ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇન્ડિયન નેશનલ થિયેટર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઇન્ડિયન નેશનલ થિયેટર (આઈ.એન.ટી) : ૧૯૪૩ની આસપાસ કમલાદેવી ચટ્ટોપાધ્યાયના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રપ્રેમી સમાજવાદીઓ દ્વારા સ્થપાયેલી આ અખિલ ભારતીય નાટ્યસંસ્થાએ એની અનેક શાખાઓ વિવિધ શહેરોમાં અને વિવિધ પ્રાન્તોમાં ખોલેલી. એના આશ્રયે ઘણાં નાટકો ભજવાયાં. મુંબઈ જેવા બહુભાષી શહેરમાં બહુમતી જૂથોની ભાષામાં જ નાટકો ન કર્યાં પણ લઘુમતી જૂથોની ભાષામાં પણ નવાં પ્રયોગશીલ નાટકોનાં નિર્માણ કર્યાં. રંગમંચ લોકશિક્ષણનું મહત્ત્વનું માધ્યમ બની શકે તેમ છે એવી વિચારસરણી આ સંસ્થાના સંચાલનમાં હંમેશા અગ્રણી રહી. મુંબઈની ગુજરાતી રંગભૂમિને સ્થાયી બનાવવામાં એનો ફાળો નોંધપાત્ર છે અને એમાંય આ સંસ્થાનો પ્રભાવ વધારવામાં પ્રવીણ જોશી જેવા દિગ્દર્શકનું વિશેષ પ્રદાન વિસરી શકાય તેમ નથી. રંગમંચ રજૂઆત કરતી આ સંસ્થાની યાંત્રિકપાંખની કુશળતાને કારણે એનાં નિર્માણોમાં એક પ્રકારની પરિષ્કૃતિ જોઈ શકાય છે. આ સંસ્થાએ ૧૯૬૦થી ૧૯૭૦ સુધી રાસગરબા હરીફાઈ પણ યોજી છે. ઉપરાંત ગુજરાત-સૌરાષ્ટ્રની લોકકલાને અવારનવાર રંગમંચ પૂરો પાડ્યો છે. વળી, ૧૯૭૪થી આંતરકોલેજ નાટ્ય સ્પર્ધાનું આયોજન પણ આ સંસ્થા કરતી આવી છે. ચં.ટો.