ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અભિવ્યંજનાવાદ
અભિવ્યંજનાવાદ (Expressionism) : ૧૯૧૧માં જર્મનીમાં પહેલાં ચિત્રકળામાં ઉદ્ભવેલું અને ત્રણેક વર્ષ બાદ જર્મન નાટક અને કવિતામાં પ્રસરેલું આધુનિકતાવાદી આંદોલન. જોકે આ વાદનું પગેરું વાન ગોઘનાં ચિત્રો, સ્વીડીશ નાટ્યકાર સ્ટ્રીનબર્ગનાં નાટકો અને નીત્શેના વિચારોમાં જોવા મળે છે. અભિવ્યંજનાવાદી કળાકારોને વાસ્તવવાદીઓની જેમ વસ્તુજગતને એના યથાતથ રૂપમાં કે પ્રભાવવાદીઓ (impressionists)ની જેમ વસ્તુજગતના ચિત્ત પર પડતા પ્રભાવ (impressions)ને આલેખવામાં રસ નથી. તેમને રસ છે કળાકારને થયેલા વસ્તુજગતના આત્મલક્ષી દર્શનમાં એટલે અભિવ્યંજનવાદ કળાકારને સર્જનના કેન્દ્રમાં આણે છે. કળાકારનો ઉત્કટ આવેગ, એ આવેગની અવસ્થામાં તેના ચિત્તમાં ઊઘડતું વિશ્વ એનો એ ખૂબ મહિમા કરે છે. વસ્તુના અમૂર્તિકરણ (abstraction) દ્વારા કે વસ્તુજગતના પદાર્થોને એમના વાસ્તવિકથી સાવ ભિન્ન રંગ ને આકારો દ્વારા કળાકાર ચિત્રોમાં વ્યક્ત કરે છે. સાહિત્યમાં તર્કના અંકોડાને તોડીને ચાલતાં વાક્યો, તાજગીસભર કલ્પનો અને વિશૃંખલ વિચારોથી બંધાતું કૃતિનું પોત વાસ્તવવાદી કૃતિઓના પોતથી જુદું પડે છે. કવિતા કે નાટકના દૃઢ ઢાંચાને બદલે સ્વ-અનુભવના આવેગને વશ વર્તતું હોય એવું કૃતિનું રૂપ એમાં બંધાતું જોવા મળે છે. ઉત્તેજના અને વિષાદ, પરંપરા સામે વિદ્રોહ અને કોઈ અપૂર્વ જગત માટેની ઝંખના એ અભિવ્યંજનાવાદી કૃતિઓનો મુખ્ય સૂર છે. એ દૃષ્ટિએ રંગદર્શી વલણનો પ્રભાવ એના પર જોઈ શકાય. ૧૯૨૫ પછી અભિવ્યંજનાવાદનો પ્રભાવ જર્મનીમાં ઓસરી ગયો. પરંતુ એ સમય દરમ્યાન જ્યોર્જ કાયસર, ફ્રીઝ ફોન ઉનરુહ, રેઇનહાર્ડ ગોઅરીંગ, અર્ન્સ્ટ ટોલર વગેરેની નાટ્યકૃતિઓ અને કવિતાઓ કે હેન્રિક માન, આલ્ફ્રેડ ડૂબ્લીનની નવલકથાઓ ધ્યાનાર્હ અભિવ્યંજનાવાદી રચનાઓ છે. જર્મની બહાર અન્ય યુરોપીય દેશોમાં આ વાદ વિશેષ ફેલાયો નથી, પરંતુ જર્મન અભિવ્યંજનાવાદી ચિત્રપટો યુરોપીય દેશોમાં ઠીકઠીક પ્રચલિત બન્યાં હતાં. ફ્રાંસ, ઇંગ્લેંૅડ કે અમેરિકાના કેટલાક સર્જકોમાં અભિવ્યંજનાવાદની કેટલીક અસર જોઈ શકાય. ઇટાલિયન તત્ત્વચિંતક બેનેદેત્તો ક્રોચેના, એના ‘ઈસ્થેટિક (aesthetic) ગ્રન્થમાં ૧૯૦૨માં પ્રગટ થયેલા કળાવિષયક વિચારો પણ સાહિત્યવિવેચનમાં અભિવ્યંજનાવાદ તરીકે જાણીતા છે, જોકે એણે વાપરેલો શબ્દ અભિવ્યંજનાવાદ નહીં, પરંતુ અભિવ્યંજના (expression) છે. ક્રોચેની વિચારણા તાત્ત્વિક ભૂમિકાએથી થયેલી એક ચિંતકની વિચારણા છે. જર્મન ચિત્રકારો અને સર્જકો પર ક્રોચેના વિચારોની અસર પડી હોવાની સંભાવના છે. અલબત્ત, એના કોઈ સ્પષ્ટ સંકેત મળતા નથી. ક્રોચે મનુષ્યચેતના દ્વારા પ્રાપ્ત થતા જ્ઞાનની બે કોટિ સ્વીકારે છે, સહજજ્ઞાન(intuitional knowledge) અને તાકિર્ક જ્ઞાન (logical knowledge). સહજજ્ઞાનમાં સહજ અનુભૂતિથી પદાર્થવિશેષની કોઈ ને કોઈ સંવેદ્ય રૂપમાં વ્યક્તિના ચિત્તની અંદર અભિવ્યંજના થાય છે. એ જ્ઞાનને આધારે પછી મનુષ્યચેતના પદાર્થસામાન્ય વિશેનું તાકિર્કજ્ઞાન પ્રાપ્ત કરે છે. સહજજ્ઞાન તાકિર્કજ્ઞાન પર તો નિર્ભર નથી, પરંતુ એ સ્મૃતિ કે ઇન્દ્રિયપ્રત્યક્ષજ્ઞાનથી પણ ભિન્ન છે એ ક્રોચેનો મૌલિક ખ્યાલ છે. કળા આ સહજજ્ઞાનની અભિવ્યક્તિ છે એમ ક્રોચે માને છે. એ દ્વારા તેણે કળાસર્જનમાં વાસ્તવવાદ અને પ્રકૃતિવાદની વસ્તુલક્ષી ભૂમિકાનો અસ્વીકાર કરી સર્જકની આત્મલક્ષી ભૂમિકાનો સ્વીકાર કર્યો. કળા એક વિશિષ્ટ પ્રકારના જ્ઞાનને પ્રગટ કરે છે જે તર્ક કે બુદ્ધિથી પ્રાપ્ત થતા જ્ઞાનથી ભિન્ન છે એવું પ્રતિપાદિત કરી વિજ્ઞાનના આક્રમણની સામે અન્ય કળાસર્જનનું મૂલ્ય પણ તેણે સ્થાપી આપ્યું. જ.ગા.