ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનેકસંધાનકાવ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અનેકસંધાનકાવ્ય : શબ્દાર્થોની બહુલતાને કારણે, એક અક્ષર પણ અનેકાર્થને વ્યંજિત કરે છે એ કારણે અને સમાસોનો વિગ્રહ અનેક રીતે શક્ય હોય છે એ કારણે સંસ્કૃત ભાષા વિશિષ્ટ છે. ક્યારેક ભાષાના આવા સમૃદ્ધ વારસા સાથે સંસ્કૃત કવિ એની કૃતિને બૌદ્ધિક મનોયત્નમાં ફેરવી નાખી ભાષાના અર્થવૈવિધ્યને ખપમાં લે છે. આ પ્રકારની ઇચ્છામાંથી રચાતા સાહિત્યપ્રકારને અનેકસંધાનકાવ્ય કહેવાય છે. આ સ્વરૂપમાં એક કરતાં વધુ કથાઓ સંયોજિત કરાયેલી હોય છે. ધનંજયના ‘રાઘવપાંડવીય’ નામક દ્વિસંધાનકાવ્યમાં ૧૮મા સર્ગનો પ્રત્યેક શ્લોક રામાયણ અને મહાભારતની કથાને એકસાથે લાગુ પડે છે. એ રીતે પંચસંધાનકાવ્ય, સપ્તસંધાનકાવ્ય અને શતસંધાનકાવ્ય પણ લખાયાં છે. ચં.ટો.