ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી કવિતામાં પ્રયત્નબંધ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



ગુજરાતી કવિતામાં પ્રયત્નબંધ : ખબરદારે અંગ્રેજીની જેમ ભાષાના પ્રયત્નતત્ત્વ (Accent)ને પ્રકાશમાં લાવી ગુજરાતી પદ્યમાં પ્રયત્નબંધને દાખલ કરવાનો પ્રયત્ન કર્યો; એટલું જ નહિ એ માન્યતા સાથે ‘મુક્તધારા’ જેવી છંદની રચના પણ કરી. એમણે પ્રયત્નવાદ (Accent Theory)નું વિવરણ કરતાં બતાવ્યું કે વૈદિકકાળ દરમ્યાન સંસ્કૃતના શબ્દોમાં ઉદાત્તતા-અનુદાત્તતા સ્વરિત જેવા પ્રયત્નોનું તત્ત્વ હતું; અને એ પદ્યના લયનું નિયામક હતું. પરંતુ પછી તેનું સ્થાન લઘુગુરુએ લીધું. ગુજરાતીમાં પણ લઘુગુરુને કે માત્રાને આધારે કવિતા રચાય છે. તેથી એમાં ભાષાના શબ્દોના સ્વાભાવિક ઉચ્ચારની વિલક્ષણતા અનુભવાય છે. એને દૂર કરવા પ્રયત્નબંધ અનિવાર્ય છે. ખબરદારની આ માન્યતા ભ્રામક સિદ્ધ થઈ છે. કારણ સંસ્કૃત કે સંસ્કૃતોત્થ ભાષાઓના સ્વરોનાં મૂલ્ય ચોક્કસ, લગભગ નિશ્ચિત છે અને તેથી પદ્યના ઉચ્ચારણમાં પ્રયત્નને સ્થાન જ નથી. એના લઘુગુરુની કે માત્રાની ગણતરી પર જ પદ્યનું બંધારણ રચાયેલું છે. ચં.ટો.