ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કાંતિવિજય-૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કાંતિવિજય-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં પ્રેમવિજયના શિષ્ય. એમનો ૪ ખંડ અને ૯૧ ઢાળનો ‘મહાબલમલયસુંદરી-રાસ’ (ર.ઈ.૧૭૧૯/સં. ૧૭૭૫, વૈશાખ સુદ ૩; મુ.) મહાબલ અને મલયસુંદરીનાં જન્મ, પ્રણય, દાંપત્ય અને એમને સહેવાં પડેલાં કષ્ટોનું વૃત્તાંત, કેટલાંક આનુષંગિક વૃત્તાંતો સાથે વર્ણવે છે. અનેક ચમત્કારપૂર્ણ પ્રસંગોવાળી આ કૃતિમાં કવિ વર્ણન અને ભાવનિરૂપણની ક્ષમતા પ્રસંગોપાત્ત પ્રગટ કરે છે. વિવિધ દેશીઓમાં રચાયેલી અને ક્યાંક હિંદીનો આશ્રય લેતી ‘ચોવીશી’ (મુ.) અને ‘વીશી’ (મુ.) પ્રેમભક્તિની આર્દ્રતા તથા ક્વચિત્ શબ્દચમત્કૃતિના વિનિયોગથી જુદી તરી આવે છે. ‘ચોવીશી’માંનું ‘નેમિજિન-સ્તવન’ તો રાજુલની વિરહોક્તિઓથી વેધક બન્યું છે. આંતરયમકનો અંશત: ઉપયોગ કરતું ૯ ઢાળનું ‘સૌભાગ્યપંચમીમાહાત્મ્યગર્ભિત-નેમિજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૪૩/સં. ૧૭૯૯. શ્રાવણ સુદ ૫, રવિવાર; મુ.) ચારણી શૈલીના ૩૯ અને ૫૧ કડીનાં, એમ ૨ ’ગોડીપાર્શ્વજિન-છંદ’ (મુ.), ૩ ઢાળનું ‘મૌન-એકાદશીનું સ્તવન’ (ર.ઈ.૧૭૧૩/સં. ૧૭૬૯, માગશર સુદ ૧૧; મુ.), ૨ ઢાળનું ‘અષ્ટમી-સ્તવન’ (મુ.) ૧૫ કડીની ‘નેમિરાજિમતી-સઝાય’ (ર.ઈ.૧૭૧૫; મુ.), ‘જંબૂસ્વામિચરિત્ર’ પરનો સ્તબક (ર.ઈ.૧૭૦૮/સં. ૧૭૬૪, વૈશાખ સુદ ૩) તથા ૪ કડીની ‘સિદ્ધચક્ર-સ્તુતિ’ એ આ કવિની અન્ય કૃતિઓ છે. ગામો વગેરેની નામાયાદી દ્વારા મંદોદરીએ શ્લેષપૂર્વક રાવણને આપેલી શિખામણ રજૂ કરતી બાલાવબોધ સહિતની છપ્પાબંધની ‘હીરાવેધ-બત્રીસી’ (લે.ઈ.૧૭૪૩; મુ.) ગુરુનામના નિર્દેશ વિનાની છે પરંતુ ‘કહે કાંતિ’ એવી અન્ય રચનાઓમાં પણ મળતી નામછાપ તથા લેખનસમયને કારણે આ જ કવિની રચના હોવાનું સમજાય છે. કૃતિ : ૧. મહાબલમલયસુંદરીનો રાસ, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, સં. ૧૯૪૧;  ૨. ચોસંગ્રહ; ૩. જૈકાપ્રકાશ:૧; ૪. જૈકાસંગ્રહ; ૫. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. શેઠ મોતીચંદ ઝવેરી, ઈ.૧૯૧૯; ૬. પ્રાછંદસંગ્રહ; ૭. સઝાયમાળા(પં.);  ૮. બુદ્ધિપ્રકાશ, જુલાઈ-સપ્ટે. ૧૯૩૪-‘હીરાવેધ બત્રીસી’, સં. ભોગીલાલ જ. સાંડેસરા (+સં.). સંદર્ભ : ૧. જૈગૂસારત્નો: ૧;  ૨. જગૂકવિઓ: ૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.ર.દ.]