ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જેસલ પીર)

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જેસલ(પીર) [               ]: કચ્છના આ સંતકવિ વિશે જુદાજુદા પ્રકારની માહિતી મળે છે તેમાં વધારે વ્યાપક મત એ કચ્છના દેદાવંશના જાડેજા રજપૂત અને ચાંદાજીના પુત્ર હોવાનો તથા ઈ.૧૪મી કે ૧૫મી સદીમાં થયા હોવાનો છે. પરંતુ રામદે-પીર (ઈ.૧૫મી સદી)થી વહેલા ન મૂકી શકાય અને તેથી ઉપર્યુક્ત વંશપરંપરા આધારભૂત ન રહે એવો પણ મત છે. અનુશ્રુતિ મુજબ રાજ્ય સામે બહારવટે ચઢેલા જેસલ લૂંટારુનું જીવન ગાળે છે અને સૌરાષ્ટ્રના સરલી/સલડી ગામના સંત રાજવી સાંસતિયા કાઠીને ત્યાં એની ઘોડી અને તલવાર તથા તોરલ/તોળીરાણીને પણ ચોરવા માટે જાય છે. એમના જીવનને ઉદ્ધારવાના આશયથી સાંસતિયા એમને તોરલ પણ સોંપી દે છે. કચ્છ જતાં દરિયામાં તોફાન જાગતાં તોરલની પ્રેરણાથી જેસલ પોતાના પાપોનો એકરાર કરે છે અને સંતજીવનને માર્ગે વળે છે. તોરલની એક વખતની ગેરહાજરીમાં સમાધિને પામનાર જેસલ, તોરલની આરાધનાથી ૩ દિવસ માટે સમાધિમાંથી જાગ્રત થાય છે અને બંને ચોરી-ફેરા ફરીને પછી સમાધિ લે છે એવી કથા છે. જેસલતોરલની સમાધિ આજે અંજાર (કચ્છ)માં છે. પીર તરીકે પૂજાતા જેસલની આ ચરિત્રકથામાં ઐતિહાસિક તથ્યના કેટલાક પ્રશ્નો છે. તે ઉપરાંત, એમની નામછાપ ધરાવતાં જે પદો(મુ.) મળે છે તેમાં એમનું કર્તૃત્વ પણ અસંદિગ્ધ નથી જણાતું, કેમ કે કેટલાંક પદોમાં એમના જીવનના પ્રસંગો આલેખાયા છે અને કેટલીક વાર એ સંવાદ રૂપે પણ ચાલે છે, એટલે આ પદો પાછળથી એમના વિશે લખાયાં હોવાના તર્કને પૂરો અવકાશ છે. એ સિવાય પાપોના એકરારપૂર્વક તોરલને વિનંતી કરતાં પદો પણ પાછળના સમયની રચના હોય એ અશક્ય નથી. પરંતુ આ પદો ગુજરાતી ભજનપરંપરામાં અત્યંત લોકપ્રિય બનેલાં છે. કૃતિ : ૧. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૨. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પુરુષોત્તમદાસ ગી. શાહ, ૧૯૫૦ (છઠ્ઠી આ.); ૩. સોસંવાણી. સંદર્ભ : ૧. કચ્છના સંતો અને કવિઓ : ૧. દુલેરાય કારાણી, સં. ૨૦૧૫; ૨. કચ્છનું સંસ્કૃતિદર્શન, રામસિંહ રાઠોડ, ઈ.૧૯૫૯; ૩. જેસલતોરલ, ગોસ્વામી મોહનપુરી, ઈ.૧૯૭૭; ૪. પુરાતન જ્યોત, ઝવેરચંદ મેઘાણી, *ઈ.૧૯૩૮, ઈ.૧૯૭૬ (સુલભ આ.).[જ.કો.]