ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નેમિનાથની રસવેલી’

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘નેમિનાથની રસવેલી’ [ર.ઈ.૧૮૩૩/સં.૧૮૮૯, ફાગણ સુદ ૭] : ખુશાલવિજયના શિષ્ય ઉત્તમવિજયની ૧૫ ઢાલ ને ૨૧૦ કડીઓમાં લખાયેલી આ કૃતિ(મુ.)માં કૃષ્ણની રાણીઓ નેમિનાથને વિવાહ માટે સમજાવે-મનાવે છે એ પ્રસંગને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે, એટલે રુક્મિણી, સત્યભામા, પદ્માવતી વગેરેએ કરેલો અનુનય દરેક ઢાળમાં આલેખાતો જાય એવી રચના કવિએ કરી છે. નારી વિનાના પુરુષના જીવનની શુષ્કતા ને નારીસ્નેહનું મહત્ત્વ રાણીઓની ઉપાલંભભરી ને મર્માળી ઉક્તિઓમાં સરસ ઝિલાયાં છે. કવિની રસિકતા ને કલ્પના પણ “નારીને નાવડિયે બેસી તરવો પ્રેમસમુદ્ર”, “અલબેલીને આલિંગને રે, કંકણની પડે ભાત્ય” જેવી પંક્તિઓમાં સરસ ખીલી છે. દિયર સાથે વિનોદ કરતી રાણીઓના ઉદ્ગારોમાં પ્રસન્નમધુર ને સૌમ્ય શૃંગારનું નિરૂપણ ખૂબ લાક્ષણિક બન્યું છે. આ સ્ત્રીઓનાં રૂપલાવણ્યનું ને એમનાં અલંકારોનું તથા વિવાહ માટે તૈયાર થતાં રાજુલ ને નેમિનાથના દેહસૌંદર્યનું ઝીણું આલેખન પણ કવિએ સંક્ષેપમાં ને અસરકારક રીતે કર્યું છે. કૃતિને એકરસપ્રધાન-શૃંગારપ્રધાન રાખવાનું કવિએ ઇચ્છ્યું છે અને તેથી રાજુલના વિલાપને વીગતે નિરૂપવાનું ટાળ્યું છે તેમ નેમ-રાજિમતીના અન્ય જીવનપ્રસંગોને પણ અત્યંત સંક્ષેપમાં પતાવ્યા છે. વિવિધ દેશીઓની ૧૩-૧૩ કડીઓની ઢાળ (છેલ્લીને અપવાદે)નો સુઘડ રચનાબંધ અને સળંગ અનુપ્રાસાત્મક ભાષા કૃતિની નોંધપાત્ર લાક્ષણિકતા છે. [ર.સો.]