ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇલિયડ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઇલિયડ : વિશ્વનાં પાંચ મહાકાવ્યોમાં ગ્રીસના વિખ્યાત કવિ હોમર (ઈ.સ.પૂર્વે ૮૦૦-૭૦૦)નાં બે કાવ્યો ઇલિયડ અને ઓડિસીનો સમાવેશ થાય છે. એમાં ઇલિયડ એ કરુણાન્ત કાવ્ય છે. ઇલિયડમાં માયસેનિય કુળમાંથી ઊભી થયેલી પ્રજાને અકાયન તરીકે ઓળખવામાં આવી છે. આ અકાયનોના રાજાઓ તથા ટ્રોયના પ્રાયમ તથા ઇલિયમ પ્રદેશના રાજાઓ વચ્ચે સૌન્દર્યરાજ્ઞી હેલન માટે થયેલા યુદ્ધનું નિરૂપણ એ ઇલિયડનો વર્ણ્ય વિષય છે. ઈ.સ.પૂર્વે ૧૪૦૦-૧૨૦૦માં બનેલી ઘટનાઓને આધારે, અંધકવિ હોમરે આ કૃતિનું ગાન કરીને પ્રજા પાસે પહોંચાડી હતી. હોમરે ઇલિયડમાં કલ્પકથાઓ(Myths)નો ઉપયોગ કર્યો છે. દેવલોકનાં, સ્વર્ગલોકનાં પાત્રોમાં પણ માનવસહજ ઊર્મિઓ અને વિકારો નિરૂપ્યાં છે. ઇલિયડની શરૂઆત તેની કથાના મધ્યભાગથી થાય છે. અકાયનો નવનવ વર્ષથી ટ્રોયને ઘેરો ઘાલીને પડેલા છે. ટ્રોયનો રાજકુમાર પેરીસ સ્પાર્ટના રાજા મેનિલોઝની સૌન્દર્યના અવતાર સમી પત્ની હેલનને ઉઠાવી લઈ ગયો છે. પોતાના ભાઈ મેનિલોઝ સાથે થયેલા દુર્વ્યવહારનો હિસાબ ચૂકતે કરવા માયસેનિયન સેનાનો સરસેનાપતિ એગેમેમ્નન હજારેક જેટલા નૌકાકાફલા સાથે ટ્રોય ઉપર આક્રમણ કરવા નીકળ્યો છે. આક્રમણનાં નવ વર્ષોમાં તેના સૈન્યે આસપાસના પ્રદેશો ઉપર લૂંટફાટ ચલાવી, વિજયો મેળવી સંપત્તિ અને સુંદરી, જે હાથ લાગે તે કબજે કર્યું છે. એમાં એગેમેમ્નને પણ એપોલોના પૂજારી, ક્રાયસસની પુત્રી ક્રાયસીઝને શૈય્યાસંગિની તરીકે રાખી છે. પોતાની દીકરી પાછી મેળવવા, ક્રાયસસ ધનદોલત આપવા તૈયાર થાય છે પરંતુ એગેમેમ્નન તેની યાચનાને હડધૂત કરે છે. આથી ક્રાયસસ તેના ઇષ્ટદેવ એપોલોને ગ્રીક સૈન્યને દંડ દેવા પ્રાર્થના કરે છે. ક્રાયસસના આર્તનાદથી ક્રુદ્ધ થયેલા એપોલો ગ્રીક સૈન્યમાં મરકીની મહામારી ફેલાવે છે. આથી ભયભીત થયેલો એગેમેમ્નન ક્રાયસીઝને માનભેર તેના પિતા પાસે મોકલે છે પરંતુ તેના બદલામાં એકિલીઝે બાનમાં પકડેલી બ્રિસીઝને ઓળવી લેવાનો પ્રયત્ન કરે છે. એમાંથી એગેમેમ્નન અને એકિલીઝ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય છે. પરિણામે એકિલીઝ યુદ્ધમાંથી પોતાની જાતને સંકેલી લે છે. એકિલીઝનું રૂસણું ઠીક ઠીક લાંબું ચાલે છે પણ જ્યારે ગ્રીકસૈન્યની મોટે પાયે હાણ થાય છે ત્યારે એકિલીઝનો નિકટનો સાથી પેટ્રોક્લોઝ અને અનેક વિનવણીને અંતે એકિલીઝ યુદ્ધમાં ઊતરી ટ્રોયના સરસેનાપતિ હેક્ટરનો વધ કરે છે. હેક્ટરના અંત્યેષ્ઠિ સંસ્કાર અને ઉત્તરક્રિયાની સાથે ચોવીસ સર્ગોમાં પથરાયેલું, ૧૫૬૯૩ પંક્તિઓનું, આ મહાકાવ્ય પૂરું થાય છે. ઇલિયડનો સાર સૌપ્રથમ ગુજરાતીમાં આપવાનું શ્રેય નર્મદને જાય છે. તેણે ‘નર્મગદ્ય’માં લગભગ સાઠેક પાનામાં ઇલિયડની કથા સંક્ષેપમાં આપી છે. તે પછી ‘સંગીત ઇલિયડ’ નામથી ઇલિયડના પહેલા છ ખંડ કોઈક આર.બી.ટી એ પ્રકટ કર્યા છે. આ આર.બી.ટી. એ રાઓલ ભાવસિંહજી તખ્તસિંહજી હોઈ શકે એવી ધારણા છે. ઇલિયડનું નાટ્યરૂપાન્તર ૧૯૫૯-’૬૦માં લીના મંગળદાસે આપ્યું છે. પરંતુ સમગ્ર ઇલિયડનો અનુષ્ટુપમાં પદ્યાનુવાદ ૧૯૯૩માં જયંત પંડ્યા એ આપ્યો છે. જ.પં.