ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કુમારચંદ્રક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કુમારચંદ્રક : જીવનલક્ષી સાહિત્યિક સામયિક ‘કુમાર’માં વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલાં કવિતા, વાર્તા, નાટક, નિબંધ, નવલકથા, વિવેચન જેવાં સાહિત્યસ્વરૂપોની શ્રેષ્ઠ કૃતિના સર્જકને – ‘કુમાર’ના ચાહક તથા તેના ઉદ્ગમથી લેખક તરીકે સક્રિય સહયોગ આપનારા નાટ્યલેખક યશવંત પંડ્યા દ્વારા – ૧૯૪૪થી આપવામાં આવતો ચંદ્રક. પ્રારંભે સૂચિત ચંદ્રક માટે કૃતિની વરણી કરનારા નિર્ણાયક મંડળમાં બળવંતરાય ઠાકોર, વિષ્ણુપ્રસાદ, ર. ત્રિવેદી તથા ‘સુન્દરમ્’ની સેવાઓ પ્રાપ્ત થઈ હતી. પછીથી એ જવાબદારી રામનારાયણ વિ. પાઠક તથા અનંતરાય રાવળે સંભાળી હતી. આજ પર્યંત ‘કુમાર’ચંદ્રક મેળવનારા સાહિત્યકારો : હરિપ્રસાદ દેસાઈ (૧૯૪૪, લેખમાળા), પુષ્કર ચંદરવાકર (૧૯૪૫, નાટિકા), યશોધર મહેતા(૧૯૪૬, નાટિકા), રાજેન્દ્ર શાહ (૧૯૪૭, કવિતા), બાલમુકુન્દ દવે( ૧૯૪૮, કવિતા), નિરંજન ભગત (૧૯૪૯, કવિતા), વાસુદેવ ભટ્ટ(૧૯૫૦, લેખમાળા), બકુલ ત્રિપાઠી (૧૯૫૧, નિબંધિકા), શિવકુમાર જોશી (૧૯૫૨, નાટિકા), અશોક હર્ષ (૧૯૫૩, ચરિત્રલેખો), શિવપ્રસાદ ત્રિવેદી (૧૯૫૪, લેખમાળા), ઉમાકાન્ત શાહ (૧૯૫૫, પુરાતત્ત્વીય લેખો), ચંદ્રશંકર બુચ ‘સુકાની’ (૧૯૫૬, સાગરકથા), જયન્ત પાઠક (૧૯૫૭, કવિતા), હેમન્ત દેસાઈ (૧૯૫૮, કવિતા), ઉશનસ્ (૧૯૫૯, કવિતા), નવનીત પારેખ (૧૯૬૦, લેખમાળા), સુનિલ કોઠારી (૧૯૬૧, લેખમાળા), લાભશંકર ઠાકર (૧૯૬૨, કવિતા), પ્રિયકાન્ત મણિયાર (૧૯૬૩, કવિતા), ચંદ્રકાન્ત શેઠ (૧૯૬૪, કવિતા), રઘુવીર ચૌધરી (૧૯૬૫, કવિતા), ફાધર વૉલેસ (૧૯૬૬, લેખમાળા), હરિપ્રસાદ પાઠક (૧૯૬૭, કવિતા), ગુલાબદાસ બ્રોકર (૧૯૬૮, લેખમાળા), ભાનુપ્રસાદ પંડ્યા (૧૯૬૯, કવિતા), રમેશ પારેખ (૧૯૭૦, કવિતા), ધીરુ પરીખ (૧૯૭૧, કવિતા અને વિવેચન), મધુસૂદન પારેખ (૧૯૭૨, લેખમાળા), કનુભાઈ જાની (૧૯૭૩, લેખમાળા), મધુસૂદન ઢાંકી (૧૯૭૪, લેખો), હરિપ્રસાદ શાસ્ત્રી (૧૯૭૫, લેખમાળા), વિનોદ ભટ્ટ (૧૯૭૬, લેખમાળા), ભગવતીકુમાર શર્મા (૧૯૭૭, ટૂંકી વાર્તા), અશ્વિન દેસાઈ (૧૯૭૮, ટૂંકી વાર્તા), શંકરદેવ વિદ્યાલંકાર (૧૯૭૯, લેખમાળા), બહાદુરશાહ પંડિત (૧૯૮૦, લેખમાળા), હસમુખ બારાડી(૧૯૮૧, લેખમાળા), પ્રફુલ્લ રાવલ (૧૯૮૨, લેખમાળા), ચંદ્રશંકર ભટ્ટ ‘શશિ-શિવમ્’ (૧૯૮૩, કવિતા). ૧૯૮૪થી ૨૦૦૨ સુધી આ પુરસ્કાર કોઈને આપવામાં આવ્યો ન હતો. ૨૦૦૩થી ‘કુમારસુવર્ણચંદ્રક’ નામાભિધાન સાથે તેનો આરંભ કરવામાં આવ્યો. રજનીકુમાર પંડ્યા (૨૦૦૩, લેખમાળા), રામચન્દ્ર મ. પટેલ (૨૦૦૪, કવિતા), બહાદુરભાઈ વાંક (૨૦૦૫, ધ્યાનકથાઓ), પ્રીતિ સેનગુપ્તા (૨૦૦૬, પ્રવાસલેખો), સુશ્રુત પટેલ (૨૦૦૭, ‘આકાશની ઓળખ’ માટે), ભગીરથ બ્રહ્મભટ્ટ (૨૦૦૮, ‘નિબંધ’ માટે), પરંતપ પાઠક (૨૦૦૯, લેખમાળા માટે), રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ (૨૦૧૦, કવિતા), પ્રવીણ દરજી (૨૦૧૧, લલિત-નિબંધ), રાધેશ્યામ શર્મા (૨૦૧૨, કથાબોધ), યોસેફ મૅકવાન (૨૦૧૩, કવિતા), કિશોર વ્યાસ (૨૦૧૪) હર્ષ બ્રહ્મભટ્ટ (૨૦૧૫, કવિતા), હર્ષદ ત્રિવેદી (૨૦૧૬, લેખમાળા), ભરત દવે (૨૦૧૭, લેખમાળા). ર.ર.દ.; ઈ.કુ.