ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇસપકથાઓ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઇસપકથાઓ : ઈ.સ.પૂર્વે છઠ્ઠી સદીમાં હયાત તથા થ્રેસમાં જન્મેલા અને આરંભે ગુલામી અને પછીથી આઝાદીભરી જિંદગી જીવેલા ઇસપે, માનવજાતિને શાણપણ શીખવવા પશુ-પંખીઓની પાત્રસૃષ્ટિ સરજીને રચેલી ગ્રીકકથાઓ. કંઠોપકંઠ કહેવાઈને તેમજ કર્ણોપકર્ણ સંભળાઈને સચવાયેલી આ કથાઓની કોઈ પ્રાચીન હસ્તપ્રત મળતી નથી. લોકવારસા રૂપે જળવાયેલી આ કથાઓનો સર્વપ્રથમ સંચય ઈ.સ.પૂ. ૩૪૫૨૮૩ દરમ્યાન ડેમેટ્રિયસ ફ્લેરેસસે કર્યો હતો જે પછીથી ઇસુની નવમી સદી દરમ્યાન લુપ્ત થયો હતો. ઇસપકથાઓની હાલની ઉપલબ્ધ વાચનાનો મૂળ આધાર ઈસુની પહેલી સદીમાં રોમમાં ફ્રેડરસે લેટિન ભાષામાં કરેલો અનુવાદ છે. અલબત્ત, ઉપલબ્ધ વાચનાનાં આધુનિક રૂપરંગ અને તેના રચનાકાળની પ્રાચીનતાની તુલના કરતાં એ તથ્ય આપોઆપ જણાઈ આવે છે કે તેની પ્રત્યેક આવૃત્તિ દરમ્યાન કથાઓ નવનવાં રૂપ પામતી રહી હશે. ફ્રાંસ અને જર્મનીમાં ગ્રીક ભાષામાં થયેલી તેની આવૃત્તિઓ પૈકી એમોલ શાંબ્રો (૧૯૨૭)ની આવૃત્તિમાં ૩૫૮ કથાઓ મળે છે જ્યારે ટાયબ્નરકૃત ગ્રીકગ્રન્થમાળામાં પ્રકાશિત હાલની આવૃત્તિમાં ૪૨૬ કથાઓ સંગૃહીત છે. સંસ્કૃત ભાષાની પંચતંત્રની કથાઓ તેમજ પાલી-પ્રાકૃતની જાતકકથાઓની જોડે, નીતિબોધમૂલક સામ્ય ધરાવતી આ કથાઓ ગુજરાતીમાં ‘ઇસપનીતિ’ નામે અનૂદિત થઈ છે તેમજ તેનાં અનેક રૂપાન્તરો પણ થયાં છે. ર.ર.દ.