ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સત્યાસિયાદુષ્કાળવર્ણન-છત્રીસી’

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘સત્યાસિયાદુષ્કાળવર્ણન-છત્રીસી’ : ૬-૬ પંક્તિની ૧ એવી ૩૬ કડીની સકલચંદ્રશિષ્ય સમયસુંદરની આ કૃતિ(મુ.) સં. ૧૬૮૭માં ગુજરાતમાં પડેલા ભયંકર દુકાળનું વાસ્તવિક ચિત્ર આપતી હોવાને લીધે ઇતિહાસદૃષ્ટિએ મહત્ત્વની છે. પ્રારંભમાં ગુજરાતની સમૃદ્ધિનું વર્ણન કરી કવિ પછી દુષ્કાળમાં સપડાયેલા ગુજરાતના પ્રજાજીવનને વર્ણવે છે. પ્રજામાં પ્રવર્તતાં વહેમ, અંધશ્રદ્ધા, અંગત સ્વજનોની પરસ્પર માટેની લાગણીનો વિચ્છેદ, એક તરફ મોટા તપસ્વી જૈન સાધુઓનું મૃત્યુ અને બીજી તરફ સાધુઓ દ્વારા અનેકને દીક્ષા આપી મૂંડી નાખવાની પ્રવૃત્તિ, ધર્મના આદેશનું ઉલ્લંઘન કરી શિષ્યોએ વેચેલાં ગ્રંથો, વસ્ત્રો અને ભિક્ષાપાત્ર, સાધુસમાજમાં શિષ્યમંડળ વધારવા ઊભી થયેલી સ્પર્ધા ને તેથી વ્યાપક બનેલી વટાળપ્રવૃત્તિ વગેરે વીગતો નોંધી હૃદયદ્રાવક ચિત્તે કવિ દુષ્કાળની કરુણ સ્થિતિ આલેખે છે. દુષ્કાળની આ કરુણ સ્થિતિમાં પાટણ, અમદાવાદ, સુરત અને ખંભાતના અનેક શ્રેષ્ઠીઓ તથા જગડૂશા અને ભામાશાહે ધનધાન્યની જે મદદ કરી તેની પણ વીગતે કવિ નોંધ લે છે. [વ.દ.]