ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/‘શિવપુરાણ’

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘શિવપુરાણ’ [ર.ઈ.૧૭૧૮/સં.૧૭૭૪, શ્રાવણ સુદ ૫, ગુરુવાર] : “ઉપાસક અંબા તણો મહારુદ્ર ઉપર મંન” એવા શામળની “ઇચ્છા માયા શિવની શકત્ય, જગત જનેતા જાયો જગત” અને “જડ ચેતન તરુવેલ કે ફૂલ, મહાદેવ સકળ સૃષ્ટિનું મૂળ” એવા મહાદેવ શિવનો, તેમના પૂજનનો, પંચાક્ષર મંત્રનો, બીલીપત્ર અને વિભૂતિનો મહિમા વાર્તાઓ દ્વારા ગાતી અને “શિવ પૂજો, શિવ શિવ કહો”ની શીખ ધ્રુવપદ પેઠે સંભાળતી છપ્પા, દુહા-ચોપાઈમાં નિબદ્ધ ૨૨ અધ્યાય ધરાવતી “બ્રહ્મોતર ખંડ” નામથી પણ ઓળખાયેલી ધાર્મિક રચના(મુ.). વાર્તાઓમાં વચ્ચેવચ્ચે કામ, જર, પાપ, દરિદ્રતા, પરનારીની પ્રીત, મૃત્યુ, સદ્વિદ્યા, દાતા, કરપી, જાચક વગેરે પર બોધક અનુભવવચનો શામળની આ પહેલી મનાતી કૃતિમાં પણ આવે છે એ નોંધપાત્ર છે. એવાં સામાન્ય કથનો કરતાં ઊંચા સ્તરની “મહારું તાહારું હું તું ટળે, જીવ શિવ બે એક’, “કારણ સઘળે મન તણું હર્ષ શોક સંસાર” અને “શિવને દેખો સર્વમાં” જેવી ક્યારેક ડોકાઈ જતી જ્ઞાનવાણી શામળ માટે આદર ઉપજાવે એવી છે. [અ.રા.]