ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ડ/ડુંગર-૪
ડુંગર-૪ [ઈ.૧૮૨૫માં હયાત] : રામસનેહી સંપ્રદાયના રામભક્ત કવિ. ઉત્તર ગુજરાતના વિજાપુરના વતની. જ્ઞાતિએ બારોટ. પિતા નાથજી. માતા સૂરજબા(સુજાંબા). ઈ.૧૮૨૫માં તેમના ભાઈએ તેમને લખેલો પત્ર મળી આવ્યો છે. તેમણે જ્ઞાન, સત્સંગ, કાલ આદિ અંગોમાં તત્ત્વબોધની કવિતા આપી છે. ઉપરાંત ગુજરાતી તેમ જ હિંદીમાં તેમનાં પદો-ભજનો (કેટલાંક મુ.) મળે છે. મંગળ, ગરબી, લાવણી, વણઝારો વગેરે કાવ્યબંધોમાં વહેતી તેમની પદકવિતામાં ભક્તિવૈરાગ્યબોધનો વિષય મુખ્યપણે નિરૂપાયો છે, તેમ જ યોગમાર્ગીય પરિભાષામાં અધ્યાત્મનિરૂપણ પણ થયું છે. કવિનો ભક્તિભાવ ક્યારેક પ્રેમભક્તિનું તો ક્યારેક ભક્તિશૌર્યનું રૂપ લે છે. કૃતિ : કાદોહન : ૨; ૨. બૃકાદોહન : ૫; ૩. બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ; માર્ચ તથા જુલાઈ ૧૯૩૦ - ‘પરમ ભક્ત કવિ શ્રી ડુંગર બારોટ’, મંગલદાસ ચ. કવિ (+સં.). સંદર્ભ : ગૂહાયાદી.[ચ.શે.]