ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યભાષા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કાવ્યભાષા (Poetic language) : રશિયન સ્વરૂપવાદે ‘સાહિત્યિકતા’ને ધ્યાનમાં રાખી સામાન્ય ભાષાના અતિચાર કે તેના વિચલનને કાવ્યભાષાનું મુખ્ય લક્ષણ ગણ્યું છે. વિચલન, અગ્રપ્રસ્તુતિ કે અપરિચિતીકરણની પ્રક્રિયા દ્વારા સિદ્ધ થાય છે. અને એના દ્વારા સંવેદનના વિલંબનથી ભાષાતંત્રને પુન :પ્રાણિત કરી શકાય છે એવી સ્વરૂપવાદની શ્રદ્ધા છે. રોમન યાકોબસન કાવ્ય કઈ રીતે સરખાપણાના સિદ્ધાન્તને ભાષાની વરણ ધરી પરથી સંયોજન ધરી પર પ્રક્ષેપે છે અને પ્રાસાનુપ્રાસનું સાદૃશ્યતંત્ર કઈ રીતે કાર્યાન્વિત બને છે એ દર્શાવે છે. લોત્મન પશ્ચાદ્ગતિના સિદ્ધાન્ત દ્વારા કાવ્યભાષાની વિશિષ્ટતા વર્ણવે છે અને બતાવે છે કે કાવ્ય હાલમાં વિસ્તરતી ભાષાને સ્થલના પરિમાણ પર મૂકી વારંવાર ભાવકને પશ્ચાદ્ગતિ અને સરખામણી કરવા પ્રેરે છે. માર્લો પોન્તિ સફળ પ્રત્યાયન એટલે ઓછી અભિવ્યક્તિ અને સફળ અભિવ્યક્તિ એટલે ઓછું પ્રત્યાયન એવા વિપરીત પ્રમાણને પુરસ્કારે છે અને સ્વીકારે છે કે અભિવ્યક્તિ માટે વ્યવસ્થાભંગ જરૂરી છે. ટૂંકમાં, કાવ્યભાષા રોજિંદી ભાષા પરત્વેની આપણી સ્વયંચાલિત પ્રતિક્રિયાને વિવિધ રીતે આંતરે છે અને ભાષાની પાર નહીં પણ ભાષા પરત્વે જોવા માટે આપણને વિવશ કરે છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં પણ ‘રીતિ’, ‘ધ્વનિ’, ‘વક્રોક્તિ’, ‘ઔચિત્ય’ કે ‘રમણીયતા’ આ ભેદકલક્ષણોથી કાવ્યભાષાને વિશિષ્ટ બતાવવાનો પ્રયત્ન નોંધપાત્ર છે. ચં.ટો.