ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/‘વસંતવિલાસ’-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘વસંતવિલાસ’-૧ : પ્રાકૃત-અપભ્રંશ પિંગળોના દોહક અને ઉપદોહક સાથે મળતા આવતા દુહા પ્રકારના છંદમાં રચાયેલું ને દરેક કડીમાં ચરણના પૂર્વાર્ધ વચ્ચે પ્રયોજાયેલી અંતર્યમક-સાંકળીને લીધે વિશિષ્ટ બનેલા પદ્યબંધ (જે પછીથી ફાગુબંધ તરીકે ઓળખાયો) વાળું આ ફાગુ(મુ.) ૫૨ કડીની લઘુવાચના ને ૮૪ કડીની બૃહત્વાચના રૂપે ઉપલબ્ધ થાય છે. ઈ.૧૪૫૨ની કાવ્યની ઉપલબ્ધ થતી પ્રત, રત્નમંદિરગણિના ‘ઉપદેશતરંગિણી’ (ર.ઈ.૧૪૬૧ આશરે)માં આ કાવ્યમાંથી અપાયેલું અવતરણ તથા કાવ્યનું ભાષાસ્વરૂપ એ પ્રમાણોને લક્ષમાં લઈ આ ફાગુ ઈ.૧૪મી સદીના પૂર્વાર્ધમાં રચાયું હોવાનું અનુમાન થયું છે. કાવ્યનો રચયિતા જૈન કરતાં જૈનેતર હોવાની સંભાવના વિશેષ છે. નતર્ષિ-નયર્ષિ, આચાર્ય રત્નાકર, ગુણવંત કે મુંજ એમાંથી કોઈ કાવ્યના કર્તા હોવાની સંભાવના વિચારાઈ છે, પરંતુ એમાંની એકે સંભાવના પૂરતી પ્રતીતિકર બનતી નથી. કાવ્યની સં. ૧૬૩૮ની પ્રતમાં લિપિકારે કાવ્યના કર્તા તરીકે મુંજનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે, પણ એ સિવાાય મુંજ વિશે બીજી કોઈ માહિતી આપી નથી. સંભવ છે કે લિપિકાર કૃતિની અંતિમ પંક્તિમાં આવતા ‘મુંજ’ શબ્દથી દોરવાયા હોય. જેની કડીએ કડીએ જીવનનો ઉલ્લાસ ઊભરાય છે એવું આ ફાગુ અન્ય મધ્યકાલીન ફાગુઓથી અનેક રીતે વિશિષ્ટ છે. અન્ય ફાગુઓની જેમ આમ તો આ ફાગુમાં પણ વસંતની માદક ઉદ્દીપકતા વચ્ચે પ્રણયીજનોનો વિરહ અને પછી સંભોગનો શૃંગાર આલેખાયો છે, પરંતુ અહીં કાવ્યનાં નાયક-નાયિકા કોઈ એક યુગલ નહીં, પણ અનેક યુગલ છે. એટલે સમષ્ટિના વસંતવિલાસનું એ ગાન બની રહે છે. કાવ્યના પ્રારંભમાં આવતું ઇન્દ્રિયગમ્ય વનવર્ણન અને પછી વનને નગરનું રૂપક આપી થયેલું રૂપકાત્મક વનવર્ણન કે સુંદરીઓનાં દેહસૌંદર્યનાં ને અંગપ્રસાધનનાં આલંકારિક વર્ણન સંસ્કૃત કાવ્યપરંપરાનુસારી હોવા છતાં, પદલાઘવ, પદમાધુર્ય ને અભિવ્યક્તિવૈચિત્ર્યથી અસરકારક રીતે કામોદ્દીપક બને છે. કાવ્યમાં આલેખાયેલો કામવિલાસ આનંદપ્રદ છે, પણ સંસ્કૃત કવિતા જેવો ઉન્માદક કે પ્રગલ્ભ નથી. કાવ્યના અંતમાં ભ્રમરને સંબોધી રચાયેલી અન્યોકિતઓ દ્વારા પુરુષની રસિકવૃત્તિને અપાયેલો કોમળ ઉપાલંભ કૃતિના શૃંગારને વિશેષ રૂપે પુષ્ટ કરે છે. કાવ્યમાં દરેક કડીની પાછળ કવિએ સુભાષિતાવલી, શાર્ઙધરપદ્ધતિ, અમરુશતક, નૈષધીયચરિત વગેરે ગ્રંથોમાંથી એકબે સંસ્કૃત-પ્રાકૃત શ્લોક મૂક્યા છે. કડીનો ભાવ ક્યાંથી સૂઝ્યો તે બતાવવાનું એમાં કવિનું પ્રયોજન છે. જો કે કવિએ મૂળ શ્લોકનો સારાનુવાદ નથી આપ્યો. ક્યાંક મૂળ અર્થને સંકોચી કે વિસ્તારી, ક્યાંક મૂળમાંથી સામાન્ય સૂચન લઈ કવિએ પોતાની મૌલિકતાની પ્રતીતિ કરાવી છે. આ શ્લોકો કવિનું કાવ્યપરિશીલન કેટલું ઊંડુ હતું એના પણ દ્યોતક છે. કાવ્યની ઉપલબ્ધ થયેલી ૧ સચિત્ર પ્રતનાં ચિત્રો રજપૂત અન મોગલ ચિત્રશૈલીથી કેટલીક દૃષ્ટિએ ભિન્ન પડતાં હોવાને લીધે મહત્ત્વનાં ગણાયાં છે. કૃતિ : ૧. વસંતવિલાસ (અં.), સં. કાંતિલાલ બી. વ્યાસ, ઈ.૧૯૪૨ (+સં.); ૨. એજન, સં. કાંતિલાલ બ. વ્યાસ, ઈ.૧૯૭૪ (તૃતીય આ.નું પુનર્મુદ્રણ) (+સં.); ૩. એજન (અં.), સં. ડબલ્યુ નોર્મન બ્રાઉન, ઈ.૧૯૬૨; ૪. એજન, સં. રતિલાલ સાં. નાયક, ઈ.૧૯૭૪ (+સં.); ૫. વસંતવિલાસ ફાગુ, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૬૬; ૬. એજન (અં.), સં. મધુસૂદન ચિ. મોદી, ઈ.૧૯૬૦ (+સં.);  ૭. પંગુકાવ્ય. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૧, ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસાસ્વરૂપો; ૫. નયુકવિઓ;  ૬. ફાત્રૈમાસિક, જાન્યુ.-માર્ચ ૧૯૩૭-‘વસન્તવિલાસ’, સારાભાઈ મ. નવાબ; ૭. સ્વાધ્યાય, મે ૧૯૭૮-‘વસન્તવિલાસફાગુના રચયિતાનું નામ’, અગરચંદ નાહટા, અનુ. નવીનચંદ્ર એન. શાહ. [જ.ગા.]