ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ફ/ફૂઢ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ફૂઢ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાન કવિ. બારડોલી તાલુકાના સૂપાના વતની. જ્ઞાતિએ ઔદીચ્ય અનાવિલ બ્રાહ્મણ. પિતા ગણેશ/ગણપતિ. ૧૨ કડવાંમાં લાક્ષણિક વલણ યોજનાવાળા સુંદર ઢાળોમાં રચાયેલું અત્રતત્ર પ્રેમાનન્દની વર્ણનકળાનું સ્મરણ કરાવે એવા કવિત્વસભર અંશો ધરાવતું ‘રુક્મિણીહરણ’ (ર.ઈ.૧૫૯૬/સં. ૧૬૫૨, ચૈત્ર સુદ ૧૧, મંગળવાર; મુ.) અને ૧૧ કડવાંનું ‘હરિશ્ચંદ્રાખ્યાન’ (ર.ઈ.૧૬૨૭) તેમની નોંધપાત્ર કૃતિઓ છે. આ ઉપરાંત ૧૦ કડવાંમાં ગોદાવરીતટ પરના કપોતપરિવારની ભક્તિકથા ગોદાવરીમાહાત્મ્ય સાથે રજૂ કરતું ‘કપોતઆખ્યાન’, ૧૩૨ છટાદાર છપ્પાઓમાં કૃષ્ણવિષ્ટિની ઘટના સાથે સભાપર્વના દ્યુતપ્રસંગથી પાંડવોના રાજ્યારોહણ સુધીના ઘટનાઓને પણ સંક્ષેપમાં રજૂ કરતું, વેગવંત સંવાદો ને ટૂંકાં રસિક વર્ણનોથી આકર્ષક એવું ‘પાંડવવિષ્ટિ’ (ર.ઈ.૧૬૨૧/સં. ૧૬૭૭, શ્રાવણ સુદ ૯, મંગળવાર; મુ), શૈવકથાનું આલંબન લઈ સગાળશાની લોકકથા પરથી ૧૨ કડવાંમાં રસપ્રદ રીતે બાંધેલું કરુણમધુર કાવ્ય ‘શૃગાલપુરી સગાલપુરી/સગાળશાનું આખ્યાન’ (ર.ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, અસાડ સુદ ૧, શનિવાર; મુ.), ‘મહાદેવનો વિવાહ’ તથા ૭૫ ચંદ્રાવળામાં રચાયેલું ‘કંસવધ/મલ્લ-અખાડાના ચંદ્રાવળા’ - એ કૃતિઓ એમની રચેલી છે. તેમની કૃતિઓમાં ‘ફૂઢ મૂઢ’ની છાપ મળે છે. ‘નવીન કાવ્યદોહને’ ‘ફૂડો’ના નામે આપેલાં કૃષ્ણવિષયક ૨ પદ આ ફૂઢનાં હોવાનો સંભવ છે. આ ઉપરાંત ‘સુરદાસ ફૂઢો’ નામે ૪ કડવાંનું ‘ચેલૈયાનું આખ્યાન’ (ર.ઈ.૧૬૨૬) કૃતિ નોંધાઈ છે, જે રચનાસમયના કારણે આ જ કર્તાની હોવા સંભવ છે. કૃતિ : ૧. નકાદોહન; ૨. સઆખ્યાન; ૩. સગુકાવ્ય(+સં.);  ૪. ઊર્મિકાવ્યાંક : ૧, સં. ૧૯૯૧-‘રુક્મિણીહરણ’, સં. કે. કા. શાસ્ત્રી. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. પાંગુહસ્તલેખો;  ૪. કદહસૂચિ; ૫. ગૂહાયાદી; ૬. ફાહનામાવલિ : ૧, ૨; ૭. ફૉહનામાવલિ. [ચ.શે.]