ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી નવલકથાવિવેચન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



ગુજરાતી નવલકથાવિવેચન : કાવ્ય અને નાટકની હજારો વર્ષ જૂની પરંપરાઓની સરખામણીમાં નવલકથા જેવું સ્વરૂપ માંડ અઢી સૈકા જૂનું હોવાને કારણે માત્ર ગુજરાતીમાં જ નહીં પણ ભારતીય અને વિદેશી ભાષાઓમાં પણ એનું વિવેચન દરિદ્ર રહ્યું છે. વીસમી સદીના ઉત્તરાર્ધમાં જ નવલકથાવિવેચને નવી દિશાઓ તાકવા માંડી. સુધારકયુગમાં ગુજરાતી નવલકથા મનોરંજનપ્રધાન અને બોધપ્રધાન રહી, મોટે ભાગે રૂપાન્તરો અને અનુવાદોથી નવલકથાસાહિત્ય ઊભરાયું હતું. એને કારણે એ કૃતિઓએ વિવેચનના કોઈ ગંભીર પ્રશ્નો છેડ્યા નહીં, ઘણીવાર વિવેચનનો ઉદ્દેશ માહિતી પૂરી પાડવાનો હોઈ તે સારાનુવાદી બની રહ્યું. ૧૮૮૭માં પ્રગટ થયેલી ‘સરસ્વતીચંદ્ર-૧’ નવલકથાવિવેચનને માટે પ્રકારલક્ષી વિવેચનથી માંડીને કૃતિલક્ષીચર્ચા માટેના પ્રશ્નો ઊભા કરી આપે છે. પરંતુ પંડિતયુગનું વિવેચન આદર્શવાદી, ભાવનાવાદી હોવાને કારણે ગોવર્ધનરામ ત્રિપાઠીની ભવ્ય પ્રતિભાથી અંજાઈને જઈને આ નવલકથાની પ્રશસ્તિ ખોટાં કારણોસર કરવા માંડે છે. રમણભાઈ નીલકંઠે આ નવલકથાની રચનારીતિ ઉપર જેટલો ભાર આપ્યો તેટલો ભાર પંડિતયુગની અને ત્યારપછી ગાંધીયુગની વિવેચના આપતી નથી. નવલકથામાં ઘટનાથી માંડીને દર્શન સુધીનું બધું નિર્વાહ્ય બનીને આવવું જોઈએ એવી ભૂમિકા મોટા ભાગના વિવેચકો સ્વીકારતા નથી. બીજી બાજુ નવલકથા અશુદ્ધ અને શિથિલ સાહિત્યસ્વરૂપ છે એ સ્વીકારીને ‘સરસ્વતીચંદ્ર’ની તપાસ કરવાને બદલે આ કૃતિમાં આકારનું આરોપણ વિવેચનની ભાષા અતાર્કિક, અશાસ્ત્રીય બની જાય એટલી હદે કરવામાં આવ્યું. કનૈયાલાલ મુનશી જ્યારે રોમાન્સ ઢાંચાની નવલકથાઓ આપે છે ત્યારે પ્રકારનિષ્ઠ વિવેચન માટેની એક તક નવલકથા વિવેચન માટે ઊભી થાય છે. પરંતુ વિવેચકો મોટેભાગે નવલકથાનાં ઘટકતત્ત્વોને આધારે ચર્ચા કરવાનો સરળ માર્ગ અપનાવી લે છે. તેમાંય નવલરામ પંડ્યાના જમાનાથી કથાનકને પ્રાધાન્ય આપીને વાત કરવાનું વિવેચનને વધુ અનુકૂળ આવ્યું હતું. એથી આગળ જો ચર્ચા કરવાનો પ્રસંગ આવે તો જીવનદર્શન ઉપર ભાર આપે. નવલકથાવિવેચનની આવી એક રૂઢ પરિપાટીએ વિવેચનને યાંત્રિક, એકવિધ બનાવી દીધું. જો કાવ્યવિવેચનમાં ઇતર માપદંડો પ્રમાણમાં ઓછી માત્રામાં પ્રવેશતા હોય અને નવલકથાવિવેચનમાં વધુ માત્રામાં પ્રવેશી જતા હોય તો એની પાછળ નવલકથાની વિશિષ્ટ પ્રકૃતિ તો જવાબદાર નથી ને? એવો પ્રશ્ન પુછાવો જોઈતો હતો. નવલકથાવિવેચનની દરિદ્રતા પાછળનું એક બીજું મહત્ત્વનું કારણ ઉત્તમ નવલકથાઓના આસ્વાદથી કેળવાયા વિનાની રુચિ. ઉમાશંકર જોશી જેવાની રુચિ યુરોપ-અમેરિકાની ઉત્તમ નવલકથાઓથી કેળવાયેલી હોવાને કારણે ગુજરાતી અને ભારતીય નવલકથાના સંદર્ભે તેઓ આકારલક્ષી ચર્ચા કરે છે. આધુનિકયુગનું નવલકથાવિવેચન પુરોગામી વિવેચનથી ઘણીબધી રીતે આડું ફંટાય છે. યુરોપ-અમેરિકાની આધુનિક સર્જનાત્મક કૃતિઓનો વધતો જતો પરિચય, અસ્તિત્વવાદનો વિસ્તરેલો પ્રભાવ અને સુરેશ જોષીએ પ્રચલિત કરેલી શુદ્ધ નવલકથાની વિભાવના – આ બધાં પરિબળો ભેગાં મળીને વિવેચનને જુદો ઘાટ આપવા જાય છે. ઘટનાપ્રાધાન્ય, કહેવાતી સામાજિક અભિજ્ઞતા અને ભાષા-કથનકેન્દ્ર વગેરે દ્વારા નવા નવા પ્રયોગો કરવાના સાહસનો અભાવ – આવાં કારણોને લઈને નવલકથાસ્વરૂપ કુંઠિત થઈ ગયાની ફરિયાદ સુરેશ જોષી તારસ્વરે અવારનવાર કરતા રહ્યા. વળી, તેમની લઘુનવલ ‘છિન્નપત્ર’ અને ત્યારપછી અન્ય સર્જકોએ લખેલી કેટલીક લઘુનવલોએ નવલકથાવિવેચનને વળાંક આપ્યો. કેટલીક કહેવાતી અસ્તિત્વવાદી નવલકથાઓ ગુજરાતીમાં લખાઈ. વિવેચનને અસ્તિત્વવાદનો અને એ પ્રકારની કૃતિઓનો પ્રત્યક્ષ અને તલાવગાહી પરિચય ન હોવાને કારણે એ વિવેચન દરિદ્ર જ રહ્યું. ગુજરાતી નવલકથાને કેન્દ્રમાં રાખીને જે વિવેચના થઈ તેમાં ‘કથાસાહિત્યનું વિવેચન’ (ભારતી દલાલ), ગુજરાતી નવલકથા (રઘુવીર ચૌધરી; રાધેશ્યામ શર્મા), ચંદ્રકાંત બક્ષીથી ફેરો’ (સુમન શાહ)., ‘ગુજરાતી કથાવિશ્વ ૧-૨’ (સં. નરેશ વેદ, બાબુ દાવલપુરા) મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત ‘સરસ્વતીચંદ્ર’ને નિમિત્તે ચંદ્રકાન્ત ટોપીવાળા, સિતાંશુ યશશ્ચંદ્ર વગેરેએ ઘનિષ્ઠ વાચનાઓ કરી તે પણ નોંધપાત્ર છે. કથાસાહિત્યની સમગ્ર પરંપરાનો અભ્યાસ રોમાન્સથી માંડીને લિરિકલ નવલકથાને આવરી લેતી પ્રકારનિષ્ઠ વિવેચના, નવલકથા સ્વરૂપની ઉત્ક્રાંતિનો પરિચય તથા ઉત્તમ દેશીવિદેશી નવલકથાઓની વિવેચના દ્વારા ગુજરાતી નવલકથાવિવેચન માટે નવી દિશાઓ ખૂલેલી છે. શિ.પં.