ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કુમારપાલચરિત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કુમારપાલચરિત : અણહિલવાડના ચાલુક્ય રાજા કુમારપાલની પ્રશસ્તિમાં હેમચન્દ્રાચાર્યે રચેલું ઐતિહાસિક મહાકાવ્ય. એમાં કુમારપાલનું ચરિત્રલેખન થયું છે અને પોતાના ‘સિદ્ધહેમ’ વ્યાકરણના નિયમોને હેમચન્દ્રાચાર્યે એમાં ઉદાહરણબદ્ધ પણ કર્યા છે. ૨૮ સર્ગમાં વિસ્તરેલું આ મહાકાવ્ય બે ભાગમાં વહેંચાયેલું છે : સંસ્કૃતમાં રચાયેલા પહેલા ૨૦ સર્ગમાં મૂળરાજથી માંડી કુમારપાલ પર્યંતના પૂર્વજોનું વર્ણન થયું છે : સાથેસાથે ‘સિદ્ધહેમ’ વ્યાકરણના પ્રથમ સાત અધ્યાયમાં પ્રતિપાદિત કરેલા નિયમોનાં ઉદાહરણ પણ એમાં રજૂ થયાં છે. પછીના પ્રાકૃતમાં રચાયેલા આઠ સર્ગમાં ‘સિદ્ધહેમ’ વ્યાકરણના આઠમા અધ્યાયના નિયમ કુમારપાલના વર્ણનના માધ્યમથી સમજાવ્યા છે. એટલે કે વંશવર્ણન ને ચરિત્રવર્ણનમાં સિદ્ધહેમવ્યાકરણસૂત્રોનાં ઉદાહરણ ગૂંથાયેલાં છે. આમ, એમાં બેવડો ઉદ્દેશ સમાયો હોવાથી આ મહાકાવ્ય ‘દ્વયાશ્રયી’થી પણ ઓળખાય છે. ગુજરાતના ચાલુક્યવંશના ઇતિહાસ માટે અહીં કીમતી સામગ્રી છે. એનો કેટલોક ભાગ પ્રાકૃતથી ભિન્ન માગધી, પૈશાચી, અપભ્રંશ વગેરેમાં પણ લખાયેલો છે. ચં.ટો.