ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આંબાજી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આંબાજી [જ. ઈ.૧૬૧૬] : ઝીંઝુવાડાના ઝાલા રાજવી યોગરાજના પુત્ર. માતા ગંગાદેવી. મોટાભાઈ સામંતસિંહ [જ. ઈ.૧૬૧૨/સં. ૧૬૬૮, અસાડ સુદ ૧૫ - અવ. ઈ.૧૭૩૦/સં. ૧૭૮૬, ચૈત્ર વદ ૩૦) સાથે કબીરપરંપરાના સ્વામી યાદવદાસ પાસે ઈ.૧૬૩૦માં દીક્ષા બંને ભાઈઓનાં દીક્ષા પછીનાં નામ અનુક્રમે અમરપ્રસાદ-ચૈતન્ય/અમરદાસ અને ષટ્પ્રજ્ઞચૈતન્ય/ષષ્ટમદાસ. ષટ્પ્રજ્ઞદાસ ઈ.૧૬૩૪માં દૂધરેજની ગાદીના આચાર્ય બન્યા અને પછીથી છઠ્ઠા બાવાને નામે ઓળખાયા. અમરદાસનું બીજું નામ ભજનાનંદ હોવાનું અને તેમણે ભેંસાણમાં સમાધિ લીધી હોવાનું નોંધાયું છે. આ સંપ્રદાયમાં નિર્ગુણ ઉપાસના સાથે રામભક્તિનું મિશ્રણ થયેલું છે અને એના અનુયાયી મુખ્યત્વે રબારી છે, જે આંબા(અમરદાસ)ને અથવા ખડા(ષષ્ટમદાસ)ને માનનારા હોય છે. ‘આંબો છઠ્ઠો’ એ નામછાપથી ૨ પદ મુદ્રિત મળે છે અને અન્ય પદો ગવાતાં હોવાનું કહેવાય છે તે અમરદાસજીની રચના હોય અને એમણે આદરથી છઠ્ઠા બાવાનું નામ જોડ્યું હોય એવો સંભવ વધારે છે, કેમ કે અમરદાસજી ભજનો રચતા હતા એવી માહિતી મળે છે. બન્ને ગુરુનામોને જોડીને પાછળથી આ રચનાઓ થઈ હોય એવો સંભવ પણ સાવ નકારી ન શકાય. કૃતિ : ૧. પરમાર્થસાર, સં. નરસિંહ શર્મા, ઈ.૧૯૦૩; ૨. સોસંવાણી. સંદર્ભ : ૧. રામકબીરસંપ્રદાય, કાંતિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨; ૨. સત્પુરુષચરિત્રપ્રકાશ, માયારામજી, સં. ૧૯૮૯ [જ.કો.]