ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/છ/છપ્પો
છપ્પો : મૂળે માંડણ બંધારાએ યોજેલો અને વેદાન્તી કવિ અખા દ્વારા વિશેષ પ્રચલિત થયેલો, ચોપાઈનાં છ ચરણ ધરાવતો લઘુદેહી મધ્યકાલીન કાવ્યપ્રકાર. અખાએ દોઢેક દાયકા પૂર્વે થયેલા એના પુરોગામી માંડણ બંધારાની રચના ‘પ્રબોધ બત્રીસી’ના પરિશીલન દ્વારા સિદ્ધ કરેલો આ કાવ્યપ્રકાર તેના લાઘવ, કહેવતસદૃશ ઉક્તિ વડે સધાતી ચોટ અને તત્કાલીન સમાજની તથાકથિત ધાર્મિકતા પર થતા પ્રહારને કારણે અલગ તરી આવે છે. એની કેટલીક પંક્તિઓ લોકજીભે ચઢીને પ્રસંગોપાત્ત કહેવત રૂપે ટંકાતી રહી છે.
ર.ર.દ.