ગુજરાતી મુક્ત દીર્ઘ કવિતા/કૃતિ-પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



કૃતિ-પરિચય

‘ગુજરાતી મુક્ત દીર્ઘ કવિતા’

‘દીર્ઘ કવિતા’ સંજ્ઞાએ, ભાઈશ્રી દીપક રાવલના એ વિષય પરના શોધનિબંધ દરમ્યાન, અમને ઠીક ઠીક મૂંઝવ્યા. એને કોઈ સ્વરૂપ લક્ષણો હોય કે નહીં, અને હોય તો કેવાં હોય એની પણ ખાસ્સી મૂંઝવણ થઈ. અહીં અમને ચિત્રકલામાં પ્રયોજાતો 'ફ્રીહેન્ડ ડ્રોઈંગ’ શબ્દસમૂહ મદદમાં આવ્યો. એમાં જેમ એક પ્રકારની મુક્તિ છે એમ દીર્ઘ કવિતામાં પણ એક પ્રકારની મુક્તિ છે. આમ છતાં એમાં સ્વચ્છંદતા નથી. ચિત્રમાં જેમ આંતરિક સમતુલાનું નિર્માણ કરવું અનિવાર્ય છે એમ કાવ્યમાં પણ અંતર્ગત સમતુલા તો રચવી જ પડે. કવિએ સ્વીકારેલા ભાષાલયની સામે એના કથયિતવ્ય સાથેની સમતુલાને આધારે આવા કાવ્યનું સ્વરૂપ નિશ્ચિત થઈ શકે. બાહ્ય રૂપ નહીં, પણ આવું આંતરિક, સાવયવિક સ્વરૂપ એની રચનાનું જીવાતુભૂત તત્ત્વ બની શકે. આ દ્રષ્ટિએ ગુજરાતી કવિતામાં પ્રગટેલા આ નવા વલણને ‘મુક્ત દીર્ઘ કવિતા’ તરીકે ઓળખવવાનું સ્વીકાર્યું.

— સતીશ વ્યાસ

***


કોઈ પણ સંવેદનશીલ સર્જક યુગસંદર્ભથી અસ્પૃષ્ટ રહી શકતો નથી. દરેક યુગને પોતાની આગવી મુદ્રા હોય છે, આગવો મિજાજ હોય છે, આગવું સંવેદન હોય છે અને કોઈ પણ સર્જક માટે પોતાના યુગની મુદ્રા, મિજાજ, સંવેદનની અભિવ્યક્તિ એક મોટો પડકાર હોય છે. આ યુગચેતનાને શબ્દરૂપ આપવા માટે સર્જક અવનવીન તરેહોની શોધ કર્યા કરતો હોય છે. આ શોધપ્રક્રિયામાંથી જ નવોન્મેષ પ્રગટી આવતા હોય છે. મુક્ત દીર્ઘ કવિતા સ્વતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં પ્રગટેલો આવો જ એક નવોન્મેષ છે. ‘છિન્નભિન્ન છું’ કાવ્યથી આરંભાયેલી મુક્ત દીર્ઘ કાવ્યોની સર્જનયાત્રા આજપર્યંત અનવરત ચાલતી રહી છે. આ મુક્ત દીર્ઘ કાવ્યોની સર્જન પરંપરાનો આછો ખ્યાલ મળી રહે અને મુક્ત દીર્ઘ કવિતાની Identity સ્પષ્ટ થાય એવા આશયથી અમે આ સંપાદન કરવા પ્રેરાયા છીએ. આ પ્રકારનું આ પહેલું જ સંપાદન છે.

— દીપક રાવલ