ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગરબી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ગરબી  : કૃષ્ણવિષયક ભક્તિશૃંગારનું આલેખન કરતી અને હીંચના તાલને કારણે સમૂહગત નૃત્યક્ષમતા ને ગેયતા ધરાવતી પ્રભુરામસુત દયારામની પદરચનાઓ ગરબીઓ તરીકે ઓળખાઈ છે. આ ગરબીઓની પ્રેમલક્ષણાભક્તિ ભાગવતપ્રેરિત છે એની લાંબી પૂર્વપરંપરા છે, પણ એમાં દયારામે ભાવ-વિભાવ-અનુભાવનું અને અભિવ્યક્તિતરાહનું અસાધારણ વૈવિધ્ય આણ્યું છે. અહીં ગોપાંગનાઓનાં આસક્તિ, અલ્લડ મુગ્ધભાવ, પરવશતા, વિરહવ્યાકુળતા, પ્રગલ્ભ વિલાસાકાંક્ષા માનિનીભાવ, રીસ, રોષ, સંયોગસુખ વગેરે અનેકવિધ હૃદયભાવો આલેખાયાં છે તેમાં કાવ્યશાસ્ત્રનિરૂપિત નાયિકાભેદ શોધી શકાય તેમ છે, પરંતુ આ આલેખન એવી તાજગીથી ને આગવી રીતે થયું છે કે એમાં દયારામની નારીહૃદયની ઊંડી સૂઝ વિશેષપણે પ્રગટ થતી જોઈ શકાય છે. કૃષ્ણનું પણ રસિકધૂર્ત નાયક તરીકેનું ચરિત્ર ઊભું થાય છે. ગરબીઓની માનવભાવોથી ધબકતી આ સૃષ્ટિએ ને એમાંના પ્રગલ્ભ શૃંગારે મુનશી જેવાને દયારામને ભક્તિકવિ નહીં પણ પ્રણયકવિ માનવા પ્રેર્યા છે. પણ દયારામની અન્ય રચનાઓની જેમ આ ગરબીઓ પણ એમની સાંપ્રદાયિક કૃષ્ણભક્તિનું પરિણામ છે અને એ ગરબીઓની મધુરભક્તિને ગુજરાતના નારીસમાજે ઉમળકાથી પોતના હૃદયમાં અને કંઠમાં ઝીલી છે. દયારામે પ્રેમની ઘેલછા ને મસ્તીના તથા નાયક-નાયિકાના રસિકચાતુર્યના આલેખનમાં વિનોદની કેટલીક સુંદર ક્ષણો ઝીલી છે. દયારામની ગોપી માત્ર દાસી નથી, સખી અને સ્વામિની પણ છે અને તેથી એમની ગરબીઓમાં તરલ, રમતિયાળ ભાવોના અપારવૈવિધ્યને અવકાશ મળ્યો છે, તો બીજી બાજુથી મીરાંમાં જે નરી કૃષ્ણસમર્પિતતા ને તેથી આવતી ભાવની ગહનતા-વેધકતા છે તે દયારામમાં આપણને અનુભવવા મળતી નથી. આ ગરબીઓ ભાવપરાયણ છે, કથન કે વર્ણનપરાયણ નહીં, તેમ છતાં એમાં કૃષ્ણરૂપ, રાધારૂપ, રાસક્રીડા, ઋતુ આદિનાં ચિત્રો પ્રસંગોપાત્ત આછા લસરકાથી મનોહર રીતે ઉઠાવાયાં છે. એક જ ભાવને સુઘડતાથી ને મનોરમ રીતે અભિવ્યક્ત કરતી દયારામની ગરબી કલાત્મક ઊર્મિકાવ્યના સુંદર નમૂના સમી બની રહે છે. અને એ છે નાટ્યાત્મક ઊર્મિકાવ્યો, કેમ કે લગભગ દરેક ગરબી ઉદ્ગાર રૂપે આપણી સમક્ષ આવે છે. થોડીક ગરબીઓ કૃષ્ણના ઉદ્ગાર રૂપે છે, કોઈક કૃષ્ણ-ગોપીના સંવાદ રૂપે છે, પણ ઘણીખરી ગરબીઓ ગોપીઓના ઉદ્ગાર રૂપે છે. એમાં આત્મોદ્ગાર છે તેમ સખી, કૃષ્ણ, ઉદ્ધવ, અક્રૂર, વાંસળી, મધુકર વગેરેને સંબોધન પણ છે. ક્વચિત્ વાંસળીના ઉદ્ગાર રૂપે પણ ગરબી આવે છે. ઉદ્ગારો-સંબોધનોમાં અંગતતાનો સૂર આવે છે, તો સંવાદોમાં તર્કચાતુર્ય કે વ્યંગવિનોદની આપલે રચાય છે. અભિવ્યક્તિનું આ વૈવિધ્ય ઘણું આકર્ષક છે. દયારામની એક લાક્ષણિક કલારીતિ તે રસિક ચમત્કૃતિપૂર્ણ ભાવપલટાની છે. કૃતક રીસ, રોષ, માન, તિરસ્કાર કે ઈર્ષ્યાનો ફુગ્ગો ફુલાતાં ફૂટી જાય, છદ્મવેશ ખસી જાય એ રચનારીતિને દયારામે પોતાની ગરબીઓમાં વારંવાર પ્રયોજી છે. ‘શ્યામરંગ સમીપે ન જાઉં’નું ગાણું ગાતી ગોપીનો ખરો હૃદયભાવ કાવ્યને અંતે, “દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે જે પલક ના નિભાવું” એમ પ્રગટ થઈ જાય છે. આ ગરબીઓમાં ગુજરાતી ભાષાનું અજબ માધુર્ય ને લાલિત્ય પ્રગટ થયું છે. દયારામે શબ્દોને લડાવ્યા છે ને ઘણીબધી ગરબીઓ ગોપીના ઉદ્ગાર રૂપે આવતી હોઈ બૈરક બોલીનો પણ કસ કાઢ્યો છે. નાજુક મનોભાવોને વ્યક્ત કરતા અનેક કાકુઓ અને સ્વાભાવિક તોયે વર્ણસંગીતભરી શબ્દરચના પણ દયારામની વિશેષતા છે. લય-ઢાળ અને ધ્રુવાની નૂતન ને વિવિધ આકૃતિઓએ ગરબીઓની ગેયતામાં ઘણો મોટો ફાળો આપ્યો છે. ભાવ, ભાષા, લય - આ બધામાં દયારામને પૂર્વપરંપરાનો વારસો મળ્યો છે એમ અવશ્ય કહી શકાય પરંતુ દયારામે એને પોતાની આગવી સૂઝથી દીપાવ્યો છે. નવલરામ પંડ્યાની આ ઉક્તિ ગરબીઓના રસતત્ત્વને સમુચિત રીતે વર્ણવી આપે છે : “દયારામભાઈનું શૃંગારરૂપી રત્ન ખરા પાણીએ ચમકતું, નાયિકાભેદે વિસ્તીર્ણ, સુવર્ણ સરખા શબ્દોમાં જડિત અને તાલસુરના તેજોમય સિંધુમાં તરતું છે.” [જ.કો.]