ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આંતરસમય
આંતર્સમય (Internal Time) : કથાસાહિત્ય અને નાટ્યસાહિત્યમાં સમય, સ્થળ અને ક્રિયાના વિનિયોગની વિભિન્ન પદ્ધતિઓ મુજબ કૃતિનું સ્વરૂપ નક્કી થતું હોય છે. સમય એ નવલકથાના સંદર્ભમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. વૃત્તાન્તની અનિવાર્ય શરત મુજબ નવલકથામાં સમયનું આભાસી, કાલ્પનિક રીતે સંકોચન થાય છે. તેમ છતાં ભૌગોલિક સમય સાથે તેનું તાકિર્ક અનુસન્ધાન હોય છે. નવલકથામાં આ રીતે બાહ્ય સમય નિરૂપાય છે. ક્યારેક કથાકાર કે કૃતિના પાત્ર કે પાત્રોનાં ચિત્તમાં જ મનોગત એકોક્તિ(Interior Monologue)ની પદ્ધતિએ કથાની રજૂઆત થાય ત્યારે ભૌગોલિક સમય સાથે કથાના સમયને તાકિર્ક અનુસન્ધાન ન રહેતાં કથામાં આંતરસમયનું નિરૂપણ થયું છે એમ કહેવાય. આ પ્રકારની કથાલેખનની પદ્ધતિ ચેતનાપ્રવાહ તરીકે ઓળખાય છે. પ.ના.