ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉદ્દેશ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઉદ્દેશઃ વિવેચક રમણલાલ જોશીએ ૧૯૯૦ ઑગસ્ટમાં શરૂ કરેલું સર્વસ્વરૂપલક્ષી સાહિત્ય સામયિક. રૂપરંગ અને સામગ્રીની ભાતમાં સંસ્કૃતિના પ્રભાવને પ્રગટ કરતા આ સામયિકની અધ્યાત્મચિંતનને વરેલી તેમજ સાંપ્રત સાહિત્યને અવલોકતી તંત્રીનોંધ નોંધનીય બની હતી. આરંભના સમયમાં એમણે પ્રકાશિત કરેલા વાર્તાઅંકો અને તંત્રીના સમકાલીન સર્જકો સાથેના ઉષ્માભર્યા સંબંધોને વ્યક્ત કરતા પત્રોનું પ્રકાશન આ સામયિકની વિશેષતા છે. સર્જનાત્મક ઉન્મેષોના પ્રકાશન સામે અભ્યાસ-વિવેચનના લેખોનું પ્રમાણ વધુ રહ્યું છે. આસ્વાદ, વિવેચનની લેખમાળાઓ, અભ્યાસલેખો, સમીક્ષાલેખો એમની મુખ્ય સામગ્રી રહી છે. રમણલાલ જોશી પછી પ્રબોધ રમણલાલ જોશીએ આ સામયિકનો કાર્યભાર હાથમાં લઈને એમાં મુદ્રણ અને સામગ્રી એમ ઉભય દૃષ્ટિએ ફેરફાર કરી પ્રથમ પંક્તિના સામયિક લેખે એનું ઘડતર કર્યું હતું. આ સમય દરમ્યાન ‘ઉદ્દેશ’માં સર્વસ્વરૂપને સમાવતાં લખાણો ઉપરાંત ધર્મ, તત્ત્વજ્ઞાન અને પ્રકૃતિ જેવા અન્ય વિષયનાં લખાણો પ્રગટ થતાં રહેતાં હતાં. ‘ઉદ્દેશ’ને ન વાંચવું હોય તો એનું લવાજમ પરત આપવાની પ્રબોધ જોશીએ જાહેરાત કરેલી જે સામયિકના સંદર્ભમાં નવી હતી. તંત્રી પ્રબોધ જોશીનું અવસાન થતાં ‘ઉદ્દેશ’ સને ૨૦૧૩માં બંધ પડ્યું. કિ. વ્યા.