ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુક્તાનંદ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મુક્તાનંદ [જ.ઈ.૧૭૫૮/સં.૧૮૧૪, પોષ વદ ૭-અવ. ઈ.૧૮૩૦/સં.૧૮૮૬, અસાડ વદ ૧૧] : સ્વામિનારાયણ સંપ્રદાયના સંતકવિ. જન્મ સૌરાષ્ટ્રના અમરેલીમાં. પિતા આનંદરામ. માતા રાધા. સરવરીઆ બ્રાહ્મણ. પૂર્વાશ્રમનું નામ મુકુંદદાસ. મહાત્મા મૂળદાસના શિષ્યો પાસેથી સંગીત, વૈદક અને કાવ્યશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું. માતાપિતાની ઇચ્છાથી લગ્ન. પરંતુ નાની ઉંમરથી કેળવાયેલા વૈરાગ્યભાવને લીધે ગૃહત્યાગ કરી ધ્રાંગધ્રાના દ્વારકાદાસના, ત્યાંથી વાંકાનેરના કલ્યાણદાસના અને પછી સરધારમાં તુલસીદાસના શિષ્ય બન્યા. રામાનંદ સ્વામી સાથે મેળાપ થતાં તેમના પ્રત્યે આકર્ષાયા અને ઈ.૧૭૮૬માં એમની પાસેથી દીક્ષા લઈ ‘મુક્તાનંદ’ બન્યા. રામાનંદ સ્વામીએ મુક્તાનંદથી ઘણી નાની ઉંમરના સહજાનંદ સ્વામીને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા ત્યારે મુક્તાનંદે આનંદપૂર્વક સહજાનંદ સ્વામીનું શિષ્યપદ સ્વીકાર્યું અને મૃત્યુપર્યંત સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસારમાં એમને મદદ કરી. ગઢડામાં ક્ષયની બીમારીથી અવસાન. ‘મુક્તાનંદ’ અને ‘મુકુંદદાસ’ નામથી આ વિદ્વાન કવિએ ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં અનેક નાનીમોટી રચનાઓ સાંપ્રદાયિક ભાવનાને અનુકૂળ રહી લખી છે. જેમાં ભાગવતાશ્રિત અને હિન્દી-સંસ્કૃત કૃતિઓનું પ્રમાણ મોટું છે. એમની ગુજરાતી કૃતિઓમાં ૧૦૮ કડવાં અને ૨૭ પદોમાં રચાયેલી ‘ઉદ્ધવગીતા’ (ર.ઈ.૧૮૨૪/સં.૧૮૮૦, શ્રાવણ વદ ૮, બુધવાર; મુ.) સૌથી વિશેષ ધ્યાનાર્હ છે. ભગવતના દશમસ્કંધમાંના ઉદ્ધવગોપીપ્રસંગનું આલેખન કરતી આ કૃતિ એમાં વિસ્તારથી નિરૂપાયેલા સીતાત્યાગના વૃત્તાંતને લીધે અને એમાં પ્રગટ થતી કવિત્વશક્તિથી એ પ્રકારની અન્ય રચનાઓથી જુદી તરી આવે છે. ગોલોકધામમાં સપરિવાર બિરાજમાન રાધાકૃષ્ણનું ૧૮ ચાતુરીઓમાં વર્ણન કરતી ‘ધામવર્ણન-ચાતુરી’(મુ.), ૧૧ પદોમાં કૃષ્ણ અને રુક્મિણીના વિવાહપ્રસંગને વર્ણવતી અને અંતિમ ૪ ફટાણાં રૂપ પદોમાં કૃષ્ણભક્તિનો મહિમા કરતી ૧૫ પદોની ‘રુક્મિણીવિવાહ’(મુ.) અન્ય ભાગવતાશ્રિત રચનાઓ છે. ૧૩૨ કડવાં અને ૩૩ પદોમાં પ્રાસાદિક વાણીમાં સહજાનંદ સ્વામીના ઇશ્વરીય રૂપને ઉપસાવવા છતાં એમનું અધિકૃત ચરિત્ર બની રહેતી ‘ધર્માખ્યાન’ (ર.ઈ.૧૮૨૯/સં.૧૮૮૫, શ્રાવણ સુદ ૩; મુ.) કવિની બીજી મહત્ત્વની કૃતિ છે. ‘સત્સંગી જીવન’ના ચોથા પ્રકરણના ૨૮થી ૩૩ અધ્યાયમાં વર્ણવાયેલા-ભક્તરાજ સચ્ચિદાનંદ મુનિ પર અનુગ્રહ કરી શ્રીકૃષ્ણે વડતાલમાં કરેલા નિવાસપ્રસંગનો સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ આપતી ૧૧૨ પદની ‘કૃષ્ણપ્રસાદ’ (ર.ઈ.સંભવત: ૧૮૨૫;મુ.) તથા સહજાનંદ સ્વામીએ બતાવેલા સંપ્રદાયનુસારી સ્ત્રીધર્મોને અનુસરી ૮૮ કડવાં અને ૧૨ પદોમાં સતી સ્ત્રીઓના ધર્મને વર્ણવતી ‘સતીગીતા’ (ર.ઈ.૧૮૨૪/સં.૧૮૮૦, જેઠ સુદ ૨, ગુરુવાર; મુ.) કવિની સાંપ્રદાયિક કૃતિઓ છે. ગુજરાતી-હિન્દીમાં કવિએ ઘણાં પદો (મુ.) રચ્યાં છે. ભજન, કીર્તન, આરતી ઇત્યાદિ સ્વરૂપે મળતાં ને વિવિધ રાગમાં ગાઈ શકાય એ રીતે રચાયેલાં આ પદોમાં પ્રેમલક્ષણા ભક્તિનાં પદોની સંખ્યા મોટી છે. કૃષ્ણની પ્રતીક્ષા; એને ઉપાલંભ, ઇજન; કૃષ્ણરૂપવર્ણન એમ કૃષ્ણગોપીજીવન સાથે સંકળાયેલી વિવિધ અવસ્થાઓ પદોનો વિષય બને છે. કેટલાંક પદોમાં ભક્તિનો મહિમા ને વૈરાગ્યબોધ છે. સહજ સરળતા એમનાં પદોનો ગુણ છે. ‘વિવેકચિંતામણિ’, ‘સત્સંગ શિરોમણિ’, ‘મુકુન્દ-બાવની’, ‘વાસુદેવાવતારચરિત્ર’, ‘પંચરત્ન’, ‘અવધૂતગીત’, ‘ગુરુ-ચોવીશી’, ‘ભગવદ્ગીતા ભાષાટીકા’, ‘કપિલ-ગીતા’, ‘નારાયણ-ગીતા’ વગેરે એમની હિન્દી તથા ‘નિર્ણાયપંચકમ્’, ‘સત્સંગિજીવન માહાત્મ્યમ્’, ‘હનૂમત્કવચમંત્રપુરશ્ચરણ-જયવિધિસ્તોત્રગણિ’ ઇત્યાદિ સંસ્કૃત રચનાઓ છે. કૃતિ : ૧. મુક્તાનંદકાવ્યમ્ સં, હરિજીવનદાસ શાસ્ત્રી, ઈ.૧૯૫૫;  ૨. કીર્તન મુક્તાવલિ, પ્ર. બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમની સંસ્થા, ઈ.૧૯૭૮; ૩. છંદરત્નાવલિ, પ્ર. વિહારીલાલજી મહારાજ શ્રીભગવતપ્રસાદજી મહારાજ, સં. ૧૯૪૧; ૪. બૃકાદોહન : ૨, ૩, ૬; ૫. શ્રી ભજનરત્નાવલી, પ્ર. આત્મારામ જ. છતીઆવાલા, ઈ.૧૯૨૫. સંદર્ભ : ૧. મુક્તાનંદની અક્ષરઆરાધના, રઘુવીર ચૌધરી, ઈ.૧૯૭૯; ૨. સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી, શાસ્ત્રી સત્યપ્રિયદાસ, ઈ.૧૯૭૯;  ૩. કવિચરિત : ૩; ૪. ગુસાઇતિહાસ : ૨; ૫. ગુમાસ્તંભો; ૬. પ્રાકકૃતિઓ;  ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ.[ચ.મ. , શ્ર.ત્રિ.]