ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીકુશલ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લક્ષ્મીકુશલ [ઈ.૧૬૩૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સોમવિમલસૂરિની પરંપરામાં જિનકુશલના શિષ્ય. ૬૩ કડીની ‘વૈદ્યકસારરત્નપ્રકાશ’ (ર.ઈ.૧૬૩૮/સં.૧૬૯૪, ફાગણ સુદ ૧૩)ના કર્તા. ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’એ ‘વેદસાર’ નામથી આ કૃતિ નોંધી છે. ‘જૈન હાન્ડશિપ્ટેન ડેર પ્રોઇસેશન સ્ટાટસલિપ્લિઑથેક’માં ‘દ્વારકા નગરી’ નામની ૧૨ કડીની નેમિનાથવિષયક ગહૂંલી લક્ષ્મીકુશલને નામે નોંધાયેલી મળે છે, પરંતુ એના અંતમાં આવતી “લક્ષ્મીકુશલ શિવપદ લહે, વિનય સફલ ફલી આશા હો” એવી પંક્તિ મળે છે તેના પરથી આ કૃતિ લક્ષ્મીકુશલશિષ્ય વિનયની હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. ગૂહાયાદી; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. જૈહાપ્રોસ્ટા. [કા.શા.]