગમે તે સ્થિતિમાં, ગમે તે બાજુથી મોહક જ છે. ચાંદનીમાં કે અંધારીમાં, સવારે, બપોરે, સાંજે, શિયાળે કે ઉનાળે કે ચોમાસે, તેનું સૌંદર્ય નિત્યરમણીય જ રહે છે. જગતમાં રસિક ગણાતા બધા પદાર્થો અમુક આસ્વાદ પછી કંટાળો ઉપજાવે છે. આ ધોધ અનેક વારનાં દર્શન પછી પણ તેટલો જ આહ્લાદક રહે છે.

છેવટે અમે અમારા ઉતારામાં ગયા. અમે અરસપરસને કાનડી અને ગુજરાતી કાવ્યો, ગીતો, લોકગીતો સંભળાવ્યાં. દૂર ધોધ ગાજી રહ્યો હતો. પ્રકૃતિના એ સંગીતની આગળ માણસનું સંગીત ક્ષુદ્ર લાગતું હતું. પ્રકૃતિ આગળ માણસ ક્ષુદ્ર દેખાય છે, છતાં પણ તેણે પ્રકૃતિને મચક આપી નથી. ઊલટું તેને પોતાના વિકાસની ભૂમિ કરી લીધી છે. ધોધના ભવ્ય ગાનની ‘સા’ શ્રુતિ ઉપર અમારાં નાનકડાં ગીતો અમે પણ ગાયાં. એમાંય તારા, પંખી અને માણસના કલ્લોલ હતાં. તોય અમારા ગાનને પૂરું થવું પડ્યું. ધોધના ગાનને એ મર્યાદા ન હતી. એ અદ્ભુત હાલરડું સાંભળતાં સાંભળતાં અમે શય્યાધીન થયા; પણ મારા અધીરા જીવને બહુ કળ ન વળી. રાત્રે ઊઠીને બારી ખોલીને પણ એક-બે વાર ધોધ જોઈ લીધો! સ્વપ્નમાં એક કલ્પના થઈ આવી કે ધોધ બંધ થઈ જાય તો! નદીનું પાણી તો તળાવમાં ભરી લેવાય તેટલું છે. કોઈ ભીમ જેવો પુરુષ આવીને આડો પડીને સૂઈ જાય તોય આ ધોધ અટકી પડે! ઝબક્યો અને જાગ્યો! ના ના, ધોધ ત્યાં જ હતો જ. ઈશ્વરની પેઠે તે તેવો ને તેવો જ કરુણાળુ, સુંદર, ભવ્ય ઝર્યા કરતો હતો અને પોતાના મહા કંઠરવથી જગતને અભયદાન આપી રહ્યો હતો.

સવારે ઊઠીને અમે રાજા હિલ ફરી આવ્યા. બંગલાની દક્ષિણ દિશામાં એ લાંબી ઊંચી પડી છે. એનું પરિભ્રમણ બેએક માઈલનું છે. અને તે પર ફરવાને સુંદર રસ્તો કરેલો છે. જતાં જતાં પશ્ચિમમાં ખીણની ઉપર એક ચોતરો આવ્યો. અહીંથી શરાવતીને સમુદ્રમાં લઈ જનારી ખીણ લાંબી વિસ્તરતી દેખાતી હતી. એમાં શરાવતી ક્યાંય લપાઈ ગઈ હતી. ત્યાં એક નાનકડું મઝાનું દર્શન થયું. ખીણની પેલી બાજુની ટેકરીઓ પરથી એક નાનકડું ઝરણું પડ્યા કરતું હતું. લીલી શ્યામળ ટેકરીઓમાં પોતાની ધવલ તનુ-રેખાથી તે યાત્રાળુને મૂંગી ફરિયાદ કરતું હતું કે ધોધના મોહમાં મને જોવાનું રખે ભૂલતા!

ટેકરી પરથી અમે પૂર્વમાં નીચે ઊતર્યા. રસ્તો બરાબર પાર્વતીના મથાળા પાસે અટકી જતો હતો. ત્યાં લગી તો ઢોર પણ આવતાં હતાં. નાના નાના પથ્થરોમાં ઢીંચણ જેટલાં પાણી રમતાં રમતાં જતાં હતાં. થોડે દૂર બીજો પ્રવાહ હતો. અહીંથી જરા સાવચેતીથી પ્રવાહ ઓળંગી અમે આગળ ગયા. કેટલાક મિત્રોની ઉત્સુકતાનો પાર ન હતો. તે ખીણના મથાળા તરફ વધ્યે જ ગયા. અરે, ખડક પકડીને ઊતરવા પણ લાગ્યા! હું પણ ઊતર્યો. નાનકડી બખોલ હતી. ત્યાં આગળ પાર્વતીનો એક પ્રવાહ અમારી બરાબર પાસે થઈ નીચે ધસ્યે જતો હતો, ૮૦૦થી ૧૦૦૦ ફીટ નીચે! બીજી બાજુએ પાર્વતીનો બીજો પ્રવાહ ધસતો હતો. એ બખોલમાં – પાર્વતીની લટો વચ્ચે નાની જૂ જેવા કે પછી નાનકડા ફૂલ જેવા અમે બેસી આવ્યા. પાર્વતીમાતાએ એટલી ધૃષ્ટતા માફ કરી હશે જ, યા તો તે પ્રસન્ન પણ થઈ હશે.

વખત થોડો હતો. અમે નાઠા. શરાવતીને પાછી ગઈ કાલને સ્થળેથી ઓળંગી. પશ્ચિમમાં માઈલેક આવ્યા રાજાના મથાળે. રુદ્રનું ભવ્ય ભયાનક રૂપ અહીં જોયું ત્યારે તેની વિરાટ ગર્જનાનો ખ્યાલ આવ્યો. પ્રચંડ અજગર જેવો તે મથાળેથી ત્રાંસો ઉત્તરમાં ધસે છે, અને ત્યાંથી પાછો અફળાઈને નીચે પડે છે. સાંકડી નીકમાંથી વહેતાં એની ગર્જના અકલ્પ્ય વિરાટ ધ્વનિ પ્રગટાવે છે. એનો વેગ અને એની પછાડ રાજાને પણ ઘડી વાર ઝાંખો પાડી દે છે.

રાજા ઘણો સ્વસ્થ હતો. એને મથાળે પાણી ધીરે ધીરે આગળ ચાલે છે અને પેલા અર્ધચંદ્રાકારના પથ્થરના ઊમરા ઉપરથી નીચે ઝુકાવે છે. પાણીને પોતાના સ્વરૂપની પૂરેપૂરી ખાતરી છે. ખાડા-ટેકરામાં અથડાતાં અથડાતાં આવ્યાં અને હજી તેનાં તે જ રહ્યાં છે. તો હવે આ ખીણથી શું ડરી જઈશું? અને પાણીને વળી પડવાનો ડર શો? પડવું અને પલાળવું એ જ પાણીનું કામ છે. ઊંચે વાદળમાંથી પડ્યાં તો હવે આ ખીણને મથાળેથી પડવામાં બીવાનું? નહીં, પોતે અજર છે, અમર છે. બરફ, પાણી કે વરાળ ગમે તે રૂપે પોતે પાણી તે પાણી જ છે. એ ખાતરીપૂર્વક ખીણને પૂરી દેવી હોય તેમ તે નીચે ધસે છે. એ ધસારામાંથી, એ બલિદાનમાંથી જ તેના ગૌરવનું ગાન પ્રારંભાય છે, તેના વિજયનો પ્રારંભ થાય છે, તેની કીર્તિની કમાન જેવાં મેઘધનુષ રચાય છે. બલિદાનની અમર ગાથા જેવો એ પ્રવાહ અપ્રતિહત વેગે વહે છે.

ધોધની પાસેના ખડકોએ પોતાની અણીદાર ચિબુકો ખીણ પર ઝુકાવી છે. તેના પર લાંબા સૂઈને સર્વસ્વ સમર્પણના ભાવથી સાષ્ટાંગ થઈને જ રાજાનાં વિરાટ ચરણનાં દર્શન કરવાં શક્ય બને છે. કેટલું ગજબનું ઊંડાણ! ધોધ નીચે ક્યાં જાય છે તે દેખાય જ નહીં. રસ્તે સફેદ વરાળમાં જ ધોધ અલોપ થઈ જાય છે. એ ધોધને ઝીલનાર ભૂપૃષ્ઠનો મહિમા પણ ધોધ જેટલો જ મહાન ગણવો જોઈએ, પણ એ ભૂપૃષ્ઠ શેનું બનેલું હશે? શિલાનું, લોહીનું કે વજ્રનું? ના. એ ભૂપૃષ્ઠ, ધોધ પ્રારંભાયો ત્યારે ગમે તેનું હો, અત્યારે તો એ કોરાઈને ત્યાં એક નાનકડું કાસાર બની ગયું છે. અને પાણીની એ વજ્ર અભેદ્યતા જ આટલા પ્રચંડ ભેદક ધોધને ઝીલી શકે.

નીચેથી ઊંચે એક મેઘધનુષ ખેંચાયેલું દેખાયું. ધોધની પાછળ મઝાનો ગોળ કમાન આકારનો ખડક હતો. તે બધો ભાગ ખાલી જ હતો. પંખીઓના અહીં કેટલાય માળા હશે, કેટલાંય બચ્યાં ત્યાં હશે. એમને તથા એમનાં માબાપને પોતાની ધન્યતાની ખબર હશે?

ધડકતે હૃદયે અમે રાજાને જોયો અને પાછા વળ્યા. ત્યાં તો રાજાના માથા ઉપર બેસી એક સ્ત્રી કપડાં ધોતી દેખાઈ! અરે બિચારો રાજા! આટલા પ્રતાપી ધોધની માથે, સૌંદર્યના ધામની અંદર કપડાં ધોવાનાં! ધોધમાં જો માણસનું ખુન્નસ હોત તો તે નીચે જવાને બદલે ઉપર ઊછળત; પણ તે પ્રકૃતિનો ઉદારચરિત પુત્ર હતો. ના, તેને કશો રોષ ન હતો. સ્ત્રી શા માટે કપડાં ન ધુએ? ત્યાં રોજની રહેનારી સ્ત્રીને એ બીજી કઈ રીતે ઉપયોગી થાય? ધોધને થોડે ઉપરવાસે પણ પાણી નાનકડા ધોધ રૂપે પડતાં હતાં; પણ તેનું કોઈ નામે લેતું ન હતું.

ટેકરીઓની એ સભામાં અનાદિ કાળથી મહાગાન કરી રહેલા ધોધને મૂકી અમે પાછા વળ્યા. એટલું બધું જોયું હતું, વળી વળીને, ફરી ફરીને, ચડી ચડીને અને ઊતરી ઊતરીને એટલું બધું જોયું હતું છતાં, આ સૌંદર્ય પાસેથી દૂર જવાની ઇચ્છા થતી ન હતી. પણ હજી જોઉં, હજી જોઉં કરી રહેલી આંખોને મોટરે રસ્તાના વળાંકોમાં ગૂંચવી દીધી. ધોધના પ્રપાતસંગીતને મોટરના ઘરઘરાટે ક્યારે ભક્ષી લીધું તેની ખબર ન રહી.

એ જ મનોહારી માર્ગે અમે પાછા વળ્યા. એ ચડતા-ઊતરતા રસ્તા, રસ્તાની બાજુનાં જંગલો, ખુલ્લાં ખેતરો, તેમાંના લીલાછમ ડાંગર-શેરડીના પાક અને શેતરંજનાં પેદાં જેવાં ઘાસના કૂંધવાં, વિચિત્ર પ્રકારનાં ઘર, ખેતરોને ઈંટોની વાડો, શાહી જેવાં શ્યામ શરીર પર ચળકતાં ચાંદીનાં ઘરેણાં પહેરી છો વહેતી બુઢ્ઢી મજબૂત સ્ત્રીઓ જોતાં જોતાં, અને લોકોની વિચિત્ર બોલી સાંભળતાં અમે શિમોગા આવી પહોંચ્યા.

જીવનમાં જોયેલું ઘણું ભુલાશે, પણ આ દર્શન નથી ભુલાવાનું. જોગના ધોધ જગતના ઊંચા ધોધમાંના એક છે; અદ્ભુત છે, સર્વ અવસ્થામાં સુંદર છે. એની અલૌકિક સુષમા અવર્ણ્ય છે. એ બધું છતાં એ ન ભુલાવાનું કારણ એણે જે અકલ્પ્ય અનુભવો કરાવ્યા છે તે છે. જીવનનાં બીજાં તમામ સંવેદનોને પોતાની પ્રગલ્ભ વિભૂતિથી ઢાંકી દેતું આવું એકે માનુષી કે પ્રાકૃતિક સત્ત્વ આ પૂર્વે મેં ન દીઠું હતું, ન અનુભવ્યું હતું.

હજીયે કાનમાં ધોધની એ પ્રચંડ ભવ્ય ગીતિ અથડાયા કરે છે, એની ફરફર શરીરને ભીંજાવ્યા કરે છે, અને પ્રકૃતિનાં ભવ્ય અને નાજુક, રુદ્ર અને રમણીય ચરણોમાં અનુભવેલા રોમાંચ અને હૃત્કંપ હજી તેવા ને તેવા થયા કરે છે. આંખ મીંચતાંવેંત મન આગળ એ ધારાઓ વહેવા માંડે છે, અને એ ક્ષણો પાછી તેવી ને તેવી જીવંત બનીને આવી પહોંચે છે.