ગુજરાતી મુક્ત દીર્ઘ કવિતા/સંપાદકોનો પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સંપાદકોનો પરિચય
Satish Vyas.jpg


સતીશ વ્યાસ

પ્રો. ડૉ. સતીશ ઘનશ્યામભાઈ વ્યાસનો જન્મ ધંધુકા તાલુકાનાં રોજકા ગામે તા- 10 ઓક્ટોબર, 1943ના રોજ થયો હતો. માતા રસિલાબહેનને વાચનનો શોખ. પિતા ઘનશ્યામભાઈ નાટ્ય રસીક. એ કારણે સાહિત્ય અને નાટક પ્રત્યેની પ્રીતિ વારસામાં મળી. સતીશભાઈએ શાળાકીય શિક્ષણ વતન સૂરતમાં લીધું. ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી ભાષાસાહિત્ય સાથે 1965માં બી.એ. થયા. એ જ વિષયમાં 1967માં એમ.એ થયા. તેમણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ડૉ. જયન્ત પાઠકના માર્ગદર્શનમાં ‘આધુનિક કવિતાની ભાષા: પ્રયોગ, વિનિયોગ અને સિદ્ધિ’ વિષય પર 1981માં પીએચ.ડીની પદવી પ્રાપ્ત કરી. સતીશભાઈ 1967માં શેઠ કે. કે આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ધંધુકામાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે જોડાયા અને 1987 સુધી ત્યાં સેવાઓ આપી. આ કૉલેજમાં અધ્યાપનની સાથે સાથે તેઓ કળા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે જોડાયા. તેમના માર્ગદર્શન અને દિગ્દર્શનમાં એકાંકી અને ત્રિઅંકી મળીને લગભગ સવાસો નાટકોનું મંચન થયું. આ કળાપ્રવૃત્તિએ વિદ્યાર્થીઓની અને નાગરિકોની કળા પ્રત્યેની ઋચી ઘડવામાં ઓપન યુનિવર્સિટી જેવુ કાર્ય કર્યું. તેઓ 1987માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા અને 1992થી 1999 દરમિયાન રીડર અને 2000થી પ્રોફેસર તરીકે સેવાઓ આપી. સતીશ વ્યાસની પ્રતિષ્ઠા એક ઉત્તમ વિવેચક, સંનિષ્ઠ અધ્યાપક, કુશળ વક્તા અને ઉત્તમ નાટ્યકાર તરીકેની છે. તેમના માર્ગદર્શનમાં લગભગ ત્રીસથી વધુ વિદ્યાર્થીઓએ પીએચ.ડીની પદવી પ્રાપ્ત કરી છે. તેમના સુડતાલીસ પુસ્તકો પ્રકાશિત થયા છે. તેમનાં એકાંકી સંગ્રહો છે ‘નો પાર્કિંગ’ ‘તીડ’ અને ‘પૂતળીબાઈ’. અગીયાર દીર્ઘ નાટકો ‘પશુપતિ’, ‘જળને પડદે’. ‘અંગુલીમાલ’, ‘કામરુ’, ‘ધૂળનો સૂરજ’, ‘અમે અહીંથી નહીં જઈએ’, ‘મેં ગંદેવીનો ગલો’, ‘અરણ્યા’, ‘મન મગન હુઆ’, ‘એક હતો રાજા’ અને ‘બાલ્કની’, પ્રકાશિત થયા છે. સતીશભાઈ માને છે કે ‘ભજવાય નહીં તો નાટક નહીં’. તેમનાં બધા જ નાટકો એક કરતાં વધુ વખત ભજવાયા છે અને અનેક નાટ્ય સ્પર્ધાઓમા વિજેતા બન્યા છે. ‘જળને પડદે’ નાટકના લગભગ 88 શો થયા છે! તેમના નાટકોનો હિન્દી, મરાઠી, અંગ્રેજી ભાષામાં અનુવાદ થયો છે. તેમનાં દીર્ઘનાટકોનું સંપાદન ‘સમગ્ર નાટક’ નામે દીપક રાવલે કર્યું છે અને સમગ્ર એકાંકીઓનું સંપાદન પ્રો. ચીમનભાઈ કોળી તથા ભરત પરીખે ‘સતીશ વ્યાસના શ્રેષ્ઠ એકાંકી’ નામે કર્યું છે. સતીશભાઈએ ગુજરાતી સાહિત્યમા મૌલિક નાટકો નથી એમ કહેવાતું હતું તે મહેણું ભાંગ્યું છે. સતીશભાઈનાં પુસ્તકો ગુજરાતની દરેક યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સ્થાન પામ્યા છે. તેમની કૃતિઓ ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ અને બીજી અનેક ગણમાન્ય સંસ્થાઓ દ્વારા પુરસ્કૃત થઈ છે.

– દીપક રાવલ

Dipak Raval.jpg


દીપક રાવલ

દીપકકુમાર હિંમતલાલ રાવલનો જન્મ પીપળવા (જિ. અમરેલી)માં તા- 4 માર્ચ, 1957ના રોજ થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ધંધુકાની બિરલા એન્ડ હરજીવનદાસ હાઈસ્કૂલમાં લીધું. ગુજરાતી વિષયમાં બી.એ. (1980) કે. કે. આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ધંધુકામાં, 1982માં ગુજરાત યુનિવર્સિટીમાં ગ્રંથાલય વિજ્ઞાનમાં B.LIB.SC થયા. એમ.એ (1984)નો અભ્યાસ આર્ટ્સ કૉલેજ મોડાસામાં કર્યો. પ્રો. સતીશ વ્યાસનાં માર્ગદર્શનમા ‘અદ્યતન દીર્ઘ કવિતા’ વિષય પર સંશોધન કરીને 1991માં પીએચ.ડીની પદવી પ્રાપ્ત કરી. સૌ પ્રથમ ગ્રંથપાલ તરીકે આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ભિલોડામાં કારકિર્દીનો આરંભ કર્યો. 1988માં આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ખેડબ્રહ્મામાં ગુજરાતી વિષયના વ્યાખ્યાતા તરીકે જોડાયા. એ જ કૉલેજમાં 2000માં પ્રિન્સિપાલના પદ પર નિયુક્ત થયા. તેમણે 2005માં સ્વૈચ્છીક નિવૃત્તિ સ્વીકારી અને HSMP વિઝા મેળવી લંડન, ઈંગ્લેન્ડ ગયા. લંડનમાં થોડો સમય ત્યાંના ‘ગુજરાત સમાચાર’માં ‘એસોસિએટ એડિટર’ તરીકે સેવાઓ આપી. તેઓ કૌટુંબિક કારણોસર 2008માં ઈંગ્લેન્ડથી પાછા આવ્યા અને પાલનપુરની ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કૉલેજમાં પ્રિન્સિપાલ તરીકે જોડાયા અને ત્યાં 2009થી 2014 સુધી સેવાઓ આપી. 2014માં એમ. એસ. યુનિવર્સિટી ઑફ બરોડા, વડોદરાના ગુજરાતી વિભાગમાં પ્રોફેસર અને હેડ નિમાયા. 2019માં વયનિવૃત્ત થયા. વાચન, લેખન અને અભિનય તેમની ગમતી પ્રવૃત્તિઓ રહી છે. દીપક રાવલનાં ચૌદ પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેમનું પ્રથમ પુસ્તક ‘મુક્ત દીર્ઘ કવિતા’ 1992માં પ્રકાશિત થયું. બીજું પુસ્તક ‘ગુજરાતી મુક્ત દીર્ઘ કવિતા’ (સહસંપાદક સતીશ વ્યાસ) પ્રકાશિત થયું જે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર અને મુંબઈ યુનિવર્સિટીના એમ.એ.ના અભ્યાસક્રમમાં સ્થાન પામ્યું હતું. ‘શબ્દપ્રેક્ષા’, ‘સાહિત્યનો આસ્વાદ’ (અન્ય સંપાદકો સાથે) વિવેચનનાં પુસ્તકો છે. સતીશ વ્યાસના દીર્ઘ નાટકોનું સંપાદન ‘સમગ્ર નાટક’ નામે પ્રગટ થયું છે. ‘બારી’ તેમનો વાર્તાસંગ્રહ છે. ડૉ. મદનમોહન શર્માએ ‘બારી’ વાર્તાસંગ્રહનો હિન્દી અનુવાદ ‘ખીડકી’ નામે કર્યો છે. પ્રો. રમેશ પટેલ અને પ્રો. નિસર્ગ કોઠારીએ ‘બારી’ સંગ્રહની વાર્તાઓનો અંગ્રેજી અનુવાદ 'Hesitation & other stories’ નામે કર્યો છે. તેમની કેટલીક વાર્તાઓનો અનુવાદ મરાઠી, બંગાળી, કન્નડ, તમિળ અને તેલુગુ ભાષાઓમાં પણ થયો છે. ‘મારી કથા’, ‘છેલ્લા સાક્ષીઓ’, ‘દસ ધર્મ’ અનુવાદનાં પુસ્તકો છે. હિન્દી લેખિકા ગગન ગિલના પ્રવાસગ્રંથ ‘અવાક’નો અનુવાદ ટૂંક સમયમાં પ્રકાશિત થવાનો છે. તેમનો ‘શબ્દચક્ષુ’ નામે વિવેચન ગ્રંથ અને અનુવાદ કાવ્યોનું પુસ્તક પણ પ્રેસમાં છે. તેમના લેખ, સમીક્ષાઓ વિવિધ સામયિકોમાં પ્રગટ થતાં રહે છે.