ગુજરાતી બાળવાર્તા સંપદા/એક બાંડો ઉંદર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
એક બાંડો ઉંદર

યશવન્ત મહેતા

એક હતી ઉંદરડી. એને એક વાર સાત બચ્ચાં આવ્યાં. છ બચ્ચાંને રૂડીરૂપાળી ને લાંબીલાંબી પૂંછડીઓ હતી, પણ સાતમું બચ્ચું સાવ બાંડું હતું. એને પૂંછડીને ઠેકાણે નાનકડું ઠેબું જ હતું. ઉંદરડીએ પોતાના એક બચ્ચાંને બાંડું જોયું. એની શરમનો પાર ન રહ્યો. એ તો ખૂબ લજાઈ મરી. એક મહિના સુધી એ દરની બહાર પણ નીકળી નહિ. બાંડા ઉંદરને એનાં ભાંડરું પણ ખીજવવા લાગ્યાં : “એય બાંડિયા ! તારી પૂંછડી ક્યાં ગઈ ? શું બિલ્લી ખાઈ ગઈ ?” બિચારો બાંડો ઉંદર શો જવાબ દે ? એ તો મૂંગોમૂંગો મશ્કરી ખમી લે. જીવ તો બહુ બળે. બધાં ભાઈ-બહેનોને રૂપાળી અણિયાળી પૂંછડી, અને એક પોતાને જ નહિ ! આ તે કાંઈ ઉંદરનો અવતાર કહેવાય ? ઘણી વાર એને ઓછું આવી જાય. એવી વેળાએ ખૂણે ભરાય. પોશપોશ આંસુએ રડે. એક વાર એણે ઉંદરડીને પૂછ્યું, “મા, મા, મને પૂંછડી કેમ નથી ઊગી ?” માએ છણકો કર્યો, “મેર મૂઆ, તું અભાગિયો છે ! એટલે જ ભગવાને તને પૂંછડી ન આપી. આવો અભાગિયો દીકરો ભગવાને મારે જ ઘેર કેમ આપ્યો ? જા હવે, દીસતો રહે !” માએ પણ આવો છણકો કર્યો. ભાઈભાંડુ તો સદાય મશ્કરી કરતાં, એટલે બાંડા ઉંદરે નક્કી કર્યું કે આ ઘેર રહેવું જ નથી. એ તો દરમાંથી બહાર નીકળ્યો. પહેલી જ વાર એણે દર છોડ્યું. દુનિયા નવીનવી લાગી. સૂરજના અજવાળાથી આંખો મીંચાઈ ગઈ. પછી માંડ તડકાથી ટેવાયો. નાકની દાંડીએ ચાલી નીકળ્યો. ચાલતો જાય છે, પણ ચેન નથી. આંખોમાંથી આંસુ વહે છે. પગ લથડિયાં ખાય છે. એક ચકલીએ તેને જોયો. એ ઊડતી-ઊડતી આવી. એણે પૂછ્યું, “નાનકડા ઉંદર, તું કેમ રડે છે ? આમ લથડિયાં ખાતોખાતો ક્યાં ચાલ્યો ?” બાંડો ઉંદર કહે, “હું સાવ અભાગિયો છું. મને પૂંછડી જ નથી.” ચકલી કહે, “પૂંછડી નથી તો શું થયું ? એમ તો મનેય પૂંછડી નથી !” ઉદર કહે, “તમે ઉંદર નથી ને ! ઉંદરને તો પૂંછડી હોવી જોઈએ. નહિતર એ અભાગિયો કહેવાય.” આમ કહીને બાંડો ઉંદર આગળ ચાલ્યો. હવે તો એ ખૂબ રડતો હતો. હીબકે ચડી ગયો હતો. રસ્તામાં એને હરણ મળ્યાં, શિયાળ મળ્યાં, વાઘ-સિંહ મળ્યા. એ સૌને મઝાની પૂંછડી હતી. એથી બાંડા ઉંદરને વધારે લાગી આવ્યું. બધાંને પૂંછડી અને એક મને જ નહિ ! અરેરે, હું સાચે જ અભાગિયો છું. બધાં એને હિંમત આપતાં. છાનો રાખવાની કોશિશ કરતાં, પણ બાંડા ઉંદરનું દુઃખ જરાય ઓછું ન થતું. આખા વગડામાં વાત ફેલાઈ ગઈ : એક નાનકડો બાંડો ઉંદર રડી રહ્યો છે. ઘર છોડીને નીકળી ગયો છે. એને કોણ મનાવશે ? કેટલાંક પશુ-પંખી ઘુવડ પાસે ગયાં. એને બાંડા ઉંદરની વાત કરી. ઘુવડ તો શાણું પંખી. એ કહે છે કે ચાલો, હું નાનકડા ઉંદરને મનાવું. ઘુવડ ઊડતો-ઊડતો ઉંદર પાસે આવ્યો. એણે કહ્યું, “કેમ નાનકડા દોસ્ત !” બાંડો ઉંદર કશું ન બોલ્યો. તે ખૂબ રડી રહ્યો હતો. ઘુવડ એની નજીક ગયો. પોતાની પાંખ વડે એણે ઉંદરની પીઠ પસવારી. એને છાનો રાખ્યો. પછી કહ્યું, “ભાઈ, મેં સાંભળ્યું કે તને પૂંછડી નથી એનું ભારે દુઃખ છે. ખરી વાત ?” બાંડા ઉંદરે માથું ધુણાવીને ઓશિયાળે અવાજે કહ્યું, “ખરી વાત.” ઘુવડ કહે, “એમાં દુઃખી થવાની જરૂર નથી. એ તો ખુશીની વાત છે.” બાંડો ઉંદર નવાઈ પામી ગયો. એ બોલ્યો, “એ તે કાંઈ ખુશીની વાત કહેવાતી હશે ? જેને પૂંછડી ન હોય એ ઉંદર તો અભાગિયો કહેવાય. મારી મા પણ એમ જ કહે છે.” ઘુવડ મંદમંદ હસીને કહે, “નાનકડા ઉંદર, તને પૂંછડી નથી એ તો સાચે જ ખુશીની વાત ગણાય. તું જ કહે, તેં કોઈ પૂંછડી વગરનો ઉંદર કદી જોયો છે ખરો ?” ઉંદરે માથું ધુણાવ્યું. ઘુવડ કહે, “તો બસ ત્યારે ! અલ્યા, તું તો નવી નવાઈનો ઉંદર છે. દુનિયાએ કદી ન દીઠો હોય એવો ઉંદર છે. તું તો જોવાલાયક જીવ છે. છાપામાં તારા ફોટા છપાશે અને ચોપડીઓમાં તારી વાર્તા છપાશે. બોલ, કેટલા લોકો આવા ભાગ્યશાળી હોય છે ?” નાનકડો ઉંદર હસું-હસું થઈ રહ્યો. એણે પૂછ્યું : “શું સાચે જ ? સાચે જ હું નવી નવાઈનો ઉંદર છું ?” ઘુવડ કહે, “અરે, નવી નવાઈનો અને ફોટા છપાવાને લાયક ! એ કાંઈ નાનીસૂની વાત નથી.” હવે બાંડો ઉંદર ખરેખર હસી પડ્યો. એનું દુઃખ ક્યાંય હવામાં ઊડી ગયું. હવે એ ટટાર થઈ ગયો. નાચતો ને કૂદતો અને છાતી કાઢતો ઘરે ગયો. હવે કોઈ એને બાંડો કહે તો એ સામું પૂછતો : “જરા કહો તો ખરા, દુનિયામાં પૂંછડી વગર જન્મેલા ઉંદર કેટલા ? હું એકલો જ ને ?”