ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂસ્તમ-રુસ્તમ
રૂસ્તમ/રુસ્તમ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : પારસી કવિ. સુરતના વિદ્વાન દસ્તૂર. પિતા પેશુતન ખોરશેદ. નવસારીના દસ્તૂર બરજોર કામદીન કેકોબાદ સંજાણાના શિષ્ય. ફારસી, પહેલવી જેવી ભાષાઓના સારા જ્ઞાતા. સંસ્કૃત, વ્રજથી પણ પરિચિત હોવાની શક્યતા. તેમનો જન્મ ઈ.૧૬૧૯માં ને ઈ.૧૬૩૫માં થયો હોવાનું અનુમાન થયું છે. પારસી મોબેદો વચ્ચેના પત્રવ્યવહારોમાં મળતા ઉલ્લેખો અને કવિની કૃતિઓના રચના સમયને આધારે તેઓ ઈ.૧૬૫૦થી ઈ.૧૬૮૦ (૭૯) દરમ્યાન હયાત હતા એમ નિશ્ચિતપણે કહી શકાય. કવિને પ્રેમાનંદ સાથે પરિચય હતો કે નહીં તે કહેવા માટે કોઈ ચોક્કસ આધાર નથી. અરબી, ફારસી, પહેલવી, સંસ્કૃત ઇત્યાદિના સંસ્કારવાળી પારસીશાઈ ગુજરાતીમાં પારસી ધર્મગ્રંથોમાંથી કથાપ્રસંગો લઈ મધ્યકાલીન આખ્યાનશૈલી અને છંદોની અસર ઝીલી આખ્યાનપ્રકારની કૃતિઓ રચનાર આ પહેલાં પારસી કવિ છે. કવિનો મુખ્ય ઉદ્દેશ આમ તો પારસી ધર્મના સિદ્ધાંતો સામાન્ય પારસીજનો સુધી પહોંચાડવાનો હતો, પરંતુ આ કૃતિઓ કવિની કવિત્વશક્તિનો પણ ઠીક ઠીક પરિચય કરાવે છે. એમાં ફિરદોસીના ‘શાહનામા’ની અંદર આવેલી સ્યાવશકથા પર આધારિત ‘સ્યાવશનામું’(ર.ઈ.૧૬૮૦/સં.૧૭૩૬, ભાદરવા વદ ૭; મુ.) કવિની સૌથી વિશેષ નોંધપાત્ર આખ્યાનકૃતિ છે. ઘટનાપ્રચુર અને રસસભર આ કૃતિ સંયોજન, ભાવનું આલેખન કે અલંકારોના વૈચિત્ર્યમાં કવિની મૌલિક પ્રતિભાનો પરિચય કરાવે છે. ચોપાઈબદ્ધ ‘અર્દાવિરાફ-નામુ’(ર.ઈ.૧૬૭૨) અર્દાવિરાફની કથા દ્વારા નર્કની યાતનાઓથી બચવા મનુષ્યે કેવાં પાપકર્મોથી બચવું અને ક્યા પુણ્યકાર્યો કરવાં જોઈએ એનો બોધ આપે છે. જરથોસ્તના જીવનના ચમત્કારયુક્ત પ્રસંગો પર આધારિત ચોપાઈબદ્ધ ‘જરથોસ્તનામું’(ર.ઈ.૧૬૭૪/યજદજર્દી સન ૧૦૪૪, ફવર્દીન માસ, ખુર્દાદ રોજ;*મુ.)ના ઉપદેશમાં કેટલાક વિષયોમાં ભારતીય ધર્મપરંપરાનો પ્રભાવ જોઈ શકાય છે. ‘સાત અમશાસ્પંદનું કાવ્ય’(મુ.)માં પૃથ્વીનું સંચાલન કરતી ૭ દિવ્યશક્તિઓ શું કાર્ય કરે છે અને તેમને પ્રસન્ન કરવા કેવા આચાર વિચારનું દરેક પારસીએ પાલન કરવું એનો બોધ છે. ‘સંજાણા-ભગરીઆના આંતરકલહનું કાવ્ય’(મુ.)માં પૃથ્વીનું સંચાલન કરતી ૭ દિવ્યશક્તિઓનું શું કાર્ય કરે છે અને તેમને પ્રસન્ન કરવા કેવા આચાર વિચારનું દરેક પારસીએ પાલન કરવું એનો બોધ છે. ‘સંજાણા-ભગરીઆના આંતરકલહનું કાવ્ય’(મુ.) કવિના સમયમાં પારસી મોબેદો વચ્ચે થયેલી ખૂનામરકીની ઐતિહાસિક ઘટના કાવ્યવિષય બની હોવાને લીધે વિશિષ્ટ મહત્ત્વ ધારણ કરે છે. એમને નામે ‘અસ્પંદીઆરનામેહ’ કૃતિ મળે છે, પણ તેનું કર્તૃત્વ સંદિગ્ધ છે. કૃતિ : ૧. સત્તરમા શતકમાં પારસી કવિઓએ રચેલી ગુજરાતી કવિતા : ૨, પેરીન દારા ડ્રાઇવર, ૧૯૭૯ (+સં.); ૨. મોબેદ રુસ્તમ પેશુતન હમજીઆરનું જરથોસ્તનામું, સં. બહેરામગોર અંકલેસરીઆ, -; ૩. સ્યાવશનામું, સં. તેહમુરસ દી. અંકલેસરીઆ, ઈ.૧૮૭૩. સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. ગુસાઇતિહાસ : ૨. [ર.ર.દ.]