ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અપરિચિતીકરણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અપરિચિતીકરણ(Defamiliarization) : રશિયન સ્વરૂપવાદમાં વિક્ટર શ્કલોવ્સ્કી પ્રત્યક્ષ(perception)ના સિદ્ધાન્તને આગળ ધરી બતાવે છે કે ટેવવશ આપણે વિચારની ગણિતપદ્ધતિમાં સરકી જઈએ છીએ. આ ગાણિતિક ક્રિયાને કારણે વસ્તુ અંગેની અતિસ્વયંસંચાલિતતા પ્રત્યક્ષના પ્રયત્નમાં જબરદસ્ત કરકસર લાવે છે. ટેવની આ ક્રિયા કલાકૃતિઓને, વસ્ત્રોને, ફનિર્ચરને, પત્નીને અને યુદ્ધના ભયને પણ હડપ કરી જાય છે. આ બધાંની સામે કાવ્યનો હેતુ વસ્તુઓની ઓળખ આપવાનો નહિ પણ વસ્તુઓના પ્રત્યક્ષીકરણ સાથે વસ્તુઓ અંગેનું સંવેદન આપવાનો છે. આથી સર્જક કવિ કવિતાકલાની પ્રવિધિ સાથે સંકળાયેલો રહે છે અને પ્રવિધિ દ્વારા વસ્તુઓને અપરિચિત કરે છે. આથી ભાવકને માટે વસ્તુની એના સંવેદનશીલ સ્વરૂપમાં પુન :પ્રાપ્તિ શક્ય બને છે. ભાવક સ્વરૂપને લંબાવવાની કે કઠિન કરવાની પ્રવિધિને અનુભવે છે. આ સિદ્ધાન્તમાં કાવ્યભાષા અને રોજિંદી ભાષાનો વિરોધ સૂચિત છે. ચં.ટો.