ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગૂજરાત વિદ્યાપીઠ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



ગૂજરાત વિદ્યાપીઠ: ભારતમાં બ્રિટિશ શાસનકાળ દરમ્યાન ૧૮૩૫માં મેકોલેએ કલ્પેલી કારકુની કેળવણી અપાતી હતી. એ કેળવણી પામેલા લોકોમાં સ્વાતંત્ર્યની ખેવના કે દેશદાઝનો અભાવ હતો. આ સ્થિતિ નિવારવા તેમજ રાષ્ટ્રીય ચારિત્ર્યના નિર્માણ માટે દેશભરમાં અલીગઢ, પૂના અને લાહોર તથા વૃંદાવન, કાંગડી, શાંતિનિકેતન જેવાં કેન્દ્રોમાં ભારતીય કેળવણી આપવા મથતી સંસ્થાઓ કામ કરતી હતી. કેળવણી એટલે સાક્ષરતા જ નહીં પરંતુ ઉત્તમ નાગરિકતાની ખીલવણી એવા ખ્યાલથી, વ્યક્તિના સર્વાંગીણ વિકાસને લક્ષિત કરતી કેળવણી માટે ગાંધીજીએ સાબરમતી રાષ્ટ્રીય શાખાની સ્થાપના કરેલી, પરંતુ અસહકારની લડતમાં જોડાવા અભ્યાસ અધૂરો મૂકીને આવેલા યુવાન-વિદ્યાર્થીઓ માટે શિક્ષણની કોઈ સુવિધા ન હતી. આ આવશ્યકતાને લક્ષ્યમાં લઈને રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયની કલ્પનાને સાકાર કરવા ગાંધીજીએ અમદાવાદમાં ગિદવાણી, કૃપાલાની, કિ. ઘ. મશરૂવાળા, ધર્માનન્દ કોસમ્બી અને પ્રો. સ્વામીનારાયણ જેવા અંતેવાસી વિદ્વાનોના સહયોગથી ‘સા વિદ્યા યા વિમુક્તયે’ના ધ્યાનમંત્રને સિદ્ધ કરવા ૧૯૨૦માં આ રાષ્ટ્રીય વિદ્યાપીઠ સ્થાપી હતી. એની સ્થાપનાની ક્ષણે તેના કુલપતિપદનો સ્વીકાર કરતી વેળા ગાંધીજીએ વિદ્યાપીઠની મહત્તા સ્પષ્ટ કરતાં કહ્યું હતું ‘અત્યારે જરાયે અતિશયોક્તિ વિના હું કહેવાને ઇચ્છું છું કે મેં એવું એક પણ કામ કર્યું નથી જેની સાથે આજે કરવાના કામનો મુકાબલો થાય.’ વિદ્યાર્થીને નિરર્થક વિધિ-નિષેધોથી મુક્ત કરનારી વિદ્યાની સાધના માટે સર્વધર્મસમભાવ, અસ્પૃશ્યતા નિવારણ, શરીરશ્રમ, શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાની મહત્તા તથા રાષ્ટ્રભાષા તરીકે હિન્દુસ્તાનીની પ્રતિષ્ઠા જેવા પંચશીલની કેળવણી વડે ચારિત્ર્યશીલ નાગરિકનું ઘડતર અને તેના દ્વારા સ્વરાજની પ્રાપ્તિ તથા સુરાજ્યની સ્થાપના માટે મથામણ કરતી ગૂજરાત વિદ્યાપીઠે તેના ગૂજરાત મહાવિદ્યાલય દ્વારા પહેલે જ વર્ષે મુંબઈ, અલ્હાબાદ, મદ્રાસ, પંજાબ, બનારસ, પટણા અને કલકત્તામાંનાં પોતાનાં કેન્દ્રો પર અધૂરા અભ્યાસે લડતમાં ઝંપલાવનાર ૧૦૩૭ વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી અને સ્નાતકની પદવી આપી. સ્નાતક ઉપરાંત વિનીત, પ્રથમા, મધ્યમા અને શાળાંત જેવી જુદીજુદી કક્ષાની પરીક્ષા પણ વિદ્યાપીઠે યોજી છે. વિશ્વવિદ્યાલય સ્તરની આ શૈક્ષણિક સંસ્થાએ કુમાર વિનયમંદિર, ગ્રન્થાલય, સંગીત વિદ્યાલય, મહાદેવ દેસાઈ સમાજ સેવા મહાવિદ્યાલય, આદિવાસી સંશોધન કેન્દ્ર, અનુસ્નાતકભવન, ઉદ્યોગશાળા અને પુરાતત્ત્વમંદિર જેવા અંગભૂત ઘટકો સ્થાપીને પ્રવૃત્તિનો વ્યાપ વધાર્યો છે. શહેરના વધતા જતા વ્યાપથી વિદ્યાપીઠની મૂળભૂત ગ્રામાભિમુખ શિક્ષણ પ્રણાલિને અસર પહોંચતાં પૂર્વસ્નાતક અભ્યાસક્રમોનું રાંધેજા અને સાદરા સ્થળાંતર કરાયું છે. ર.ર.દ.