ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેગલ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મેગલ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : આખ્યાનકાર. અપરનામ નારાયણદાસ. જ્ઞાતિ કરડુઆ. પિતાનું નામ ગોવિંદ. ‘ઉગ્રસેનકૃત નગર’(?)ના વતની. એમની કૃતિઓ ઈ.૧૫૭૩ અને ઈ.૧૫૮૧ વચ્ચેનાં રચનાવર્ષ દર્શાવે છે. એ ઉપરથી કવિ ઈ.૧૬મી સદીના છેલ્લા ચરણમાં હયાત હોવાનું કહી શકાય. મૂળ કથાવસ્તુનો બહુધા સંક્ષેપમાં સરળ સાર આપતી એમની ચારે કૃતિઓ-૧૮ કડવાંનું ‘જાલંધરાખ્યાન’ (ર.ઈ.૧૫૭૩/સં.૧૬૨૯, ફાગણ સુદ ૧૧, ગુરુવાર; મુ.), ૧૬ કડવાંનું ‘પરીક્ષિતાખ્યાન’ (ર.ઈ.૧૫૮૦/સં.૧૬૩૬, મહા સુદ ૫, ગુરુવાર; મુ.), ભાલણની તદ્વિષયક કૃતિની અસર દેખાડતું ૧૦ કડવાંનું ‘ધ્રુવાખ્યાન’ (ર.ઈ.૧૫૮૧/સં.૧૬૩૭, આસો સુદ ૫, રવિવાર; મુ.), નચિકેતાના ચરિત્રને ૧૫/૧૮ કડવામાં આલેખતું ‘નાસિકેતાખ્યાન’ (મુ.)-વર્ણનરીતિની દૃષ્ટિએ કંઈક નોંધપાત્ર ગણાય એવી છે; વિશેષ રૂપે ‘નાસિકેતાખ્યાન’. આ કવિનું ૬૬ કડવાંનું ‘વિરાટપર્વ’ (ર.ઈ.૧૫૮૩/સં. ૧૬૩૯, આસો સુદ ૧૦, બુધવાર; અંશત: મુ.) મળ્યું છે. તેમાંના પહેલાં ૫૫ કડવાં નાકરની તદ્વિષયક કૃતિની છાયા જેવાં છે. કૃતિ : ૧. કવિ મેગલકૃત ‘જાલંધરાખ્યાન અને પરીક્ષિતાખ્યાન’, સં. જ. કા. પટેલ, ઈ.૧૯૫૮; ૨. નાસિકેતાખ્યાન અને ધ્રુવાખ્યાન, સં. ભ. ભા. મહેતા, ઈ.૧૯૨૬; ૩.  વિદ્યાપીઠ, મે-જૂન ૧૯૮૨-‘મેગલકૃત વિરાટપર્વના કેટલાંક અપ્રગટ કડવાં’, સં. ઉષા અ. ભટ્ટ. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. પ્રાકકૃતિઓ;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગબીજે. [ર.સો.]