ગુજરાતી બાળવાર્તા સંપદા/આનંદી કાગડો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આનંદી કાગડો

ગિજુભાઈ બધેકા

એક કાગડો હતો. તે એક વાર રાજાના વાંકમાં આવ્યો, એટલે રાજાએ તેના માણસોને કહ્યું - જાઓ; આ કાગડાને ગામના કૂવાના કાંઠે ગારો છે તેમાં નાખી ખૂંતાડીને મારી નાખો. કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં ખૂંત્યા ખૂંત્યા આનંદથી બોલવા લાગ્યા -

ગારામાં લપસણું કરતાં શીખીએ છીએ, ભાઈ !
ગારામાં લપસણું કરતાં શીખીએ છીએ.

રાજા અને તેના માણસો તો નવાઈ પામ્યા કે આ કાગડો ખૂંતવાથી દુઃખી થવાને બદલે આનંદથી કેમ બોલે છે ? રાજાને ક્રોધ ચડ્યો અને બીજો હુકમ કર્યો - નાખો એને કૂવામાં, એટલે ડૂબીને મરી જાય. કાગડાને કૂવામાં નાખ્યો. કાગડાભાઈ તો કૂવામાં પડ્યા પડ્યા બોલ્યા -

કૂવામાં તરતાં શીખીએ છીએ, ભાઈ !
કૂવામાં તરતાં શીખીએ છીએ.

રાજા કહે - હવે તો આ કાગડાને આથી વધારે સખત શિક્ષા કરવી જોઈએ. પછી તો કાગડાને કાંટાના એક મોટા એવા જાળામાં નખાવ્યો. પણ કાગડાભાઈ તો એના એ જ રહ્યા. વળી પાછા આનંદી સૂરે ગાતાં ગાતાં બોલ્યા -

કૂણા કાન વીંધાવીએ છીએ, ભાઈ !
કૂણા કાન વીંધાવીએ છીએ.

રાજા કહે - કાગડો તો ભારે જબરો ! ગમે તે દુઃખમાં એને દુઃખ તો થતું જ નથી. ચાલો જોઈએ, હવે સુખ થાય એવે ઠેકાણે નાખવાથી એને દુઃખ થાય છે ? પછી કાગડાભાઈને એક તેલની કોઠીમાં નાખ્યા. કાગડાભાઈને તો એ પણ સવળું જ પડ્યું. ખુશ થઈ એ બોલ્યા -

તેલ કાને મૂકીએ છીએ, ભાઈ !
તેલ કાને મૂકીએ છીએ.

પછી તો રાજાએ કાગડાને ઘીના કુડલામાં નાખ્યો. એમાં પડ્યો પડ્યો પણ કાગડો તો બોલ્યો -

ઘીના લબકા ભરીએ છીએ, ભાઈ !
ઘીના લબકા ભરીએ છીએ.

રાજા તો ખૂબ ખિજાયો ને કાગડાને ગોળની કોઠીમાં નખાવ્યો, કાગડાભાઈ તો પાછા મજાથી બોલ્યા -

ગોળનાં દડબાં ખાઈએ છીએ, ભાઈ !
ગોળનાં દડબાં ખાઈએ છીએ.

પછી રાજાએ કાગડાને ખોરડાની ઉપર ફેંક્યો, પણ ત્યાં બેઠાં બેઠાં કાગડો કહે -

નળિયાં ચાળતાં શીખીએ છીએ, ભાઈ !
નળિયાં ચાળતાં શીખીએ છીએ.

છેવટે થાકીને રાજા કહે - આ કાગડાને આપણે શિક્ષા કરી શકશું નહિ. એને મનથી કોઈ દુઃખ લાગતું નથી. માટે એને હવે ઉડાડી મૂકો અને પછી કાગડાને ઉડાડી મૂક્યો.