ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગોલ્ડન ટ્રેઝરિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



ગોલ્ડન ટ્રેઝરિ: ૧૮૬૧માં અંગ્રેજી સાહિત્યમાં એક નોંધપાત્ર ઘટના બને છે એફ. ટી. પાલ્ગ્રેવ દ્વારા સમ્પાદિત ‘ગોલ્ડન ટ્રેઝરિ’ના ચાર ભાગના પ્રકાશનની. ૧૫૨૬થી ઓગણીસમી સદીના પૂર્વાર્ધ સુધીની અંગ્રેજી કવિતામાંથી ગીત-સૉનેટ આદિ ઊર્મિકવિતા પાલ્ગ્રેવે આ ચાર ગ્રન્થોમાં સંગૃહીત કરી છે. પહેલા ગ્રન્થમાં સર ટૉમસ વાયટથી શેક્સપીઅર સુધીના કવિઓની, બીજા ગ્રન્થમાં જ્યૉર્જ હર્બર્ટથી મિલ્ટન સુધીના કવિઓની, ત્રીજા ગ્રન્થમાં ટૉમસ ગ્રેથી રૉબર્ટ બર્ન્સ સુધીના કવિઓની અને ચોથા ગ્રન્થમાં જોન કીટ્સથી વર્ડ્ઝવર્થ સુધીના કવિઓની કાવ્યકૃતિઓનું ચયન કરવામાં આવ્યું છે. લગભગ ત્રણસો વર્ષની ઊર્મિપ્રધાન અંગ્રેજી કવિતાના આ સંચયો ખૂબ લોકપ્રિય બન્યા. ભારતમાં યુનિવર્સિટીઓ અને શાળાઓમાં ત્યારે ગોલ્ડન ટ્રેઝરિના ચોથા ગ્રન્થની કાવ્યકૃતિઓ એક યા બીજા સ્તરે અભ્યાસમાં મૂકવામાં આવતી. એનું પરિણામ એ આવ્યું કે આપણે ત્યાં પંડિતયુગની કવિતા પર આ ચોથા ગ્રન્થમાંની અંગ્રેજી રોમેન્ટિક યુગની ઊર્મિકવિતાએ ઊંડો પ્રભાવ પાડ્યો. નરસિંહરાવ દિવેટિયાએ તો પ્રથમ કાવ્યસંગ્રહ ‘કુસુમમાળા’ની રચનાઓ સભાનપણે આ ચોથા ભાગની કાવ્યકૃતિઓને આદર્શરૂપ ગણીને સર્જી અને પ્રસ્તાવનામાં એ પ્રભાવનો સ્પષ્ટ એકરાર પણ કર્યો. પંડિતયુગના ઘણા કવિઓનાં ઊર્મિકાવ્યો પર વિષયવસ્તુ, રચનારીતિ અને ભાષાશૈલી પરત્વે પાલ્ગ્રેવની ‘ગોલ્ડન ટ્રેઝરિ’ના આ ચોથા ભાગનો ખૂબ મોટો પ્રભાવ રહ્યો. ધી.પ.